૧૯મી સદીના મધ્ય એશિયામાં બ્રિટિશ અને રશિયન સામ્રાજ્યો વચ્ચે મહાસત્તા બનવાની હોડ લાગી હતી, જેને બ્રિટિશ કવિ અને લેખક રુડયાર્ડ કિપ્લિંગે ‘ધ ગ્રેટ ગેમ’ તરીકે ઓળખાવી હતી. હવે સમય અને સ્પર્ધકો બદલાયા છે, પણ શતરંજની મહારમત તો એ જ રહી છે. અગાઉની મહારમતમાં યુરોપીય સામ્રાજ્યો હતા અને હવે એશિયાના બે મહાન દેશ - ભારત અને ચીન વચ્ચે મહારમત ગોઠવાઈ છે, જેમાં ચીન પોતાના હિતો સર કરવા ભારતને ભરડામાં લેવાના પ્યાદા ચલાવી રહ્યું છે અને ભારત પોતાની રીતે સાવચેત બની રહ્યું છે.
ભારત-ચીનના સંબંધોનો ઈતિહાસ અશાંતિથી ખરડાયેલો છે. ૧૯૫૦ના દાયકાની શરુઆતના ગાળામાં ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ના આભાસી સૂત્રાત્મક સંબંધને બાદ કરીએ તે પછી ૧૯૬૨માં લશ્કરી સંઘર્ષના પગલે સતત અવિશ્વાસનું વાતાવરણ જ રહ્યું છે. ઉત્તેજનાપૂર્ણ વિવાદોમાં હળવાશ આવી હોવાં છતાં જમીની વાસ્તવિકતાઓ નજીકના કાલખંડમાં બદલાય તેવી શક્યતા નહિવત્ છે. ચીને તેની પ્રાદેશિક નીતિમાં પાકિસ્તાન સાથે કદી ન બદલાય તેવા મૈત્રીસંબંધને વિશેષ મહત્ત્વ આપ્યું છે. આ નીતિમાં ભારતને સતત અદ્ધર જીવ રાખી બહાર નીકળી ન શકે તે રીતે બાંધી રાખવા ભારતીય ભૂમિ પર ઈસ્લામાબાદના જેહાદી ત્રાસવાદની કામગીરીને આડકતરા સમર્થન સહિત ઈસ્લામાબાદને અણુશસ્ત્ર ટેકનોલોજી ટ્રાન્સફર કરવાનો પણ સમાવેશ થાય છે. તાજેતરના શસ્ત્રસોદામાં ચીન પાકિસ્તાની નૌકાદળ માટે અત્યાધુનિક ટેકનોલોજી સાથેની ફ્રિગેટ્સ પણ બાંધી રહ્યું છે. માની લીધેલા પ્રાદેશિક સ્પર્ધક ભારતને અસ્થિર અને દબાવી રાખવા ચીને ‘મોતીની હારમાળા’નું નિર્માણ કર્યું છે, જેમાં ભારત આસપાસ આવેલા દેશો સાથે સંબંધો વિકસાવી સ્થાનિક થાણા પણ બાંધવા માંડ્યા છે. ચીન પર્શિયન ગલ્ફમાં પાકિસ્તાનના પોર્ટ સિટી ગ્વાદરમાં નૌકાથાણું બાંધી રહ્યું છે. જનરલ ક્સીઓંગ ગુઆનહાઈ કહે છે કે,‘પાકિસ્તાન ચીનનું ઈઝરાયલ છે.’ જેરુસાલેમ સાથે સાથે ભારતના ગાઢ સંબંધોને ધ્યાનમાં રાખી ઈસ્લામાબાદમાં બનાવટી ઈસ્લામિસ્ટ મેખ મૂકવામાં ચીનને જરા પણ છોછ નથી. કોથળામાં પાંચશેરી મારવાની હોય તેમ ચીને આફ્રિકન ખાડીના જિબૂટીમાં નોકાથાણું સ્થાપ્યાનું જગજાહેર કર્યું છે.
આ રમતોની સામે ભારત પણ નિષ્ક્રિય નથી. ભારતે દક્ષિણ ચીન સમુદ્રમાં મલાક્કાની સામુદ્રધુનીની બંને બાજુએ સુરક્ષાચોકી તરીકે ઈન્ડોનેશિયા અને સિંગાપોરમાં સહકારપૂર્ણ હાજરી નોંધાવી છે. આ ઉપરાંત, હિંદ મહાસાગરમાં સ્થિતિને મજબૂત બનાવવા નિકોબાર અને આંદામાન ટાપુઓ પર નૌકા, હવાઈ અને લશ્કરી થાણાં પણ સ્થાપ્યાં છે. ભારત અને આફ્રિકાના પૂર્વીય કિનારાની વચ્ચે હિંદ મહાસાગરમાં મોરેશિયસમાં તેમજ અરબી સમુદ્રની સીમાએ ઓમાનની ખાડીમાં ઓમાનના દુક્મમાં ભારતની લશ્કરી હાજરી પણ નોંધપાત્ર છે. આ ઉપરાંત, પાકિસ્તાનમાં ચીનનિર્મિત ગ્વાદરથી દૂર ન કહેવાય તેમ ઈરાનના ચાબહાર પોર્ટનું નિર્માણ ભારત દ્વારા કરાયું છે. આની પાછળ ભારતની મુખ્ય ત્રણ ગણતરીઓ છે. પ્રથમ તો તે પશ્ચિમ અફઘાનિસ્તાન માટે રેલવેનું કેન્દ્ર બની રહેશે, બીજી ગણતરી પર્શિયન ગલ્ફ ટર્મિનસમાં ઈરાનના બંદરઅબ્બાસ પોર્ટ સુધી આગળ વધવાનું પગલું બની રહેશે અને ત્રીજી ગણતરી, બંદર અબ્બાસ પોર્ટનો ઉપયોગ આર્મેનિયા અને તે પછી રશિયા, બેલારુસ અને સેન્ટ્રલ એશિયાના અન્ય વિસ્તારોને આવરી લઈ કાસ્પિયન પ્રદેશમાં રેલમાર્ગ થકી વેપારી ટ્રાફિકના થાણા તરીકે કરવાની છે.
ભારત કઝાખસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન અને કિર્ગિઝસ્તાનમાં માર્કેટ સુવિધા પ્રાપ્ત કરવા માટે ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરના અશ્ગાબેટ એગ્રીમેન્ટમાં જોડાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૭માં મોસ્કોની મુલાકાતેથી પરત આવતી વેળાએ ચીનની પછીતે આવેલા આ મધ્ય એશિયન દેશોની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા હતા. ભારત અને આ દેશો વચ્ચેના વેપારે હરણફાર ભરી છે અને તેમાં હજુ નોંધપાત્ર વધારો થશે. આ વિકાસક્ષેત્રને સાંસ્કૃતિક સમજૂતીઓ, શૈક્ષણિક વિનિમય અને લશ્કરી કવાયતોનો પણ સાથ મળશે.
અત્યાર સુધી ચીનના દરેક શાસનના પ્રીતિપાત્ર રહેલા મોંગોલિયા અને વિયેટનામ સાથે ભારતના સંબંધો ગાઢ બન્યા છે અને તેમાં પણ વિયેટનામ સાથેના સંબંધોમાં સંયુક્ત વિશાળ લશ્કરી સહયોગનો પણ સમાવેશ થાય છે. ચીન હાલ તો યુનાઈટેડ સ્ટેટ્સ સાથે વેપારયુદ્ધમાં ભરાઈ પડ્યું છે. તાઈવાન પર બળપ્રયોગ સાથે પોતાની સત્તા લાદવાની મોટી બડાશોની બહાદુરીના પ્રદર્શન છતાં બીજિંગ હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સામે શાંતિધ્વજ લહેરાવવાના પ્રયાસ તરીકે અમેરિકન કાર પરની આયાત ડ્યુટી ૧૫ ટકા જેટલી ઘટાડવા તૈયાર થઈ ગયું છે. સાચી વાત તો એ છે કે ચીનનું અર્થતંત્ર ધીમું પડ્યું છે અને દેશનું રાષ્ટ્રીય દેવું ૨૮ ટ્રિલિયન ડોલરના અધધ.. તબક્કે પહોંચી ગયું છે ત્યારે અપાર સંપત્તિનો પરફોટો ફૂટવાની નાજૂક હાલતમાં આવી ગયો છે. પ્રેસિડેન્ટ ક્સી જિનપિંગે નજીવા આંતરિક અસંતોષને દબાવી દેવાના પગલાં લીધા છે ત્યારે ક્સીનજિયાંગ પ્રાંતમાં લઘુમતી ઊધીર મુસ્લિમો અને બૌદ્ધવાદી તિબેટમાં દમન બીજિંગની વધતી જતી અસલામતીનું જ પ્રતિબિંબ છે. શતરંજની આ રાજરમતમાં ભારતને ભીંસમાં લેવાનો ચીનનો દાવ નિઃશંકપણે ઊંધો જ પડશે તેમાં કોઈ વિવાદ નથી.