પાડોશી દેશ માલદિવમાં પ્રવર્તતો ઊકળતા ચરુ જેવા રાજકીય માહોલ ભારત માટે ચિંતાજનક તો હતો જ, પણ હવે તેમાં ચીનનો ચંચુપાત શરૂ થતાં ભારતની ચિંતામાં ઉમેરો થયો છે. ચીનનો એક જ ઇરાદો હોય છેઃ ભારતના પાડોશી દેશો અશાંતિની આગમાં ભડકે બળતા રહે ને તેનો ફાયદો પોતાને મળે. પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળમાં આ દાવ અજમાવ્યા બાદ હવે તેણે નાનકડા ટાપુ માલદિવ પર ડોળો માંડ્યો છે. પરિણામે લક્ઝરી રિસોર્ટ્સ માટે જાણીતું માલદિવ ભારત અને ચીન માટે પ્રાદેશિક પ્રભુત્વ માટે કેન્દ્રબિંદુ બન્યું છે.
રાજકીય કેદીઓને છોડી મૂકવાના સુપ્રીમ કોર્ટના આદેશથી નારાજ પ્રમુખ અબ્દુલ્લા યામીને કટોકટી જાહેર કરી. એટલું જ નહીં, તેમના ઇશારે માલદિવના સૈનિકોએ બે જજો અને એક પૂર્વ નેતાની ધરપકડ કરતાં દેશમાં હલચલ મચી ગઇ હતી. ભારતે ન્યાયપૂર્ણ અભિગમ અપનાવતાં માલદિવના શાસકોને કોર્ટનો આદેશ માથે ચઢાવવા આકરી ટકોર કરી, પણ ચીને આથી વિપરિત અભિગમ અપનાવી માલદિવને પોતાની પડખે કરી લીધું. ગયા વર્ષે જ માલદિવ સાથે ફ્રી ટ્રેડ ટ્રીટી કરનાર ચીને રાજકીય કટોકટી અંગે કંઇ પણ બોલવાનું ટાળીને કહ્યું કે માત્ર ચાર લાખની વસ્તી ધરાવતા માલદિવમાં પ્રવર્તમાન સ્થિતિને એકલા હાથે સંભાળી લેવાની સજ્જતા અને ક્ષમતા છે.
ચીને આ નિવેદન કરીને એક કાંકરે બે પક્ષી માર્યા છે. તેણે આ નિવેદન કરીને ચીન-માલદિવ વચ્ચેનું અંતર ઘટાડ્યું છે અને ભારત-માલદિવ વચ્ચેનું અંતર વધાર્યું છે. એશિયામાં દબદબો જાળવવા ચીન અને ભારત વચ્ચે ખેંચતાણ ચાલી રહ્યાની વાત હવે જગજાહેર છે. હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક સર્વોપરિતા જાળવવા વડા પ્રધાન મોદીના શાસનમાં આક્રમક અભિગમ અપનાવાયો છે. આમાં ભારતને મહાસત્તા અમેરિકા ને જાપાનનો સાથ મળી રહ્યો છે. આમ ભારતને સીધું નાથવાનું મુશ્કેલ બન્યું હોવાથી ચીને પાડોશી દેશો દ્વારા ભારતને ભરડો લેવાનું શરૂ કર્યું છે. પાડોશી દેશોને સામ-દામ-દંડ-ભેદથી વશમાં કરવામાં માહેર ચીન શ્રીલંકા, પાકિસ્તાન અને જિબોટીમાં બંદરો બાંધીને તેનું પ્રભુત્વ વધારવા પ્રયત્નશીલ છે. આમ ભારત માટે માલદિવનું ભૌગોલિક મહત્ત્વ ખૂબ જ વધી ગયું હતું. જોકે હવે ચીને ત્યાં પણ પગપેસારો કર્યો છે. બીજી તરફ, લોકશાહીના પુનઃ સ્થાપન માટે આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરી રહેલા યામીન જાણે છે કે હાલ તો ચીન સાથે રહેવામાં જ વધુ લાભ છે. દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત એ ન્યાયે યામીને પશ્ચિમના દેશોના દબાણથી બચવા અને ભારતની મદદ ન લેવી પડે તે માટે ચીનનું શરણું સ્વીકાર્યું છે. ૨૦૧૩માં સત્તા પર આવ્યા બાદ યામીને ચીન અને સાઉદી અરેબિયાના રોકાણકારો માટે દરવાજા ખોલી નાખ્યા છે. તાજેતરના વર્ષોમાં માલદિવ માટે ચીન આર્થિક દૃષ્ટિકોણથી સૌથી મહત્ત્વનો દેશ બની ગયો છે. આશરે ચાર લાખની વસ્તી ધરાવતા માલદિવમાં ચીને ૨૦૧૭માં ત્રણ લાખ પ્રવાસીઓ મોકલ્યા હતા, જે અન્ય કોઇ પણ દેશ કરતાં સૌથી વધુ છે. આ ઉપરાંત તે ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને મોટા પાયે ફાઇનાન્સ કરી રહ્યું છે. ચીનની એક કંપનીએ તો પાટનગર માલે નજીક આવેલો એક ટાપુ રિસોર્ટના નિર્માણ માટે ૫૦ વર્ષના ભાડે પણ લીધો છે. માલદિવમાં ચીનની આ બધી પ્રવૃત્તિ ભારત માટે ચિંતાનું કારણ ન બને તો જ નવાઇ.