ભારત-નેપાળઃ તનાવ કોઇના હિતમાં નથી

Tuesday 17th May 2016 14:15 EDT
 

એક સમયે રાજદ્વારી સંપર્કોથી માંડીને વેપાર-વણજ ક્ષેત્રે ગાઢ સંબંધો ધરાવતા ભારત-નેપાળ દ્વિપક્ષીય સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી દિન-પ્રતિદિન અંતર વધી રહ્યું છે. બે દેશો વચ્ચેના સંબંધમાં આવો રાજકીય તનાવ સામાન્યતઃ નાના રાષ્ટ્ર માટે નુકસાનકારક સાબિત થતો હોય છે, પરંતુ અહીં ઉલ્ટું છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી મૂલવીએ તો આ તનાવ નેપાળ જેવા નાના રાષ્ટ્ર કરતાં ભારત જેવા વિશાળ રાષ્ટ્ર માટે વધુ ચિંતાજનક છે કારણ કે ભારતથી દૂર જઇ રહેલું રહેલું નેપાળ ચીનની સોડમાં ભરાઇ રહ્યું છે. અને ભારતને કનડવા હંમેશા તત્પર ખંધું ચીન નેપાળ પર અછોવાનાં કરી રહ્યું છે.

ગત ફેબ્રુઆરીમાં ભારતપ્રવાસ વેળા નેપાળના વડા પ્રધાન ખડગપ્રસાદ શર્મા ઓલીએ નરેન્દ્ર મોદી સાથે શિખર બેઠક યોજીને હતી. બાદમાં નવ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થતાં આશા બંધાઇ હતી કે, બે દેશો વચ્ચેની ગેરસમજ હવે દૂર થઇ છે અને નેપાળ ફરી ભારતને ગાઢ મિત્ર તરીકે સ્વીકારતું થઇ જશે. નેપાળી વડા પ્રધાનની બોડી લેંગ્વેજ તે વેળા હકારાત્મક હતી, પરંતુ તાજેતરની ઘટનાઓ દર્શાવે છે કે બંને દેશ વચ્ચેના સંબંધના ખટાશ હજુ દૂર નથી થઈ.

નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીની ભારત-યાત્રા એકાએક રદ કરી દેવાઇ. આ પછી નેપાળે જાહેરાત કરી કે તે નિજગઢ એરપોર્ટનું નિર્માણકાર્ય ખુદ હાથ ધરશે. અગાઉ તે આ પ્રોજેક્ટ ભારતને આપવાનું હતું. ઓલીએ તેમના ચીનપ્રવાસ વેળા સંકેત આપ્યા કે કાઠમંડુ બૈજિંગની નજદીક સરકી રહ્યું છે, અને તે પણ એવા સમયે જ્યારે ભારત સરકાર ભૂકંપગ્રસ્ત નેપાળના પુનર્વસન માટે ભરપૂર સહાય પહોંચાડી રહ્યું હતું. હવે ચીને આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો ભરેલી ટ્રેન નેપાળ મોકલી છે, જેને નેપાળી વડા પ્રધાનના ચીન પ્રવાસની ફળશ્રુતિ જ સમજવી રહી. નેપાળ અત્યાર સુધી આ પુરવઠો ભારત પાસેથી મંગાવતું હતું.

એક સમયનો ગાઢ પડોશી દેશ પરંપરાગત શત્રુ ચીનના પ્રભાવમાં આવી રહ્યો છે એ ભારત માટે ચિંતાજનક બાબત છે. તો બીજી તરફ, નેપાળમાં પણ રાજકીય બેચેનીનો માહોલ પ્રવર્તે છે. એક વર્ષથી પુષ્પ કમલ દહાલ ‘પ્રચંડ’ના પક્ષના સમર્થનથી શાસન કરતી ઓલી સરકાર દેશવાસીઓના દિલમાં હજી સ્થાન જમાવી શકી નથી. ભ્રષ્ટાચાર જૈસે થે છે અને ભૂકંપ બાદ વિદેશથી મળેલી મદદનો યોગ્ય ઉપયોગ થયો નથી. ઓલીએ નવા બંધારણમાં સુધારાની હૈયાધારણ આપી હતી, પરંતુ હજુ સુધી પગલાં લેવાયા નથી. આથી નેપાળના તરાઇમાં રહેતા લગભગ ૮૦ લાખ મધેશી (ભારતીય મૂળના નેપાળી) લોકોમાં સરકાર સામે આક્રોશ પ્રવર્તે છે.
મે મહિનાના પ્રારંભે નેપાળમાં પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના યુસીપીએન માઓવાદીએ સરકારને ટેકો પાછો ખેંચવા જાહેરાત કરી તો ઓલી સરકારને લાગ્યું કે આમાં ભારતનો જ હાથ છે. અલબત્ત, ‘પ્રચંડે’ બીજા જ દિવસે ફરી સમર્થન જાહેર કરી દીધું અને ભારતે પણ આ ઘટનાક્રમ સાથે પોતાને કોઇ નિસ્બત ન હોવાની સ્પષ્ટતા કરી છતાં નેપાળની નારાજગી ઓછી થઇ નથી.

આ જ અરસામાં યોજાયેલો નેપાળના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ વિદ્યા દેવીનો ભારતપ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે, પણ કોઇ કારણ જાહેર થયું નથી. આ ઘટનાક્રમથી પહેલી નજરે એવી છાપ ઉપસે છે કે દેશમાં પ્રવાહી રાજકીય માહોલને લીધે રાષ્ટ્રપતિએ ભારત પ્રવાસ રદ કર્યો છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે નેપાળે ભારત પ્રત્યેની નારાજગી દર્શાવવા જ આ નિર્ણય કર્યો છે.

પ્રવર્તમાન સંજોગો દર્શાવે છે કે ભારત સરકાર માટે નેપાળ નીતિ પર ગંભીરતાથી વિચાર કરવાનો સમય પાકી ગયો છે. સંબંધમાં તણાવ ઓછો કરવા ભારતની નેતાગીરીએ વ્યવહારમાં સતર્કતા રાખવી પડશે. એટલું જ નહીં, ભારતે એ આત્મનિરીક્ષણ પણ કરવું પડશે કે પોતાના જ કોઇ વ્યવહારે તો નેપાળની નેતાગીરીને ઠેંસ પહોંચાડી નથીને? તો બીજી તરફ, નેપાળના નેતૃત્વે પણ નીર-ક્ષીરનો ભેદ પારખી લેવાની જરૂર છે. નેપાળ સરકારને અસ્થિર કરવાના ષડયંત્રમાં ભારતની સંડોવણીની વાત માની શકાય તેવી નથી. ભારતે ક્યારેય નેપાળની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કર્યો નથી, અને કરશે પણ નહીં. નેપાળે આંતરિક અશાંતિને લીધે સર્જાતી સમસ્યાઓ માટે ભારતને દોષિત ઠેરવવાને બદલે પોતાની ભૂલો સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે.

ભારત અને નેપાળ બન્નેએ સમજી લેવાની જરૂર છે કે સંબંધોમાં આ તનાવ કોઇના પણ હિતમાં નથી. બે દેશની લડાઇમાં ચીન સ્વાર્થ સાધી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter