ઈસુનું વર્ષ બદલાઈ રહ્યું છે અને વિશ્વમાં રાજકીય પ્રવાહોનો સમય પણ બદલાઈ રહ્યો છે. એક સમયે ‘મદારી, નાગાપૂંગા લોકો અને ફકીરોના દેશ’ ગણાયેલા ભારતની વિશ્વમાં કોઈ ગણના જ થતી ન હતી. અમેરિકા, રશિયા હોય કે ચીન, બ્રિટન હોય કે ફ્રાન્સ, બધા દેશો પોતાની જરુરિયાત પૂરી થાય એટલે ભારતને ડફણાં મારતા જરા પણ અચકાતા ન હતા. આજે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. ભારત કોઈ પણ દેશ સામે પોતાનો મજબૂત અને નિર્ણાયક મત જાહેર કરતા અચકાતું નથી કારણકે તે કોઈનું ખંડિયુ રાજ્ય નથી, સાર્વભૌમ રાષ્ટ્ર છે. ચીન સરહદી વિવાદ આગળ ધરીને ભારતને ડારો દેવા લડાખ સીમાએ સૈન્યનો જમાવડો કરી રહ્યું છે તો સામે ભારતે પણ લશ્કર અને સામરિક સામગ્રી ખડકી દીધી છે. ભારતની ‘શઠં પ્રતિ શાઠ્યમ્’ની નીતિએ સ્પષ્ટ કરી દીધું છે કે આ ૧૯૬૨નું મજબૂર કે ગભરું ભારત નહિ પરંતુ,વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનું ભારત છે, જે આંખ કાઢનારની આંખોના ડોળા પણ ખેંચી લઈ શકે છે.
વર્તમાન સમયમાં ભારત અને અમેરિકાના સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. સ્વાભાવિક છે. બંને લોકશાહી દેશો છે અને ચીનના પ્રભાવને ખાળવા માટે અમેરિકાને ભારતના સાથ અને સહકારની જરુર છે. સામા પક્ષે ભારતને પણ નવી ટેકનોલોજીસ અને સંરક્ષણ સામગ્રી મળતી રહે તેમજ આતંકવાદ સામે લડવા અને પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ મોરચો જાળવી રાખવા માટે અમેરિકાની મિત્રતા જરુરી છે. આમ છતાં, ભારતે રશિયા અને ઈરાન સાથે મિત્રતા જાળવી રાખવાનો પોતાનો વિશેષાધિકાર છોડ્યો નથી. આવું જ રશિયા સાથેના સંબંધોનું પણ છે. ભારત અને રશિયાની મૈત્રી જગજાહેર છે. ભારતની દરેક કપરી સ્થિતિમાં તેણે સાથ આપ્યો છે. બીજી તરફ, ચીન સાથે તંગદીલી વધવાથી ભારતને તાત્કાલિક અત્યાધુનિક રણસામગ્રી અમેરિકા, ઈઝરાયેલ અને ફ્રાન્સ પાસેથી મળી રહી છે. અમેરિકા સાથે વધતી જતી મિત્રતા અને લશ્કરી સહકારથી રશિયાએ પણ ભારત સામે અકળામણ દર્શાવી છે. તેણ ઈન્ડો-પાસિફિક ખયાલને વિભાજનવાદી ગણાવ્યો છે. પશ્ચિમી દેશો અને ખાસ કરીને અમેરિકા ભારતનો ઉપયોગ ચીન વિરુદ્ધ કરી રહ્યા હોવાની રશિયાની દલીલનો ભારતે છેદ ઉડાવી દીધો છે. રશિયા હાલ ચીન અને પાકિસ્તાનની નજીક જઈ રહ્યું છે. રશિયાને નાણાભંડોળની જરુર છે. જોકે, ભારતનું મહત્ત્વ અને સંભવિત નારાજગીને ધ્યાનમાં લઈ તેણે પાકિસ્તાનને શસ્ત્રો આપવાનો ઈનકાર કરવો પડ્યો છે.
ભારત માટે ઈન્ડો-પાસિફિક ક્ષેત્ર વિશેષ મહત્ત્વ ધરાવે છે. વૈશ્વિક પડકારો અને તકો માટે તે કેન્દ્ર સમાન છે. ચીનના વિદેશ પ્રધાન વાન્ગ યીએ ઈન્ડો-પાસિફિક ખ્યાલને સમુદ્રના ફીણની માફક નષ્ટ થઈ જતા સમાચારોના મથાળા હાંસલ કરવા જેવો ગણાવ્યો હતો. આજે તેમનો વિચાર જ ખોટો પડી રહ્યો છે. હવે તો ઓસેનિયાથી માંડી વેસ્ટર્ન યુરોપના દેશોની વિદેશી અને રાષ્ટ્રીય સુરક્ષા નીતિઓના સંદર્ભમાં ઈન્ડો-પાસિફિક શબ્દ જ મહત્ત્વપૂર્ણ બની ગયો છે. એક નવો શબ્દ સર્જાયો છે - AIJA એટલે કે અમેરિકા, ઈન્ડિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, જેની ધરી ચીન સહિતના વિસ્તારવાદી દેશો સામે નવી ઢાલ બની છે. ચીને ભારે દબાણ કરવા છતાં, સ્વતંત્ર, ખુલ્લા અને સર્વસમાવેશી ઈન્ડો-પાસિફિક એરિયાની ઉભરતી નવી રાજકીય ભૂગોળને વિશ્વના દેશોએ તેમની વિદેશનીતિમાં કેન્દ્રસ્થાન આપ્યું છે. આ આઈડિયાને અવિશ્વસનીય ઠરાવવા ધમપછાડા કરનારા ચીન માટે આ સૌથી મોટા રાજદ્વારી પરાજયોમાં એક છે.
યુકે ટુંક સમયમાં ઈયુથી અળગું થઈ રહ્યું છે ત્યારે ભારતના આર્થિક મહત્ત્વ, બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને નજરમાં રાખી વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભારતની મુલાકાતે જઈ રહ્યા છે. ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ પણ ભારતના પ્રવાસે હતા. અન્ય મહત્ત્વની બાબત એ પણ છે કે બ્રિટનમાં યોજાનારી જી-૭ સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ વડા પ્રધાન મોદીને અપાયું છે. આ બાબતો પણ ભારતના સાર્વભૌમ દરજ્જાનો સ્વીકાર છે.