ભારતમાં આ તે કેવું સંસદીય લોકતંત્ર

Tuesday 10th April 2018 14:53 EDT
 

વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશનું બહુમાન ધરાવતા ભારતના સંસદીય ઇતિહાસમાં વિતેલા ૨૧ દિવસનો સમયગાળો કાળા અક્ષરે લખાશે. સંસદના બજેટ સત્રનો બીજો ભાગ કોઇ પણ કામગીરી વગર જ પસાર થઇ ગયો. આ સમયગાળામાં જો કંઇ થયું હોય તે હતા ધાંધલધમાલ - ગોકીરો અને વોકઆઉટ. આ ૨૧ દિવસમાં સંસદની કાર્યવાહી ચલાવવામાં જાણે કોઇને રસ જ નહોતો. વિરોધ પક્ષ સરકારને ચોમેરથી ભીંસમાં લેવા દેકારો મચાવતો રહ્યો તો કેટલાક પ્રસંગે સરકાર સમર્થક પક્ષો વિપક્ષને ભીડવવા પ્રયાસ કરતા જોવા મળ્યા. પરિણામ નજર સામે છે. ઓબીસી અને તીન તલાક જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા જ થઇ શકી નહીં. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ, આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની તેમજ કાવેરી મેનેજમેન્ટ બોર્ડ રચવાની માગણી સાથે એવો હંગામો થયો કે ગૃહમાં કોઇ કાર્યવાહી થઇ શકી જ નહીં. વિપક્ષે સમજવું રહ્યું કે સંસદ ગૃહ ચર્ચા માટે હોય છે. વિરોધ કરવાનો મતલબ એવો નથી કે દેકારો, ધાંધલધમાલ કરીને ગૃહની કાર્યવાહી ખોરવી નાખવી. અણિયાળા અને ટુ ધ પોઇન્ટ પ્રશ્ન પૂછીને પણ સરકારને ભીંસમાં લઇ શકાય. ૧૭ હજાર કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડ પર શું ચર્ચા નહોતી થવી જોઇતી? વિજય માલ્યા, નિરવ મોદી કે મેહૂલ ચોકસી જેવા દેશ છોડીને નાસી ગયેલા કૌભાંડીઓને સરકાર ક્યારે અને કઇ રીતે કોર્ટના કઠેડામાં ઉભા કરવા માગે છે એ પણ પૂછી શકાયું હોત. શાસક-વિપક્ષે ગૃહમાં ચર્ચા કરી હોત તો અવશ્ય એવો કોઇ માર્ગ મળ્યો જ હોત જે રાષ્ટ્રહિત માટે ઉપકારક સાબિત થયો હોત. જે રીતે કોઇ વણઉકેલ સમસ્યા કે માગણીનો ઉકેલ હિંસા હોય શકે નહીં એમ હંગામો કે દેકારો પણ કોઇ સમસ્યાનો ઉકેલ હોય શકે નહીં.
ચર્ચા, માહિતી, સવાલ અને તપાસ સંસદીય લોકશાહીની આવશ્યક બાબતો છે. સરકારે સંસદમાં સો ટકા સત્ય રજૂ કરવું પડે છે અથવા તો વિપક્ષે સરકારને સત્ય કહેવા મજબૂર કરવી પડે છે. દેશના સર્વોચ્ચ સત્તાધીશોને ગમે તે સવાલ સંસદ ગૃહમાં પૂછી શકાય છે અને કોઇ પણ શાસકીય નીતિ કે કાર્યવાહીની આકરી ઝાટકણી કાઢી શકાય છે. સરકારી હિસાબો કે પછી કામગીરીની અતિશય ઝીણી તપાસ સાંસદો કરી શકે છે. આ તેમનો વિશેષાધિકાર છે અને લોકો તેમને આ માટે જ સંસદમાં ચૂંટીને મોકલે છે. પરંતુ, પ્રજાના પ્રતિનિધિઓને કદાચ હવે સંસદીય લોકશાહીની આ બધી બારીક કામગીરીની કોઇ કદર કે પરવા રહ્યાં નથી. છેલ્લા એક દસકાથી સંસદીય ગૃહની કાર્યવાહી દેખાડાનું કેન્દ્ર બની રહી છે. મહત્ત્વના ખરડાઓ કોઇ પણ જાતની ચર્ચા-વિચારણા વગર જ ધાંધલધમાલ વચ્ચે મંજૂર કરાવી દેવાનું ચલણ વધી રહ્યું છે.
સત્રનો સમય વેડફી નાખ્યા બાદ વિપક્ષી સાંસદો હાથમાં કાળી પટ્ટી બાંધી સંસદ પરિસરમાં આવેલી ગાંધી-પ્રતિમાની નિશ્રામાં જઇ પહોંચ્યા અને અસંતોષ વ્યક્ત કર્યો કે સરકાર જનહિતની જરાય પરવા કરતી નથી. સમજ્યા કે સરકારને હૈયે જનહિત નથી, પણ ગૃહની કાર્યવાહી ખોરવીને તમે શું સાબિત કરવા માગો છો? ચર્ચા ટાળીને તમે વિપક્ષ તરીકે નૈતિક ફરજ નથી ચૂકી રહ્યા? તમારે તો એવો અભિગમ અપનાવવો જોઇએ કે કોઇ પણ સંજોગોમાં ગૃહની કાર્યવાહી ચાલુ રહે ને શાસકને અણિયાળા પ્રશ્નો પૂછી ભીંસમાં લઇ શકાય.
વિપક્ષ દોષિત છે તો શાસક પક્ષ પણ કંઇ દૂધે ધોયેલો નથી જ. વિપક્ષ સંસદ ચાલવા દેવા માગતો નહોતો તો ગૃહને ચલાવવા શાસક પક્ષે શું પ્રયાસ કર્યા? સાચી વાત તો એ છે કે બધાને પોતપોતાના રાજકીય સ્વાર્થ સાધવા છે. દેશ સમસ્યાઓમાં સપડાયો છે, પરંતુ તેને ઉકેલવાની ચિંતા કોઇને નથી.
સંસદ ચલાવવા પ્રતિ મિનિટ અંદાજે ત્રણ લાખ રૂપિયા ખર્ચ થાય છે. મતલબ કે દિવસમાં માત્ર છ કલાક સંસદ ચાલે તો દરરોજ દસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો. આમ ૨૧ દિવસનો કુલ ખર્ચ થયો ૨૧૦ કરોડ રૂપિયા. આ નાણાં આખરે તો આમ આદમીના જ હતા ને? સાંસદોને એવો અધિકાર નથી કે તેઓ પ્રજાના પરસેવાની કમાણીના નાણાંને પોતાનો અહં સંતોષવા વેડફી નાખે. સંસદની મર્યાદા જાળવવાની નૈતિક જવાબદારી બન્ને પક્ષોની છે. તેને રાજકારણનો અખાડો બનાવવાના પ્રયાસોથી તો આખરે લોકતંત્ર જ નબળું પડશે, જે કોઇના હિતમાં નહીં હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter