ભારત હવે મિસાઇલ ટેક્નોલોજી ગ્રૂપમાં...

Tuesday 28th June 2016 15:46 EDT
 

ભારત ભલે ચીનના અવરોધના કારણે ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં સ્થાન મેળવવાથી હાલ પૂરતું વંચિત રહ્યું, પરંતુ મિસાઇલ ટેક્નોલોજી કન્ટ્રોલ રેજીમ (એમટીસીઆર)નું ૩૫મું સભ્ય અવશ્ય બની ગયું છે. ભારતે ગયા વર્ષે એમટીસીઆરના સભ્યપદ માટે અરજી કરી હતી. ભારત તરફથી વિદેશ સચિવ એસ. જયશંકરે સોમવારે ફ્રાન્સ, લક્ઝમ્બર્ગ અને નેધરલેન્ડના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સભ્યપદના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા.
સમગ્ર ઘટનાક્રમમાં સૌથી નોંધનીય બાબત એ છે કે ચીન૧૨ વર્ષથી આ ગ્રૂપનું સભ્ય બનવા હવાતિયાં મારે છે, પણ તેને હજુ સુધી સ્થાન મળ્યું નથી. એમટી-સીઆરમાં સભ્યપદ માટે પહેલાં તો કોઇ પણ દેશે ગ્રૂપના કોડ ઓફ કંડક્ટ - કહો કે કાયદાકાનૂનની આચારસંહિતા - સ્વીકારવા પડે છે. અને ભારતે ગયા મહિને આ માટે સંમતિ આપી દીધી હતી. નિયમોના ભાગરૂપે બેલેસ્ટિક મિસાઇલ ટેક્નોલોજીનો પ્રસાર અટકાવવા માટે જરૂરી પગલાંઓ પણ લેવા પડે છે.
ચીનને આ જ વાત નડી છે. તેણે વર્ષ ૨૦૦૪માં પહેલી વાર એમટીસીઆરના સભ્યપદ માટે રજૂઆત કરી હતી, પરંતુ તેની માગ સ્વીકારાઇ નથી તેનું કારણ એ છે કે ગ્રૂપના બહુમતી સભ્યોના મતે મિસાઇલ ટેક્નોલોજીનો પ્રસાર રોકવા ચીન વિશ્વસનીય સાથી નથી. સભ્યોને એવી પણ શંકા છે કે ચીન નોર્થ કોરિયાને બેલેસ્ટિક મિસાઇલ ટેક્નોલોજી આપે છે.
વિધ્વંસક બેલેસ્ટિક મિસાઇલ ટેક્નોલોજીને જોખમકારક દેશોના હાથમાં જતી રોકવાના ઉદ્દેશથી ૧૯૮૭માં એમટીસીઆર સ્થપાયું. ગ્રૂપ દ્વારા વિશેષ તો ૫૦૦ કિલો પેલોડ અને ૩ હજાર કિલોમીટરના અંતર સુધી પ્રહાર કરનારી મિસાઇલો, ડ્રોનના ખરીદ-વેચાણ પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. પ્રારંભે જી-૭ દેશો (અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી) જ તેના સભ્યો હતા. ૩૪ સભ્યો ધરાવતા આ ગ્રૂપમાં હવે ભારતનું નામ ઉમેરાયું છે.
એમટીસીઆરનું સભ્યપદ મળવાથી ભારત માટે રોકેટ સિસ્ટમ, ડ્રોન તેમજ તેને સંલગ્ન આધુનિક ટેક્નોલોજી મેળવવી સરળ બનશે. ઉપરાંત અમેરિકામાં ઉત્પાદિત પ્રિડેટર ડ્રોન અને અનમેન્ડ એરિયલ વ્હીકલ પણ ભારત મેળવી શકશે. માત્ર આયાત જ નહીં, ભારત ઘરઆંગણે વિકસિત મિસાઇલ ટેક્નોલોજીની નિકાસ પણ કરી શકશે. અને હા, શિરમોર સમાન વાત તો એ છે કે એમટીસી-આરમાં સભ્યપદ મેળવવા વર્ષોથી પ્રયત્નશીલ ચીનને હવે ભારતના ટેકાની જરૂર પડશે.
લાખ પ્રયાસ છતાં ભારત એનએસજીમાં સભ્યપદ મેળવી શક્યું નથી તેના મૂળમાં ચીનનો અવરોધ મુખ્ય છે. વીતેલા સપ્તાહે સિઉલમાં મળેલી એનએસજીની બેઠકમાં ભારતને સભ્યપદ આપવા સર્વસંમતિ સધાઇ નથી. ચીનના વિરોધથી ભારતનો દાવો ફાઇલમાં જ રહી ગયો છે. કારણ ટેકનિકલ અપાયું છે કે, અણુબિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા ન હોવાથી ભારત સભ્યપદ માટે હકદાર નથી. પરંતુ વાસ્તવિક્તા એ છે કે ચીને માગણી કરી છે કે ભારતને સભ્યપદ મળતું હોય તો પાકિસ્તાનને પણ એનએસજીમાં સ્થાન આપવું જોઇએ. જોકે સ્વાર્થમાં આંધળા બનેલા ચીનને એ નથી દેખાતું કે આ મુદ્દે પાકિસ્તાન કરતા ભારતનો રેકર્ડ ખૂબ સારો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદે અનેક દેશોના વડાઓને મળીને તેમનું સમર્થન હાંસલ કર્યું હતું. ભારત સરકારની મહેનત રંગ લાવી હતી. એનએસજીના ૪૮માંથી ૪૨ સભ્ય દેશોએ ભારતના દાવાને સમર્થન કર્યું, પરંતુ ચીન ઉપરાંત આયરલેન્ડ, ન્યૂ ઝીલેન્ડ, તુર્કી અને બ્રાઝિલે વિરોધ કર્યો. સ્વિત્ઝરલેન્ડે પહેલાં ટેકો આપ્યો અને બેઠકમાં ફેરવી તોળ્યું. અને ભારત માટે લગભગ હાથમાં આવેલી બાજી છેલ્લી ઘડીએ સરકી ગઇ.
અલબત્ત, એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં વડા પ્રધાન મોદીએ આત્મવિશ્વાસપૂર્વક દાવો કર્યો છે કે, ભારતના દાવાની નોંધ લેવાઇ છે ને પરિણામો જરૂર મળશે જ. ભારતના સભ્યપદ અંગે ચર્ચા કરવા - આવતા વર્ષના બદલે - આ વર્ષના અંતમાં એનએસજીની બેઠક ફરી મળે એવી સંભાવના છે.
વડા પ્રધાને આ મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કેટલાક મુદ્દે ચીન સાથે આપણા સૈદ્ધાંતિક મતભેદો છે, પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે અમે ભારતના હિતોની વાત આંખોમાં આંખો પરોવીને ખુલ્લેઆમ કરીએ છીએ. હું આમાં જરા પણ લાપરવાહી દાખવતો નથી. એનએસજીના સભ્યપદ માટે પણ પૂરતા પ્રયાસો કર્યા છે. એનએસજીના મુદ્દે (વિપક્ષ દ્વારા) ટીકા એટલા માટે નથી થઇ રહી અમે ત્યાં નિષ્ફળ રહ્યા છીએ. ટીકાનું કારણ એ છે કે અમે ત્યાં વધુ સફળ થયા છીએ.
વડા પ્રધાન મોદીનો દાવો ભલે ગમેતેટલો નક્કર હોય, પરંતુ અત્યારે તો ભારતમાં વિપક્ષને મુદ્દો મળી ગયો છે કે એનએસજી મુદ્દે આટલા પ્રયાસો પછી ય મળ્યું શું? તેમનો સવાલ અસ્થાને નથી. આ સમગ્રતયા પ્રક્રિયા બોધપાઠ અવશ્ય આપી જાય છે. અલબત્ત, એક ભારતીય તરીકે આપણે આશા રાખીએ કે આગવી પદ્ધતિથી કાર્ય કરવા ટેવાયેલા વડા પ્રધાન મોદીના પ્રયાસો આજે નહીં તો કાલે અવશ્ય ફળશે અને ભારતને એનએસજીમાં સ્થાન અવશ્ય મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter