અનુસૂચિત જાતિ અને જનજાતિ (એસસી-એસટી) એક્ટ અંગે સુપ્રીમ કોર્ટએ આપેલા ચુકાદાના વિરોધમાં ભારત ભડકે બળ્યું તે લોકતંત્ર માટે ખતરાની ઘંટડી જ ગણવી રહી. દલિત સંગઠનોએ સોમવારે આપેલા બંધના એલાને કેટલાય રાજ્યોની શાંતિમાં પલિતો ચાંપ્યો. હિંસાની હોળી નવ માનવ-જિંદગી ભરખી ગઇ અને માલમિલકતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. કોર્ટે ૨૦ માર્ચે એક ચુકાદામાં એસસી-એસટી એક્ટ તળે થતી ફરિયાદમાં તત્કાળ ધરપકડ ન કરવા આદેશ આપ્યો છે. ઉપરાંત કોર્ટે આવા કેસમાં આગોતરા જામીનને પણ મંજૂરી આપી છે. કોર્ટે જણાવ્યું હતું કે કેસમાં ધરપકડ પૂર્વે જિલ્લા પોલીસ વડા કક્ષાના અધિકારીએ તપાસ કરવાની રહેશે. સરકારી કર્મચારીની ધરપકડ પૂર્વે સંબંધિત અધિકારીની અને આમ નાગરિકની ધરપકડ પૂર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી)ની મંજૂરી લેવી પડશે. કેટલાક દલિત સંગઠનો આ ચુકાદાને એસસી-એસટી એક્ટ સાથે ચેડાં ગણાવે છે.
ભારતની સર્વોચ્ચ અદાલતે તથ્યાતથ્યોને નજર સમક્ષ રાખીને જ ચુકાદો આપ્યો હશે તેની ના નહીં, પરંતુ હકીકત એ છે કે આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે દેશમાં દલિત-વિરોધી ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં નાના-મોટા નગરોમાં ક્યાંકને ક્યાંક એવી ઘટનાઓ બનતી રહી છે જે સતત યાદ અપાવે છે કે ભારતીય સમાજમાં આજે પણ ઊંચ-નીચના ભેદભાવ છે. ભલે આવી નીચી માનસિક્તા ધરાવનારા લોકોની સંખ્યા ઓછી હશે, પરંતુ સમાજમાંથી ભેદભાવની આ બદી સમૂળગી નાબૂદ થઇ છે એવું કોઇ કહી શકે તેમ નથી. ભારતમાં પછાત સમુદાય દસકાઓ-સૈકાઓથી જુલમ-સિતમનો ભોગ બનતો રહ્યો છે. અનેક પ્રસંગોએ, એક યા બીજા કારણસર દેશની સામાજિક સમરસતાને ઝેરીલી બનાવવાના પ્રયાસ થતા રહ્યા છે. લોકતંત્રમાં પોતાની વાત, મંતવ્ય રજૂ કરવાનો દરેકને અબાધિત અધિકાર છે, પણ આંદોલન, પ્રદર્શન, ધરણાં અહિંસક હોવા જોઇએ.
આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ દલિત અને પછાત વર્ગની આ હાલત કોઇથી અજાણી નથી. આ સમુદાયના ભાઇભાંડુઓનું ઉત્થાન કરવાના અનેક વાયદા અને દાવા છતાં કડવી હકીકત એ છે તે તેમની હાલત જૈસે થે છે. આવું શા માટે? અનામત હોય કે સરકારી યોજનાઓના લાભ, આ વર્ગના છેવાડાના માનવી સુધી કેમ પહોંચ્યા નથી? સવાલો તો અનેક છે, પણ જવાબ કોઇની પાસે નથી. ના તો શાસકો પાસે અને ના તો વિપક્ષ પાસે.
ભારત બંધ દરમિયાન ફેલાયેલી હિંસા પાછળ રાજકીય સ્વાર્થ તો એક પરિબળ છે જ સાથોસાથ આ પ્રશ્નોના જવાબ ન મળવાની હતાશા પણ એક કારણ છે. હિંસામાં કોઇ પક્ષના કાર્યકરે નહીં, પણ આમ આદમીએ જીવ ગુમાવ્યા છે. દલિત અને પછાત સમુદાયમાં ફેલાયેલી નિરાશા માટે કોઇ એક સરકાર કે પક્ષને દોષ આપી શકાય તેમ નથી.
આ દેશ પર સાડા પાંચ દસકા કોંગ્રેસે રાજ કર્યું છે તો દસકો ભાજપે પણ શાસનધુરા સંભાળી છે. વચ્ચે વચ્ચે મોરારજી દેસાઇ, ચરણ સિંહ, ચંદ્રશેખર, વી. પી. સિંહ, દેવે ગોવડા જેવા વડા પ્રધાને પણ દેશનું નેતૃત્વ સંભાળ્યું. પરંતુ પછાતો અને દલિતોના ઉત્થાનની સમસ્યાનો ઉકેલ કેમ શોધી શકાયો નથી? સુપ્રીમ કોર્ટને એસસી-એસટી એક્ટમાં સુધારાની જરૂર કેમ પડી? સવાલ એ પણ ઉઠે છે કે શું આ અથવા આવા બીજા કાયદાનો દુરુપયોગ થાય છે? જો જવાબ હા હોય તો, આનો ઉકેલ શોધવા તમામ પક્ષોએ રાજકીય સ્વાર્થને કોરાણે મૂકીને આગળ આવવું પડશે. અને આ માટે સૌપ્રથમ તો દલિતો પર અત્યાચારના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું પડશે. તાજેતરમાં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ટીંબી ગામે બનેલો બનાવ આંખ ઉઘાડનારો છે. ગામના કેટલાક શખસો દ્વારા દલિત યુવાનની હત્યા થઇ. વિવાદ ચગ્યો કે યુવાન ગામમાં ઘોડી પર ફરતો હોવાથી કહેવાતા ઉચ્ચ વર્ણના લોકોએ તેમને ધમકાવ્યો અને તેની વાત ન માનતા હત્યા કરી નાંખી. કલાકોમાં તો આ ઘટનાને વખોડતું બહુજન સમાજ પાર્ટી (બસપા)ના નેતા માયાવતીનું નિવેદન આવી ગયું કે દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે. જ્યારે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે યુવાન છેલબટાઉ હતો. છોકરીની છેડતી કરવાના મુદ્દે તેને ટપારવામાં પણ આવ્યો હતો. આ અંગત અદાવતમાં તેની હત્યા થઇ છે. દલિતોના મસીહા તરીકે ઓળખાવતી બસપાએ ચપટિક રાજકીય સ્વાર્થ ખાતર વગરવિચાર્યું નિવેદન કરીને સમાજના બે વર્ગો વચ્ચે અંતર વધારી દીધું. નેતાઓથી માંડીને પ્રજાએ સમજવું રહ્યું કે સરકાર તો આવતી-જતી રહેશે, પરંતુ આ દેશમાં દરેક ધર્મ અને જાતિના લોકો તો પહેલાં પણ વસતાં હતા અને ભવિષ્યમાં પણ વસતાં હશે. સામાજિક સમરસતા દેશની આગવી ઓળખ રહી છે અને આ ઓળખને જાળવી રાખવી સહુ કોઇની જવાબદારી છે - સરકારની, રાજકીય પક્ષોની ને સવાસો કરોડ ભારતીયોની પણ.