સોમવારે સાંજે ભારતીય સમય પ્રમાણે બરાબર ૫.૨૮ કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનેથી ૧૪૦ ફૂટ ઊંચા રોકેટે અંતરીક્ષ ભણી ઊડાન ભરી. પળેપળની આ બધી માહિતીનું ટીવી પરદે જીવંત પ્રસારણ થઇ રહ્યું હતું. આ સિદ્ધિ ભારતીય વૈજ્ઞાનિકોનો આત્મવિશ્વાસ અને કાર્યનિપુણતા દર્શાવે છે. જીએસએલવી મેક-થ્રી રોકેટે અંતરીક્ષગમન સાથે જ અનેકવિધ વિક્રમો સર્જ્યા છે. છેલ્લા ૩૦ વર્ષમાં ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ નમૂનેદાર સિદ્ધિ હાંસલ કરી છે. ‘ઇસરો’ની શુભ શરૂઆત જવાહરલાલ નેહરુના સમર્થન સાથે વિક્રમ સારાભાઇના આધિપત્ય નીચે અમદાવાદમાં થઇ હતી. મિસાઇલ મેન તરીકે જાણીતા અંતરીક્ષ વિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ પણ ત્રણ વર્ષ આ સંસ્થામાં કામ કરી ચૂક્યા છે અને સમયે તેઓ અમદાવાદમાં રહ્યા હતા.
૧૯૯૮માં ભારતે રાજસ્થાનના પોખરણમાં અણુપરીક્ષણ કર્યું ત્યારે વિશ્વના તમામ દેશોએ ભારતની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. આ દેશોએ અમુક પ્રકારની ઉચ્ચ ટેક્નોલોજી ભારતને આપવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આમાં ક્રાયોજેનિક એન્જિનની ટેક્નોલોજીનો પણ સમાવેશ થતો હતો. આ એન્જિન રોકેટને ધરતી પરથી અવકાશમાં લઇ જવાનું કામ કરે છે. અલ્પ દેશો જ આ ટેક્નોલોજી ધરાવતા હતા. પરંતુ ભારતીય વિજ્ઞાનીઓએ આપસૂઝથી ટેક્નોલોજી વિકસાવી. ભારતે આ જ ટેક્નોલોજીથી ૬૪૦ ટનના વજનના વિરાટ રોકેટને અંતરીક્ષમાં પહોંચાડ્યું છે. સમગ્ર પ્રોજેક્ટ આશરે ૩૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયો છે. એક બીજી પણ વાત નોંધનીય છે. ભારત ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં ભવ્ય પરંપરા ધરાવે છે અને ઇસરો તેને આગળ ધપાવી રહ્યું છે. ભારતીય અવકાશ સંશોધનો અલ્પ ખર્ચમાં સાકાર કરે છે. ૨૦૧૪માં ઇસરોએ મંગળ ગ્રહ પર યાન મોકલ્યું હતું. આવી સિદ્ધિ મેળવનાર ભારત એશિયામાં પ્રથમ દેશ હતો. ભારતે પ્રોજેક્ટ ૫૬.૫ મિલિયન પાઉન્ડમાં સાકાર કર્યો હતો, જ્યારે અમેરિકાના અવકાશ સંસ્થાન ‘નાસા’એ આવું જ માર્સ મિશન ૫૧૯ મિલિયન પાઉન્ડના ખર્ચે પાર પાડ્યું હતું. મંગળ પર યાન મોકલવા માટે ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ ભારતીય વિજ્ઞાનીઓ એક ડગલું આગળ નીકળી ગયા.
ઇસરો અંતરીક્ષમાં જે અવકાશયાનો મોકલી રહ્યું છે તેના બહુવિધ લાભો છે, હવામાનનો વર્તારો હોય કે ખેતીવાડી સંબંધિત જાણકારી માટે તો તે ઉપયોગી છે જ, પરંતુ આનાથી કુદરતી આફતની પણ આગોતરી માહિતી મળે છે. મોબાઇલ ફોન અને જીપીએસ માટે પણ અંતરીક્ષ સેવા જરૂરી છે. દેશની સંરક્ષણ સેના ઉપગ્રહ વડે આસપાસના દેશોની લશ્કરી હિલચાલ પર નજર રાખે છે. અવકાશી સિદ્ધિ કંઇ અહંને પોષવા માટેનું સાધન નથી. આનાથી યુવા પેઢીને વિજ્ઞાન ક્ષેત્રે આકાશને આંબી જતાં સપના જોવાની પ્રેરણા સાંપડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિક્રમને બિરદાવતા વિજ્ઞાનીઓને અભિનંદન આપતા ટ્વીટર પર લખ્યું હતુંઃ Nation is proud. રાષ્ટ્રને ગૌરવ છે. તેમની આ શુભેચ્છામાં ઉમેરવું રહ્યું કે માત્ર ભારતવાસીઓ જ નહીં, વિશ્વભરના ભારતીયોને સિદ્ધિનું ગૌરવ છે.
ભારતની સિદ્ધિથી ટીકાકારોથી માંડી પાકિસ્તાન અને ચીન જેવા પ્રતિસ્પર્ધી દેશોના હાંજા ગગડે તો નવાઇ નથી. ભારતની અવકાશી હરણફાળનો વ્યાવસાયિક લાભ પણ નાનોસૂનો નથી. આજે દુનિયાભરમાં ઇન્ટરનેટ, મોબાઇલ ફોનનું ચલણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, અને આ સુવિધાના ઉપયોગ માટે ઉપગ્રહ અનિવાર્ય છે. પરિણામે વિશ્વનો દરેક દેશ પોતપોતાના ઉપગ્રહો અંતરીક્ષમાં ફરતા કરવા થનગની રહ્યા છે, પરંતુ મોટા ભાગના દેશ સેટેલાઇટ લોન્ચિંગની સુવિધા, ક્ષમતા કે કૌશલ્ય ધરાવતા નથી. તેમને સેટેલાઇટ લોન્ચિંગનું કામ આઉટસોર્સ કરવું પડે છે. વિશ્વના બહુ જૂજ દેશો (માત્ર આઠ) આમાં નિપુણતા ધરાવે છે. આમાં ભારત એક છે. ભારત નજીવા ખર્ચે સહીસલામતપૂર્વક આ સુવિધા આપતું હોવાથી સહુ કોઇ ભારત ભણી નજર માંડી રહ્યું છે. ભારત અમેરિકા કરતાં દસમા ભાગના ખર્ચમાં આ સેટેલાઇટ લોન્ચિંગ સેવા પૂરી પાડી રહ્યું છે. ભારતની આ સિદ્ધિ હજુ તો પાશેરામાં પહેલી પૂણી છે. આમ ભારતીય વિજ્ઞાનીઓ અંતરીક્ષ ટેક્નોલોજી ક્ષેત્રે નિપુણતા બાદ હવે વ્યાવસાયિક ક્ષેત્રે પણ કાઠું કાઢવા પણ સજ્જ થઇ રહ્યા છે.