ભારત-ચીન સંબંધોઃ સાવચેતી જરૂરી

Tuesday 08th May 2018 15:26 EDT
 

કર્ણાટકમાં ચૂંટણી જંગ જામ્યો હતો તે માહોલ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીન જઇ આવ્યા, અને તે પણ કોઇ ઔપચારિક બેઠકના આયોજન વગર જ. મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ૨૪ કલાકમાં ૬ વખત મળ્યા, ૯ કલાક સાથે રહ્યા. નૌકાવિહાર કર્યો, સાથે ભોજન કર્યું ને ચા-પાણી પણ કર્યા. બન્ને નેતાઓ વચ્ચેની આ અનૌપચારિક શિખર બેઠકનો ચોક્કસ એજન્ડા નહોતો, પરંતુ બન્ને નેતાઓમાં સરહદે શાંતિ, આતંકવાદનો સફાયો, સૈન્ય સહયોગ, ગંગાસફાઇ અને વ્યાપાર સંતુલન જેવા મુદ્દા પર ચર્ચા થઇ, અને સંમતિ સધાઇ. બન્ને નેતાઓ એક મુદ્દે સ્પષ્ટ હતાઃ ભારત-ચીન સાથે મળી કામ કરે તો વિશ્વ માટે ઉપકારક સાબિત થાય તેમ છે. જોકે તમામ મુદ્દામાં સૌથી નોંધનીય બાબત છે અફઘાનિસ્તાનમાં સહિયારા પ્રોજેક્ટ શરૂ કરવા બન્ને દેશોએ સાધેલી સંમતિ. આ નિર્ણયથી પાકિસ્તાનના ભવાં જરૂર ચઢશે ને આથી જ ભારતે અફઘાનિસ્તાન મુદ્દે ચીન સાથે સહયોગ સાધતા સાબદા રહેવાની જરૂર છે.
એશિયામાં અફઘાનિસ્તાન એવો દેશ છે જ્યાં હજુ સુધી ચીન સામાજિક, સૈન્ય કે આર્થિક ક્ષેત્રમાં પગપેસારો કરી શક્યું નથી. અહીંની સરકારથી માંડીને સામાન્ય પ્રજા - ભારતને પોતાનો સૌથી વિશ્વસનીય મિત્ર માને છે. તાલિબાનની ચુંગાલમાંથી મુક્ત અફઘાનિસ્તાનમાં હાલ ભારતના સહયોગથી નવનિર્માણનું કાર્ય ચાલે છે. ભારત પાડોશી ધર્મ નિભાવતા અફઘાનિસ્તાનને મદદરૂપ થઇ રહ્યું છે ને ભારતીય મદદની વિશ્વસ્તરે નોંધ પણ લેવાઇ છે. આ વાત પાકિસ્તાનને આંખમાં કણાની જેમ ખૂંચે છે. પાકિસ્તાન નથી ઇચ્છતું કે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવામાં અને નવનિર્માણમાં મદદરૂપ થવા બદલ ભારતને જશ મળે. બીજી તરફ ચીન, ભારતના અન્ય પડોશી દેશો બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકામાં પંજો પસારવામાં સફળ રહ્યું છે. પાકિસ્તાન તો તેના ખોળામાં જ છે, જ્યારે અફઘાનિસ્તાન બાકી હતું. આ સંજોગોમાં ચીન અફઘાનિસ્તાનમાં પગપેસારો કરવામાં સફળ રહ્યું તો ભવિષ્યમાં તે પાકિસ્તાન સાથે કારસો રચી ભારત માટે ચિંતા સર્જી શકે.
આ ઉપરાંત બન્ને નેતાઓ વચ્ચે ડોકલામ અને વન બેલ્ટ વન રોડ (ઓબીઓઆર) મુદ્દે કોઇ સીધી ચર્ચા થઇ નથી તે ચિંતાજનક બાબત છે. બન્ને દેશો વચ્ચે શાંતિપૂર્વક સરહદી બાબતો અંગે હકારાત્મક વલણનો ચીનના લશ્કરના એક પ્રવક્તાનો અહેવાલ હોવા છતાં, તણાવ વધવાનું મુખ્ય કારણ ડોકલામ વિવાદ છે. સેટેલાઇટ તસવીરોમાં દેખાય છે તેમ ચીન તરફથી આ ક્ષેત્રમાં જંગી સૈન્ય મથકો, રનવે અને માર્ગ નિર્માણ થયું છે. જો ચીન - દાવા પ્રમાણે - આ પ્રદેશમાં શાંતિ જ ઇચ્છે છે તો પછી આટલી બધી તૈયારીનું કારણ શું? ઓબીઓઆર પ્રોજેક્ટમાં પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાંથી કોરિડોરનું નિર્માણ થઇ રહ્યું છે. ભારત આની સામે વાંધો પણ ઉઠાવી ચૂક્યું છે, પણ ચીને આ વાંધો ગણકાર્યો નથી. આ બધા પાસાંને નજરમાં રાખતાં કહેવું રહ્યું કે ચીન સાથેના સંબંધોમાં ભારત છાશ પણ ફૂંકી ફૂંકીને જ પીએ તો સારું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter