ભારતે ૫૦૦૦ કિલોમીટરની રેન્જ ધરાવતા ‘અગ્નિ-૫’ મિસાઇલનું સફળ પરીક્ષણ કરતાં ચીનના પેટમાં ઊકળતું તેલ રેડાયું છે. અને તેમાં કંઇ આશ્ચર્યજનક પણ નથી, આથી ઉલ્ટું આમ ન થયું હોત તો અવશ્ય ભારતને નવાઇ લાગી હોત. સમગ્ર એશિયા તેમજ અડધોઅડધ યુરોપને આવરી લેતાં આ મિસાઇલનું પરીક્ષણ થયાના ગણતરીના કલાકોમાં જ ચીને ચીમકી ઉચ્ચારી છે કે ભારત આ પ્રમાણે મિસાઇલ ટેક્નોલોજી વિકસાવીને શસ્ત્રદોડને ઉત્તેજન આપતું રહેશે તો તે પાકિસ્તાનને મિસાઇલ ટેક્નોલોજી વિકસાવવામાં મદદ કરશે. ચીનનો આ અભિગમ દર્શાવે છે કે તે ભારત સામે શિંગડા ભરાવવા દુશ્મનનો દુશ્મન આપણો દોસ્તની નીતિ અપનાવી રહ્યું છે. ચીન ભલે મદમાં રાચતું હોય કે તેને ભારતને ભીડવવામાં ભારતના જ દસકાઓ જૂના દુશ્મન પાકિસ્તાનનો સાથ મળી રહ્યો છે. પરંતુ તે કદાચ ભૂલી જાય છે કે આમાં તેને કોઇ પણ પ્રકારે લાભ નથી જ નથી.
કહેવાય છે કે તમે પડોશી બદલી નથી શકતા અને જ્યારે પડોશમાં જ્યારે પાકિસ્તાન અને ચીન જેવા દેશ હોય ત્યારે તો ભારત જેવા શાંતિપ્રિય દેશ માટે સમસ્યાઓ સર્જાતી રહેવી સામાન્ય છે. આજે દુનિયામાં સૌથી મોટી સમસ્યા આતંકવાદ છે અને તેનાથી પણ મોટી સમસ્યા છે આતંકવાદ મુદ્દે બેવડું વલણ. ચીનના પોતાના જ શિન્જિયાંગ ક્ષેત્રમાં આતંકવાદ ઉછરી રહ્યો છે, પરંતુ તે આતંકી મસૂદ અઝહરનું નામ યુનાઇટેડ નેશન્સની યાદીમાં સામેલ કરાવવાના ભારતના પ્રયાસો આડે અંતરાયો ઉભા કરી રહ્યું છે. ચીનના આવા પગલાં ભારત-ચીન સંબંધોમાં મોટો અવરોધ ઉભો કરી રહ્યા છે. આવી અવળચંડાઇ કરતાં ચીન એ વાસ્તવિક્તા વિસરી જાય છે કે એશિયામાં ભારત અને ચીન ઝડપથી વિકસી રહેલા દેશ છે અને આ બન્ને પડોશી દેશો વચ્ચે ઘર્ષણ ન થાય તે જ અન્યોન્યના હિતમાં છે.
ભારતને પજવવાના એકમાત્ર ઉદ્દેશથી આતંકવાદના અજગરને પાળી પોષી રહેલા પાકિસ્તાન સાથે તો ભારત સારા સંબંધોની આશા રાખી શકે તેમ નથી, પરંતુ ભારત-ચીન સંબંધોને ગાઢ બનાવવાનું મુશ્કેલ નથી. ચીન પાકિસ્તાનની સરખામણીમાં મોટો દેશ છે. ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં જેટલા મજબૂત થશે તેટલો ભારતને જ વધુ ફાયદો છે. ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધો પર બારીક નજર રાખતા રાજદ્વારી નિષ્ણાતોનું માનવું છે કે બન્ને દેશોએ અસંમત મુદ્દે ઓછું અને સંમત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. ભારત પાકિસ્તાન સાથે આવું કરી શકે તેમ નથી કેમ કે ભારત જ્યારે પણ કોઇ મુદ્દે પાકિસ્તાન સાથે સંમતિ સાધે છે ત્યારે તે કાશ્મીર રાગ આલાપવા લાગે છે. પાકિસ્તાન એશિયામાં આતંકવાદનું મોટું કેન્દ્ર છે. તેણે ભારત સાથે સીધો જંગ તો છેડ્યો, પરંતુ દરેક વખતે કારમો પરાજય થતાં હવે તેણે પ્રોક્સી વોરનો રસ્તો અપનાવ્યો છે. ભારત માટે હવે તકલીફ એ છે કે પાકિસ્તાનને ચીનનું ભરપૂર સમર્થન મળી રહ્યું છે. ચીન જાણે છે કે તે મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરાવવામાં તે રોડાં નાંખીને ખોટું કરી રહ્યું છે, પરંતુ તે મિત્ર દેશ - પાકિસ્તાનને નીચાજોણું કરાવવા માગતું નથી. વિશ્વતખતે આ જ રાજદ્વારી ખેલ ચાલતો રહે છે. ભારત પણ ચીનની સામે વૈશ્વિક સ્તરે જોડાણ મજબૂત કરી રહ્યું છે. સાઉથ ચાઇના સીમાં ચીનને નબળું પાડવાની ભારતની યોજનાને અમેરિકાએ સહયોગ આપ્યો છે. ભારત ચીનને તેની જ ભાષામાં આક્રમક જવાબ આપી શકે છે, પરંતુ સીધો સંઘર્ષ કરીને નહીં. ચીન પણ આ વાત બહુ સારી રીતે જાણે છે તેથી તે પણ સીધો ટકરાવ ઉભો નહીં જ કરે.
ભલે ચીન અને ભારત વચ્ચે ગાઢ દોસ્તી થઇ શકે તેમ ન હોય, પરંતુ મિલન-મુલાકાત-મંત્રણાનો સિલસિલો અવિરત ચાલતો રહે તે બન્નેના હિતમાં છે. ભારત-ચીને યાદ રાખવું રહ્યું કે એકમેકના પ્રદેશમાં બન્નેનું જંગી મૂડીરોકાણ છે. અરસપરસ આર્થિક હિતો સંકળાયેલા છે. કડવાશભર્યા નિવેદનો છતાં ભારત-ચીન સીમા પર છેલ્લા કેટલાક દસકાથી શાંતિ જળવાઇ રહી છે તે સાચું, પરંતુ આ શાંતિ કાયમ જળવાય તે બન્નેના હિતમાં છે. બન્ને દેશો દ્વારા શાંતિમંત્રનું સહિયારું ગાન જ સમગ્ર ક્ષેત્રને આર્થિક વિકાસના રાજમાર્ગ પર દોરી જશે.