હંમેશા કંઇક નોખું-અનોખું કરતા રહેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક સમયથી આંતરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોના જતન-સંવર્ધન માટે ‘ઔપચારિક ચર્ચા’નો અભિગમ અપનાવ્યો છે. બે દેશના વડાઓ - અધિકારીઓ હળેમળે અને મોકળા મને ચર્ચા કરે. સત્તાવાર મંત્રણા કે મુદ્દાનું કોઇ બંધન નહીં, પરંતુ વાતવાતમાં ભાવિ સહયોગ - સમજૂતીનો પાયો તૈયાર થઇ જાય. મોદી ૨૪ દિવસમાં બે શક્તિશાળી રાષ્ટ્રોની મુલાકાત લઇને ત્યાંના વડાઓ સાથે ચર્ચા કરી આવ્યા. પહેલાં ચીન ગયા હતા અને તાજેતરમાં રશિયા જઇ આવ્યા. ચીનના વુહાનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ડોકલામ વિવાદ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચાનો દૌર ચલાવ્યો તો રશિયાના સોચીમાં દરિયાકાંઠે ટહેલતાં ટહેલતાં અને લક્ઝુરિયસ યાટમાં પ્રવાસ કરતાં કરતાં પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરી. ચીન શિયાળ જેવું ખંધુ છે તેથી તેનો મૈત્રીપૂર્ણ અભિગમ જોઇને હરખાઇ ન જઇએ તે સાચું, પરંતુ સોચીમાં ભારત અને રશિયા વચ્ચે ખરા અર્થમાં ઉષ્મા-ઉમંગ જોવા મળ્યા. ભારત-રશિયા દસકાઓથી મિત્રતા નિભાવતા રહ્યા છે અને આમાં ક્યારેય વિખવાદની તિરાડ દેેખાઇ નથી. સંભવતઃ આ જ કારણ છે કે આજે દુનિયાના બીજા દેશો ભારતને વિશેષ મહત્ત્વ આપવા લાગ્યા છે. તેમને સમજાયું છે કે ભારત સબ કા સાથ, સબ કા વિકાસમાં માને છે.
પુતિન-મોદીની મુલાકાત આજના સમયમાં, સવિશેષ તો અમેરિકા-રશિયા વચ્ચે સુધરતા-બગડતા સંબંધોના સંદર્ભમાં જોવાની જરૂર છે. રશિયા-ભારત વચ્ચે વર્ષોથી વેપાર-વણજથી માંડી રાજદ્વારી ને સંરક્ષણ સહયોગના સંબંધો છે.
એક દસકામાં વૈશ્વિક પરિદૃશ્ય બદલાયું છે. સમયના વહેવા સાથે અમેરિકાને પાકિસ્તાનની સાચી ઓળખ મળી છે. આ જ કારણ છે કે હવે અમેરિકાના પાકિસ્તાન સાથેના સંબંધો પહેલાં જેવા ઘનિષ્ઠ નથી. બીજી તરફ, ભારતના અમેરિકા સાથેના સંબંધો વધુ ગાઢ બન્યા છે.
વસ્તીની દષ્ટિએ જોઇએ તો ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે તો રશિયા મહાશક્તિ છે. બન્ને દેશ વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે પરસ્પર સહયોગે વધુ મજબૂત બનાવીને દુનિયાનું નેતૃત્વ કરવાની દિશામાં આગળ વધી શકે છે. ખાસ વાત તો એ છે કે ભારત-રશિયા (સામ્યવાદી હોવા છતાં) લોકતાંત્રિક દેશ છે. ભારતની અમેરિકા સાથેની ઘનિષ્ઠતા વધી હોવાથી એક તબક્કે આશંકા વ્યક્ત થવા લાગી હતી કે ભારત રશિયાથી દૂર તો નથી જઇ રહ્યુંને, પણ બન્ને દેશોએ આ ધારણાને ખોટી ઠેરવી છે. ભારત-રશિયા સાથે મળીને સુંદર વિશ્વના નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે.