વિશ્વમાં ક્યાંય પણ આતંકવાદી ઘટના સર્જાય અને તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાની વાત જાહેર થાય છે ત્યારે ભાગ્યે જ કોઇને નવાઇ લાગે છે. ત્રાસવાદીઓને પોષવાના અને તેમને છાવરવામાં પાકિસ્તાનની મથરાવટી કેટલી મેલી છે એ તો લાદેન સહિતના તાલીબાનીઓને મારવા માટે અમેરિકાએ પાકિસ્તાનની ધરતી પર કરેલા હવાઇ હુમલાઓથી ક્યારનુંય સ્પષ્ટ થઇ ગયું છે. મુંબઇ પર હુમલો કરનારો અજમલ કસાબ અને બીજા ત્રાસવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના ભારતના આરોપો પાકિસ્તાને ફગાવી દીધા હતા, પણ ગણતરીના કલાકોમાં જ કસાબના સ્વજનોએ પાકિસ્તાનમાં વિલાપ ચાલુ કરી દેતાં તેની પોલ ખુલ્લી પડી ગઇ હતી. પાકિસ્તાનને નિર્દોષ હોવાનું પ્રમાણપત્ર આપતાં કોઇ પણ વ્યક્તિ એકસો વખત વિચાર કરે, પરંતુ પઠાણકોટ હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના વડા શરદ કુમારથી જીભ કચરાઇ ગઇ છે. તેમણે નિવેદન કર્યું છે કે પઠાણકોટ હુમલાની અત્યાર સુધીની તપાસમાં પાકિસ્તાન સરકાર કે કોઇ સરકારી એજન્સીની સંડોવણીના પુરાવા મળ્યા નથી. હવે આ નિવેદનનો એવો અર્થ થઇ રહ્યો છે કે એનઆઇએ દ્વારા પાકિસ્તાનને ક્લિનચીટ અપાઇ રહી છે. અલબત્ત, કંઇક કાચું કપાયું હોવાનો ખ્યાલ આવતાં જ ભારત સરકારના ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજ્જુએ તરત જ ક્લિનચીટ અપાયાનું નકાર્યું. તેમજ હજુ તપાસ ચાલુ હોવાનું ગાણું ગાયું હતું, પરંતુ ત્યાં સુધીમાં તો જે નુકસાન થવાનું હતું તે થઇ ગયું હતું. બૂંદ સે બિગડી, હોજ સે નહીં સુધરતી એમ કંઇ અમસ્તું નથી કહેવાયું.
પાકિસ્તાની મીડિયાએ તો એનઆઇએ વડાના નિવેદનને ફૂલડે વધાવી લીધું. તેણે જાહેર કર્યું કે આ નિવેદનથી પાકિસ્તાને અત્યાર સુધી અપનાવેલા વલણને સમર્થન મળ્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ એનઆઇએના વડાના નિવેદનની નોંધ લીધી છે. હવે એનઆઇએ કે ભારત સરકાર ગમેતેટલા ખુલાસા કરે તો પણ કંઇ શક્કરવાર વળે તેમ લાગતું નથી. આવા વગરવિચાર્યા નિવેદનથી પાકિસ્તાનને ત્રાસવાદીઓનું મદદગાર રાષ્ટ્ર સાબિત કરવાના પ્રયાસોને ફટકો પડવાનું જોખમ સતત રહેશે. અત્યાર સુધી ભારત આ મામલે રાજદ્વારી લડત આપતું રહ્યું છે, પણ હવે પાકિસ્તાન એનઆઇએના વડાનું નિવેદન જ ભારત સમક્ષ અને આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરી દેશે. ત્રાસવાદ સામે લડવાની બાબતમાં અને પાકિસ્તાનને આરોપીના પિંજરામાં ઊભા કરી દેવાના પ્રયાસમાં ભારતની કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી હંમેશા નબળી રહી છે તેનું આ તાજું ઉદાહરણ ગણી શકાય.
ભારત વિશ્વભરમાં ગમેતેટલી રજૂઆતો કરે તો પણ પાકિસ્તાનનું નાક દબાવવાના તેના પ્રયાસોને ભાગ્યે જ સાથ મળે છે. બીજી તરફ પાકિસ્તાન હંમેશા અલગ અલગ કારણોસર અમેરિકા કે ચીન જેવાં રાષ્ટ્રોનો એક યા બીજા પ્રકારે સાથ-સહયોગ મેળવતું રહે છે. મોદી સરકાર સત્તારૂઢ થયા બાદ ભૂતકાળના વલણથી તદ્દન વિપરીત રીતે પાકિસ્તાન સાથે હદ બહારનું કૂણું વલણ દાખવી રહી છે. આ ફિયાસ્કાથી મોદી સરકાર પાકિસ્તાનતરફ વધારે પડતી ઝૂકી રહી હોવાના આક્ષેપોને પણ બળ મળવા સંભવ છે. મોદી સરકારને આ ગફલત રાજકીય અને રાજદ્વારી - એમ બન્ને રીતે લાંબા સમય સુધી પજવતી રહેશે એ વાતમાં બેમત નથી.