મહાસત્તા અમેરિકાએ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં પ્રવર્તતો તણાવ ઘટાડવા બન્ને દેશો વચ્ચે મધ્યસ્થી કરવા તૈયારી દર્શાવી છે. અને ભારતે વિવેકપૂર્ણ પરંતુ મક્કમતા સાથે અમેરિકાની આ ઓફરને નકારી દીધી છે. ઓબામા સરકારની વિદાય, અને ટ્રમ્પ સરકારના આગમન સાથે અમેરિકી વલણમાં આવેલું આ પરિવર્તન નોંધનીય છે. અમેરિકાના આ ‘ઉત્સાહ’નું સાચું કારણ તો તે જ જણાવી શકે, પરંતુ એક કારણ એવું માની શકાય કે આંતરિક પડકારો, ચિંતાઓથી ઘેરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કંઇક એવું કરવા માગે છે કે જેથી દુનિયામાં તેની છબિ ઉજળી બનીને ઉભરે.
વીતેલા વર્ષોમાં ભારત-પાકિસ્તાનના સંબંધોમાં આવેલી કડવાશ અને તેના કારણોથી અમેરિકા સારી રીતે માહિતગાર છે. ૧૯૬૫નું યુદ્ધ હોય કે ૧૯૭૧નું કે પછી કારગિલ સંઘર્ષ, પલિતો હંમેશા પાકિસ્તાને જ ચાંપ્યો છે. ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિને ઉત્તેજન આપવામાં પાકિસ્તાની સરકાર અને તેના લશ્કરની ભૂમિકા અંગે પણ અમેરિકા કંઇ અજાણ તો નથી જ. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી વડાઓને ભારત હવાલે કરવાની સુચના અમેરિકા ખુદ આપી ચૂક્યું છે. પણ પરિણામ શું આવ્યું? પાકિસ્તાન મુખ મેં રામ બગલ મેં છુરી રાખનારો દેશ છે. બન્ને દેશો વચ્ચેના સંબંધોને ખરેખર સામાન્ય કરવા માટે અમેરિકાએ મધ્યસ્થી કરવાની નહીં, બે મુદ્દાનો કાર્યક્રમ અમલમાં મૂકવાની જરૂર છે. એક તો તે મસૂદ અઝહર અને દાઉદ ઇબ્રાહિમને ભારતના હવાલે કરવા માટે પાકિસ્તાનને મનાવી લે. અને બીજું, પાકિસ્તાનને ફરજ પાડે કે ભારતમાં આતંકવાદને ઉત્તેજન આપતા ત્રાસવાદી સંગઠનોને કોઇ પણ સંજોગોમાં સાથ નહીં આપે. અમેરિકા પાકિસ્તાન પાસે આટલું કરાવી શકશે તો પણ ભારત-પાકિસ્તાન વચ્ચેનો ૮૦ ટકા તણાવ તો એમને એમ જ ખતમ થઇ જશે. કોઇ ત્રીજા દેશ કે યુનાટેડ નેશન્સને મધ્યસ્થી માટે વિચારવું પણ નહીં પડે. પાકિસ્તાનની શાસનધુરા ભલે પરવેઝ મુશર્રફે સંભાળી હોય કે પછી નવાઝ શરીફે, પરંતુ ત્યાં હંમેશા લશ્કરી વડાએ પોતાનું ધાર્યું કર્યું છે. આતંકવાદ સામે લડવાના ખોટા સોગંદ ખાનારું પાકિસ્તાન હંમેશા આતંકવાદના અજગરને પાળતું, પોષતું રહ્યું છે. આ જ આતંકવાદ હવે તેને ડંખી રહ્યો છે. અમેરિકી વહીવટી તંત્ર પાકિસ્તાનના કરતૂતોને બહુ સારી રીતે જાણે છે. આથી તે પોતાના પ્રભાવનો, વગનો ઉપયોગ કરીને પાકિસ્તાનને સમજાવવાનો પ્રયાસ કરશે તો તે વધુ સારું રહેશે. કાશ્મીર મુદ્દે ભારત પોતાનું વલણ એક વખત નહીં, અનેક વખત સ્પષ્ટ કરી ચૂક્યો છેઃ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, અને રહેશે. આ મુદ્દે તે કોઇની પણ સાથે વાત કરવા ઇચ્છતું નથી.