ભારતના પાંચ રાજ્યો - આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરીના ચૂંટણી પરિણામો પર નજર ફેરવતા જણાય છે કે દરેક રાજ્યોમાં અલગ પક્ષ કે યુતિએ વિજય હાંસલ કર્યો છે. લોકચુકાદો ભલે વૈવિધ્યસભર જણાતો હોય, પરંતુ તેમાં એક સમાનતા પણ છે. અને આ સમાનતા એટલે કોંગ્રેસનો કારમો પરાજય. સદીપુરાણા આ પક્ષે ભારતમાં વધુ બે રાજ્યો - આસામ અને કેરળમાં સત્તા ગુમાવી છે. એક માત્ર પોંડિચેરીમાં સત્તા હાંસલ કરી છે. જોકે માત્ર ૩૦ બેઠકો ધરાવતા ખોબા જેવડા રાજ્યમાં - અને તે પણ ડીએમકે સાથે યુતિ સાધીને - મેળવેલા આ વિજયને કેટલું મહત્ત્વ આપવું તે અલગ ચર્ચાનો વિષય છે.
આસામ અને કેરળ ગુમાવનાર કોંગ્રેસ ભલે ઠાલા આત્મસંતોષમાં રાચે કે તેને શાસકવિરોધી જનજુવાળ (એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર) નડી ગયો, પરંતુ તેણે એ ન ભૂલવું જોઇએ કે બંગાળમાં મમતા બેનરજી ગત ચૂંટણી કરતાં વધારે બેઠક સાથે વિજયી થયા છે અને જયલલિતાએ સતત બીજી મુદત માટે વિજય મેળવીને ૨૭ વર્ષ જૂનો સિલસિલો તોડ્યો છે. કોંગ્રેસ જેવો રાષ્ટ્રીય પક્ષ હવે કર્ણાટક જેવાં એકમાત્ર મોટા રાજ્ય અને માત્ર પાંચ ટચૂકડાં રાજ્યમાં સમેટાયો છે તો ભાજપે આસામમાં ભગવો લહેરાવી ઇશાન ભારતમાં શાનદાર એન્ટ્રી કરી છે. કેરળમાં પોતાના મતોની ટકાવારી વધારવાની સાથોસાથ વિધાનસભામાં પણ પહેલી વાર એન્ટ્રી કરીને દક્ષિણના અન્ય રાજ્યોના દરવાજા ખટખટાવ્યા છે.
કેટલાંક વર્ષોથી નામશેષ થઇ રહેલા ડાબેરીઓને બંગાળમાં ફરી મરણતોલ ફટકો પડ્યો, પરંતુ કેરળમાં ફરી સત્તા સાંપડી છે. જયલલિતાની પ્રચંડ લોકપ્રિયતા અને કરુણાનીધિની વૃદ્ધાવસ્થા તથા પરિવારમાં આંતરિક તકરાર છતાં પણ આ વેળા ડીએમકેની બેઠકો અને મતોની ટકાવારી - બંનેમાં વધારો દેખાયો છે. બંગાળની ચૂંટણી મમતા વિરુદ્ધ તમામ પક્ષોમાં ફેરવાઇ ગઇ હોવા છતાં મમતા વધુ મજબૂત બનીને ઉભર્યા છે. તો કોંગ્રેસે બંગાળ અને તામિલનાડુમાં અનુક્રમે ડાબેરી અને ડીએમકે સાથે કરેલી યુતિ નિષ્ફળ સાબિત થઇ છે. આસામમાં લોકોએ વૃદ્ધ તરુણ ગોગોઇ સામે યુવા નેતા સર્વાનંદ સોનોવાલને પસંદ કર્યા છે, પણ કેરળમાં અચ્યુતાનંદન્ અને રાજગોપાલન્ ઉપરાંત તામિલનાડુમાં કરુણાનીધિ જેવા વયોવૃદ્ધ નેતાઓ પણ ચૂંટાયા છે. આસામ જેવા પ્રાદેશિક અસ્મિતા મુદ્દે અતિ સંવેદનશીલ રાજ્યમાં લોકોએ એક રાષ્ટ્રીય પક્ષ પછી બીજા એક રાષ્ટ્રીય પક્ષને જ મોકો આપ્યો છે, પરંતુ બંગાળી પ્રજાએ ફરી પ્રાદેશિક પક્ષ પર જ પસંદગી ઉતારી છે. આ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોનું આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે ભારતની રાજકીય ક્ષિતિજે બહુ જ રસપ્રદ ચિત્ર આકાર લઇ રહ્યું છે.
આસામમાં ભાજપ અને સાથી પક્ષોને ૮૬ બેઠકો સાથે ૫૦ ટકા મત મળ્યા છે. આસામમાં ૧૫ વર્ષથી શાસન કરતી કોંગ્રેસને એન્ટિ-ઇન્કમબન્સી ફેક્ટર નડે તેવી પ્રબળ શક્યતા હતી. છતાં કોંગ્રેસે બે ભૂલ કરી. પહેલાં તો તેણે હેમંત બિશ્વ શર્મા જેવા શક્તિશાળી નેતાને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાના બદલે પોતાના પુત્રને અનુગામી તરીકે જાહેર કરવાની ગોગોઇની જીદ સ્વીકારી. ભારે લોકપ્રિયતા ધરાવતા શર્મા ૨૦૧૧માં આસામમાં કોંગ્રેસની જીતના મુખ્ય શિલ્પી હતા. નારાજ શર્મા કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ગયા. કોંગ્રેસ માટે કરવાનું કામ ભાજપ માટે કર્યું. હેમંત શર્માને મુખ્ય પ્રધાનપદ તો ભાજપમાં પણ નહોતું જ મળવાનું, પરંતુ ‘હું ભલે મરું, પણ તને વિધવા કરું’વાળું શર્માનું વલણ કોંગ્રેસને ભારે પડી ગયું. આ પછી કોંગ્રેસે આસામના મુસ્લિમ સમુદાયમાં ભારે પ્રભાવ ધરાવતા બદરુદ્દીન અજમલના આસામ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એયુડીએફ) સાથે ચૂંટણી યુતિ કરવાનું ટાળ્યું. આસામના મુસ્લિમ બહુલ ૩૮ મતદાર ક્ષેત્રોમાંથી ભાજપને ૧૩ બેઠકો મળી છે, જે દર્શાવે છે કે કોંગ્રેસ અને એયુડીએફ વચ્ચે મુસ્લિમ મતો વહેંચાયા છે. આમ, કોંગ્રેસની ભૂલનો લાભ ભાજપને મળ્યો ને ઈશાન ભારતમાં ભાજપ સરકાર રચાઇ.
હવે બંગાળની વાત. અહીં કોંગ્રેસે ડાબેરી મોરચા સાથે સમજૂતી કરી. દસકાઓથી કોંગ્રેસ - ડાબેરીઓ પશ્ચિમ બંગાળ, કેરળ અને ત્રિપુરામાં એકબીજા સામે ચૂંટણી લડતા રહ્યા છે. કેરળમાં તો આ વખતે પણ સામસામે જ હતા, પરંતુ બંગાળમાં સાથેસાથે હતા! આમ બંગાળનું જોડાણ મતદારોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યું. આ કજોડાનું પરિણામ વરવું આવ્યું. ડાબેરી પક્ષોના જુનિયર પાર્ટનર એવા કોંગ્રેસ પક્ષને મત ભલે ઓછાં મળ્યા, બેઠકો વધારે મળી છે. કોંગ્રેસને ૧૧.૬ ટકા મત સાથે ૪૪ બેઠકો જ્યારે ડાબેરી પક્ષોને ૨૭.૬ ટકા મત સાથે માત્ર ૩૩ બેઠકો મળી છે. ડાબેરીઓએ ૨૮ બેઠકો ગુમાવી છે. તારણ એવું નીકળે છે કે ડાબેરી-સમર્થકોએ તો કોંગ્રેસને મત આપ્યા, પરંતુ કોંગ્રેસ-સમર્થકોએ ડાબેરી પક્ષોને મત આપ્યા નથી. હા, ભાજપે પશ્ચિમ બંગાળમાં પ્રભાવક દેખાવ કર્યો છે એમ જરૂર કહી શકાય. તેણે કુલ છ બેઠકો મેળવી છે, જે ૨૦૧૧ની સરખામણીએ બમણી છે. આ જ પ્રમાણે તેનો મતહિસ્સો પણ લગભગ બમણો થયો છે. બીજી તરફ, ડાબેરીઓના મતહિસ્સામાં ૧૨ ટકાનો તીવ્ર ઘટાડો થયો છે, જે દર્શાવે છે કે ડાબેરીઓના મત તૃણમૂલ કોંગ્રેસ કરતાં ભાજપને વધારે મળ્યા છે. વિશ્લેષકોના મતે પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે ‘કમળ’ ખીલી રહ્યું છે તે જોતાં આવનારાં વર્ષોમાં ભાજપ ડાબેરી મોરચાનું સ્થાન લઇ લે તો નવાઇ નહીં.
