ભાજપના ભૂતપૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ ભારતની આર્થિક હાલત પર સવાલ ઉઠાવીને વિવાદનો વંટોળ જગાવ્યો છે. સિંહાએ જે પ્રકારે નાણાં પ્રધાન અરુણ જેટલી સામે અર્થતંત્રને ખોરંભે ચઢાવી દેવાનો જે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે તેને સહેજેય હળવાશથી લઇ શકાય તેમ નથી. કારણ સ્પષ્ટ છેઃ ન તો ભાજપની નીતિરીતિના વિરોધી છે અને ન તો વિરોધ પક્ષના નેતા. વળી, આ જ સિંહા ભાજપના નેતૃત્વમાં કેન્દ્રમાં પહેલી વખત રચાયેલી એનડીએ સરકારમાં નાણાં પ્રધાન તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. આર્થિક બાબતોના અભ્યાસુ એવા સિંહાએ નોટબંધીની ખામીઓથી માંડીને ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી)ની અધૂરપના કારણે દેશના આર્થિક વિકાસ પર પડેલી વિપરિત અસરની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
તેમણે ગણીગણીને એવા મુદ્દા ઉઠાવ્યા છે કે જેનો ઉલ્લેખ વિરોધ પક્ષ અવારનવાર કરતો રહ્યો છે. સિંહા ભાજપના પહેલા એવા નેતા છે જેમણે દેશની આર્થિક વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હોય. આમ તો તેઓ નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા પૂર્વે પણ ભાજપની વરિષ્ઠ નેતાગીરી સામે વાક્બાણનો મારો ચલાવતા રહ્યા છે. આથી તેઓ રાતોરાત પડમાં આવ્યા છે એવું નથી. પરંતુ આ વખતે તેમણે પોતાની જ સરકાર પર હલ્લાબોલ કરીને મોદી સરકાર માટે અસહજ સ્થિતિ પેદા કરી દીધી છે. અર્થતંત્રમાં નબળાઇ વધી રહી હોવાના મુદ્દે આમ પણ વિરોધ પક્ષથી માંડીને અર્થશાસ્ત્રીઓનો એક વર્ગ અગાઉથી મોદી સરકારને નિશાન બનાવી રહ્યો છે. ઘરઆંગણે માંગનો અભાવ, સતત તૂટી રહેલો રૂપિયો, ક્રૂડના વધતા ભાવો તથા અન્ય કેટલાંય પરિબળો સામે લડવામાં સરકાર વામણી સાબિત થઇ રહી હોવાનો આર્થિક નિષ્ણાતોનો દાવો છે. આ સંજોગોમાં સિંહાની ટીકાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
સિંહાનું કહેવું છે કે સરકાર પાંચ ટકાનો જે ઘટેલો ગ્રોથ દર્શાવી રહી છે તે ખરેખર તો તેણે જીડીપીની ગણતરી પદ્ધતિમાં જે ફેરફાર કર્યો છે તેના પરિણામે છે. વાસ્તવિક વિકાસ તો માંડ ત્રણ ટકા છે. આટલું ઓછું હોય તેમ યશવંત સિંહા ઉમેરે છે કે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણમાં કારમી ગરીબી અનુભવી છે અને નાણાં પ્રધાન જેટલીની વર્તમાન નીતિઓ જોતાં તો એવું જ લાગે છે કે તેઓ આખા દેશને એવી ગરીબીમાં ધકેલવા માગે છે.
સવાલ અહીં સિંહાના આકરા શબ્દોનો નથી. સવાલ આમ આદમીનો છે. જો દેશની જીડીપી ઘટી રહી હોય, યુવાપેઢીને રોજગારી ન મળતી હોય, અર્થશાસ્ત્રીઓથી માંડીને વૈશ્વિક રેટિંગ એજન્સીઓ ભારતનો વિકાસ ધીમો પડયાની સાથે સાથે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન વિકાસ દર ઘટવાની આશંકા દર્શાવી રહ્યા હોય તો સિંહા જ શા માટે ભાજપના દરેક નેતાને ચિંતા હોવી જોઇએ. આપણે સહુ કોઇ જાણીએ છીએ કે લોકોના જીવનમાં ખુશાલી નારાબાજીથી પણ નથી આવતી કે ચૂંટણીવચનોથી પણ નથી આવતી. આમ આદમીની ખુશાલીનો સીધો નાતો સોંઘવારી, રોજગારી અને વિકાસની સાથે જોડાયેલો છે - પછી તે આમ આદમી વિકસિત બ્રિટનનો હોય, વિકાસશીલ ભારતનો હોય કે પછી અલ્પવિકસિત ઇથિયોપિયાનો હોય.
લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે વાયદો કર્યો હતો કે જો તે દેશની શાસનધૂરા સંભાળશે તો પાંચ વર્ષમાં ૧૦ કરોડ લોકોને રોજગાર પૂરો પાડશે. પ્રજાએ તેમને ખોબલામોઢે મત આપ્યા - જેથી સત્તા કાજે તેમને કોઇ સમાધાન ન કરવા પડે, અને તેઓ એકલા હાથે સરકાર રચીને દેશહિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઇ શકે. આજે સરકાર રચાયાના સાડા ત્રણ વર્ષ પછી પણ જો લોકોને વચન સાકાર થઇ રહ્યા હોવાના અણસાર ન દેખાતા હોય તો સવાલ ઉઠવાના જ. સામી પાટલીએ બેસનારા તો ઉઠાવશે જ, પોતાની સાથે બેસનારા પણ (હિંમત હશે તો) ઉઠાવશે.
જરૂર છે આ સવાલોનો જવાબ આપવાની. ગયા સપ્તાહે યોજાયેલી ભાજપની કાર્યકારી સમિતિની બેઠકમાં પક્ષના મોવડીઓએ સંસદસભ્યો અને વિધાનસભ્યો સહિતના પ્રતિનિધિઓને પ્રજાના સેવક બનીને કામ કરવાની સલાહ આપી હતી. આ વાત પક્ષના જનપ્રતિનિધિઓને જ નહીં, સરકારને પણ એટલી જ લાગુ પડે છે. સરકારે પણ પોતાને પ્રજાના સેવક સમજીને કામ કરવું જોઇએ. લોકતંત્રમાં શાસકોએ વિરોધી સૂર કે ટીકાત્મક અવાજોને ધ્યાનપૂર્વક સાંભળવા જોઇએ અને ઘટતાં આનુષાંગિક પગલાં પણ લેવા જોઇએ.