ભારત આર્થિક વિકાસની દૃષ્ટિએ ભલે આગેકૂચ કરી રહ્યું હોય પરંતુ, સ્ત્રીઓની સલામતીના મામલે વિશ્વમાં સૌથી અસુરક્ષિત દેશ ગણાય છે. થોમસન રોઈટર્સ ફાઉન્ડેશનના આ ચોંકાવનારા સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર બળાત્કાર, યૌનશોષણ, અત્યાચાર, અપહરણ, દેહવ્યાપાર અને હત્યા સહિત નારીવિરોધી અપરાધો સહિત નારીસુરક્ષાના મામલે વિશ્વના અસલામત દેશોમાં ભારત પ્રથમ ક્રમે છે. કરમની કઠણાઈ તો એ કહેવાય કે ભારતને મહિલાઓ માટે સીરિયા, અફઘાનિસ્તાન તેમજ પડોશી દેશ પાકિસ્તાનની સરખામણીએ પણ વધુ ખતરનાક ગણાવાયું છે. આ સર્વેમાં એક માત્ર પશ્ચિમી દેશ અમેરિકા ૧૦મા ક્રમે છે. આજથી સાત વર્ષ અગાઉ ૨૦૧૧માં કરાયેલાં સર્વેક્ષણમાં અફઘાનિસ્તાન, કોંગો, પાકિસ્તાન, ભારત અને સોમાલિયા મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશ ગણાયા હતા, જેમાં ભારત સ્ત્રીઓની અસુરક્ષાના મામલે ચોથા સ્થાને હતું તેમાંથી સુધારો થવાના બદલે પ્રથમ ક્રમે આવી ગયું છે.
‘બેટી બઢાઓ, બેટી બચાવો’ના સૂત્રોચ્ચાર અને અભિયાનો ચલાવાતા હોવાં છતાં ભારતમાં સ્ત્રીઓની હાલતમાં કોઈ સુધારો જોવાં મળતો નથી. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રાજધાની દિલ્હી બળાત્કારના પાટનગર તરીકે પંકાઈ છે, જ્યાં સામૂહિક બળાત્કાર અને અપહરણની ઘટનાઓ રોજિંદી બાબત ગણાય છે. સમગ્ર ભારતની વાત કરીએ તો દર કલાકે મહિલાઓ વિરુદ્ધ ઓછામાં ઓછાં ૪૦ ગુના આચરવામાં આવે છે. રાષ્ટ્રીય ગુના રેકોર્ડ્સ બ્યૂરો મુજબ ભારતમાં રોજ યૌન હિંસાના ૧૦૦ કેસ નોંધાય છે.
થોમસન રોઈટર્સ ફાઉન્ડેશન દ્વારા મહિલા સુરક્ષાના મુદ્દે સર્વેમાં આ સર્વેમાં આરોગ્યસેવા, ભેદભાવ, સાંસ્કૃતિક પરંપરાઓ, યૌનહિંસા અને ઉત્પીડન, હિંસા તથા માનવતસ્કરી જેવાં ક્ષેત્રોનાં ૫૪૮ વિશેષજ્ઞોએ ભાગ લીધો છે. આ સર્વેમાં માનવ તસ્કરી, ઘરકામ માટે વેઠ-મજૂરી, બળજબરીથી કરાયેલા લગ્ન, યોન શોષણ અને બાળકો પર ગુજારવામાં આવતી હિંસાનો સમાવેશ કરાયો હતો. આ છ આધારમાંથી સાંસ્કૃતિક પરંપરાઓ, યૌનહિંસા અને માનવતસ્કરીના ત્રણ ક્ષેત્રમાં ભારત સૌથી આગળ (કે સાચા અર્થમાં પાછળ?) ગણાયું છે.
ભારતીય સંસ્કૃતિની વાહવાહી મધ્યે પણ આ સર્વેના તારણો આપણા માટે ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ સમાન બની ગયાં છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ’ના સૂત્રો માત્ર શાસ્ત્રપુરાણોમાં જ રહી ગયાં છે. નારીનું ગૌરવ જાળવવું આપણી પ્રાથમિકતા કે અનિવાર્યતા હોવાં છતાં, તેમના પર એસિડ ફેંકાય, બાળકીને ‘દૂધપીતી’ કરી દેવાય કે મારી નખાય, બાળ વિવાહ કરાવી દેવાય અને સ્વજનો તેમજ ઓળખીતાઓ દ્વારા તેમનું યૌનશોષણ કરાય તે હવે ભારતની ઓળખ બની ગઈ છે. માતાપિતા માટે પણ પુત્રની સરખામણીએ પુત્રીનું સ્થાન નિમ્ન કક્ષાનું રહ્યું છે. છ વર્ષ પહેલા થયેલા નિર્ભયા કાંડ સામેના આકરા વિરોધ અને દેખાવો છતાં મહિલાઓની સુરક્ષા માટે ભારતમાં હજી સુધી પુરતી કામગીરી કરાઈ નથી અને કાયદા પણ અપૂરતા છે તે હકીકત છે.
ભારતમાં આ તારણોની આકરી ટીકાઓ પણ થઈ છે. એક વાત નોંધવા જેવી છે કે મહિલાઓને સૌથી ઓછાં અધિકારો આપનારા સાઉદી અરેબિયા અને અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ સારી કેવી રીતે ગણી શકાય? આ સર્વેના તારણો ફગાવતાં નેશનલ કમિશન ફોર વિમેનનું કહેવું સાચું છે કે જે દેશમાં મહિલાઓને બોલવાની આઝાદી નથી તેની સ્થિતિ સારી કેવી રીતે કહેવાય. સાઉદી અરેબિયામાં તો હાલમાં જ સ્ત્રીઓને કાર ડ્રાઈવિંગનો અધિકાર અપાયો છે. આ દેશોની તુલનાએ ભારતમાં સ્ત્રીઓને વધુ આઝાદી અને અધિકારો પ્રાપ્ત થયેલાં છે.