બંગાળની જેમ જ કેરળમાં પણ ભાજપે નિર્ણાયક પ્રવેશ કર્યો છે. કેરળમાં ત્રાવણકોરના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સવર્ણ હિંદુઓમાં દાયકાઓથી પ્રભાવ ધરાવતો હોવાનું જગજાહેર છે, પરંતુ એ પ્રભાવ કોંગ્રેસ અને ડાબેરી મોરચાના ધ્રુવીય રાજકારણના લીધે બેઠકોમાં પરિવર્તીત થતો નહોતો. કેરળમાં ભાજપને બેઠક એક જ મળી છે, પરંતુ તેણે મત ૧૫ ટકા મેળવ્યા છે. ૨૦૧૧ની ચૂંટણીની તુલનાએ આ આંક ૯.૦૧ ટકાનો વધારો દર્શાવે છે. આ સંકેત સૂચવે છે કે આગામી દસકામાં ભાજપ કેરળમાં સત્તાના દાવેદાર તરીકે ઉભરે તો નવાઇ નહીં.
પાંચ રાજ્યોમાં એકમાત્ર તામિલનાડુમાં ભાજપ સમખાવા પૂરતી એકાદી બેઠક પણ જીતી શક્યો નથી, જે દર્શાવે છે કે રાજ્યમાં બે દિગ્ગજ પ્રાદેશિક નેતાઓ - જયલલિતા (એઆઇએડીએમકે) અને કરુણાનિધિ (ડીએમકે)નો દબદબો યથાતથ્ છે. રાજ્યમાં વર્ષોથી આ બે પક્ષો જ વારાફરતી શાસન કરતા રહ્યા છે. ૨૭ વર્ષ પછી આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે કોઇ એક પક્ષે (વાંચો, જયલલિતાએ) સતત બીજી મુદત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. કુલ ૨૩૨ બેઠકોમાંથી આ વખતે જયલલિતાના એઆઇએડીએમકેએ ૧૩૪ બેઠકો જીતી છે અને ડીએમકેને ૮૯ બેઠકો. ૯૨ વર્ષના બીમાર કરુણાનિધિને મુખ્ય પ્રધાનપદનો મોહ નડી ગયાનું મનાય છે. વિશ્લેષકોના મતે, જો કરુણાનિધિએ મુખ્ય પ્રધાનપદ માટે તેમના પ્રતિભાશાળી પુત્ર સ્તાલિનનું નામ આગળ કર્યું હોત તો પરિણામ અલગ જ હોત. પરંતુ આ બધી જો અને તો વાળી વાત છે.
આ પાંચેય રાજ્યોનાં પરિણામોને એક સાથે મૂલવીએ તો ત્રણ વાત ફલિત થાય છે. એક તો ભાજપે પૂર્વ અને દક્ષિણ ભારતમાં પગપેસારો કર્યો છે. બીજું, ડાબેરી પક્ષો પર અસ્તિત્વ ટકાવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અને ત્રીજું, કોંગ્રેસ ભલે કોમામાં સરી પડી ન હોય, પણ તે આઈસીયુમાં તો પહોંચી જ ગઇ છે. આસામમાં કોંગ્રેસે પોતાનું સ્થાન ભાજપને આપી દીધું છે. કેરળમાં કોંગ્રેસ - ડાબેરી મોરચાના મત ભાજપે આંચકી લીધા છે. તામિલનાડુમાં દ્રમુક પક્ષો ભાજપને પગપેસારો કરતા રોકી શક્યા છે, પણ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ભાજપની આગેકૂચ રોકી શકી નથી. બંગાળમાં ‘દીદી’ના ભવ્ય વિજય છતાં ભાજપે મતમાં સારી સરસાઇ મેળવી છે.
સમગ્રતયા વિશ્લેષણ દર્શાવે છે કે બે વર્ષ પૂર્વે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલા ભાજપે ભલે કેન્દ્રમાં સરકાર રચી હોય, પરંતુ દેશમાં આજે પણ પ્રાદેશિક પક્ષોનું વર્ચસ છે. અલબત્ત, ભાજપ માટે અવશ્ય સંતોષની વાત હશે કે તે આ રાજકીય માહોલ વચ્ચે પણ નવા નવા પ્રદેશમાં પગરણ માંડી રહ્યો છે. ચિંતાની વાત કોંગ્રેસ માટે છે. વંશવાદમાં રાચતા રહેલા આ પક્ષના મોવડીઓ જો સમયની સાથે ચાલવામાં નિષ્ફળ રહ્યા, જરૂરી સુધારાવધારા કરવામાં ઊણા ઉતર્યાં તો ભાજપનું ‘કોંગ્રેસમુક્ત ભારત’નું સ્વપ્ન સાકાર થતાં વાર નહીં લાગે. અને હા, આ માટે તે ભાજપને દોષ પણ નહીં આપી શકે.