ભારતના ચૂંટણી પંચે (ઇસી)એ સરકારને પત્ર પાઠવીને જણાવ્યું છે કે તે સપ્ટેમ્બર ૨૦૧૮ બાદ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે તૈયાર છે. આ સાથે જ દેશમાં ફરી એક વખત સહિયારી ચૂંટણીઓ યોજવાના મુદ્દે ચર્ચા શરૂ થઇ છે. મોદી સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યાના થોડાક જ સમયમાં કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીઓ એકસાથે ચૂંટણી યોજવાનો વિચાર નવેસરથી વહેતો મૂક્યો હતી, જેને ચૂંટણી પંચ સહિતના લોકોએ આવકાર્યો હતો. સરકારનું માનવું છે કે આનાથી સમય, નાણાં અને શક્તિનો બગાડ અટકશે. તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ સલાહ આપી હતી કે આનાથી ખર્ચ ઓછો થાય અને સમય પણ બચે તે માટે દેશમાં લોકસભા અને વિધાનસભાની બધી જ ચૂંટણીઓ એકસાથે યોજવી જોઇએ. હવે ચૂંટણી પંચે એક નિવેદનમાં રાજકીય પક્ષોને અનુરોધ કર્યો છે કે આ એક સારું પગલું સાબિત થઇ શકે છે તેથી દરેક પક્ષોએ આ મામલે વિચારવું જોઇએ.
લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવાની ચર્ચા તો લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે વિચાર ચર્ચાથી આગળ વધતો જ નથી. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ છ-સાત વર્ષ પહેલાં એક સાથે ચૂંટણી યોજવા સૂચન કર્યું હતું. એક-દોઢ વર્ષ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસ્તાવને આગળ વધાર્યો ત્યારે એવું લાગતું હતું કે દેશમાં ફરી એક વખત પચાસ-સાઠના દસકા જેવો રાજકીય માહોલ જોવા મળે તો નવાઇ નહીં. તે વેળા લોકસભા-વિધાનસભા ચૂંટણી એકસાથે જ યોજાતી હતી.
એકસાથે ચૂંટણી યોજવાની તરફેણ કરનારાઓનું કહેવું છે કે અલગ અલગ ચૂંટણીઓ યોજવાથી સરકારી તિજોરી પર કરોડો રૂપિયાનો બોજ પડે છે એ તો અટકશે જ. સાથોસાથ કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે તેના નીતિગત નિર્ણયોનો અમલ આસાન બનશે. દેશમાં આખું વર્ષ કોઇને કોઇ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા ચાલતી જ રહે છે. સ્થાનિક પાલિકાની ચૂંટણીઓથી માંડીને લોકસભાની પેટાચૂંટણીઓ સુધી, આજે દેશમાં ક્યાંકને ક્યાંક ચૂંટણી યોજાતી જ રહે છે. પરિણામે નેતાઓ યા તો ચૂંટણી સભામાં વ્યસ્ત રહે છે યા તો આગામી ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત રહે છે. શાસકોની ચૂંટણીઓમાં વ્યસ્તતાના કારણે જનકલ્યાણકારી યોજનાઓ અને નાગરિક સેવાઓ સાથે જોડાયેલા વહીવટી કાર્યો ખોરંભે પડી જાય છે. મતદાન દરમિયાન સરકારી તંત્ર તો વ્યસ્ત થઇ જ જાય છે, તો મતદાતાઓને પણ પોતાના રોજિંદા કાર્યો છોડીને લોકતાંત્રિક પ્રક્રિયામાં સામેલ થવું પડે છે.
જોકે આમ છતાં એક વર્ગ એવો પણ છે જે લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની હિલચાલ સામે સવાલ ઉઠાવી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રકારનું પગલું ભરવા માટે બંધારણ સાથે ચેડાં કરવા જોઇએ નહીં. અલબત્ત, આવા વાંધાવચકા કાઢતા લોકો એ ભૂલી જાય છે કે આઝાદી બાદ લાંબા અરસા સુધી સમગ્ર દેશમાં લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે જ યોજાતી હતી. એક આક્ષેપ એવો થઇ રહ્યો છે કે તત્કાલીન વડા પ્રધાન ઇંદિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન રાજકીય દ્વેષના કારણે કેટલીક રાજ્ય સરકારોને અધવચ્ચે જ વિખેરી નંખાતા મધ્યસત્ર ચૂંટણીઓ યોજવાનું ચલણ શરૂ થયું. ધીરે ધીરે ચૂંટણી ગાડી પાટા પરથી એવી ઉતરી કે પછી બન્ને ચૂંટણીઓ વચ્ચે કોઇ તાલમેળ રહ્યો જ નહીં.
આજે સંજોગો એવા છે કે ભારતીયો વર્ષમાં એકથી વધુ વખત ચૂંટણી પ્રક્રિયાના સાક્ષી બને છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ હજુ ટાઢો પણ નથી પડ્યો ત્યાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આ રાજ્યોના ચૂંટણી પરિણામો આવશે ત્યાં સુધીમાં કર્ણાટકમાં ચૂંટણીઓ માટેની તૈયારી શરૂ થઇ ગઇ હશે. આના છ મહિના પછી ડિસેમ્બર ૨૦૧૮ આસપાસ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણીઓ યોજાશે. ચાર મહિના બાદ લોકસભા ચૂંટણીની કસરત શરૂ થઇ જશે.
આજે વિશ્વના કંઇ કેટલાય દેશોમાં રાષ્ટ્રીય સ્તરની અને પ્રાદેશિક સ્તરની ચૂંટણીઓ એકસાથે યોજવાની પરંપરા સફળતાપૂર્વક અમલમાં છે જ. આથી જો ભારત સરકાર એક સાથે ચૂંટણી કરાવવા ઇચ્છતી હોય તો તેણે પહેલ કરવી જોઇએ. રાજકીય પક્ષોને વિશ્વાસમાં લઇને ચૂંટણી પંચને ઇચ્છા જણાવવી જોઇએ. એક સાથે ચૂંટણી યોજવાથી દેશને ફાયદો થઇ શકતો હોય તો તેનો લાભ અવશ્ય લેવો જ જોઇએ. માત્ર વાતોના વડાં કરવાથી કોઇ ફાયદો મળવાનો નથી.