ભારત કોરોના વાઈરસના મ્યુટન્ટ વેરિએન્ટની ત્રીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. ભારત માટે ૧૪મી એપ્રિલ વિશિષ્ટ દિવસ બની રહ્યો. હિન્દુ અને શીખ લોકોએ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી. ઘણા મુસ્લિમોએ પણ રમઝાનના પ્રથમ દિવસે મિત્રો અને પરિવારો સાથે મોડી રાતની મિજબાનીઓ માણી. પવિત્ર ગંગાતટે હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં પણ લાખો ભાવિકો ઉમટ્યા હતા. આ બધા પછી, સૌપ્રથમ વખત કોવિડ પોઝિટીવ લોકોની સંખ્યા ૨૦૦,૦૦૦ને પાર થઈ અને જોત જોતામાં સંક્રમિતોનો આંકડો ૩૫૦,૦૦૦ને પણ આંબી ગયો છે.
ભારતમાં વિશાળ વસ્તી અને આરોગ્ય સંભાળની અપૂરતી વ્યવસ્થાના કારણે સંક્રમણ ઘટાડવું ખાવાના ખેલ નથી. આમ છતાં, રાહત એ વાતની છે કે કેટલાક વિસ્તારોમાં સંક્રમણ ઘટાડી શકાયું છે. પ્રથમ લહેરની સરખામણીએ સંક્રમણ દર અને મૃત્યુઆંક ઘણો વધી ગયો તેની પાછળ દેશના પાંચ રાજ્યોમાં તબક્કાવાર ચૂંટણીઓ, રાજકીય કાવાદાવા, હરિદ્વારમાં કુંભમેળો અને ક્રિકેટ મેચીસમાં લાખો ક્રિકેટરસિયાઓની હાજરી જેવાં પરિબળો પણ કામ કરી ગયા છે. આ ઉપરાંત, સરકાર અને લોકોની આત્મસંતુષ્ટિએ પણ મોટી ભૂમિકા ભજવી છે. મદ્રાસ હાઈકોર્ટે તો આગળ વધીને ચૂંટણી પંચના અધિકારીઓને જવાબદાર માની તેમની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવો જોઈએ તેમ કહેવા સાથે પૂણ્યપ્રકોપ દર્શાવવો પડ્યો છે. સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત સહિતની હાઈ કોર્ટ્સ પણ કોરોના મહામારીનો પ્રસાર કેવી રીતે ઓછો કરી શકાય તેની સુનાવણી અને દિશાનિર્દેશ આપવાના કાર્યમાં લાગી ગઈ છે.
વોશિંગ્ટન યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન દ્વારા ‘કોવિડ-19 પ્રોજેક્શન’ અભ્યાસમાં ભારતમાં મે મહિનાના મધ્યમાં કોરોના સંક્રમણ શિખર પર પહોંચશે તેવો દાવો કરાયો છે. ભારતમાં સંક્રમણ અને મૃત્યુના વર્તમાન દર આધારિત અભ્યાસ પ્રમાણે ૧૦ મેના રોજ દૈનિક મૃત્યુદર ૫,૬૦૦એ પહોંચી જશે. એપ્રિલથી ઓગષ્ટ મહિના દરમિયાન ૩.૨૯ લાખ અને જુલાઈ મહિનાના અંત સુધીમાં મૃત્યુઆંક વધીને ૬.૬૫ લાખ સુધી જઈ શકે છે.
કોરોનાની બીજી વિનાશક લહેર ભારત અને સમગ્ર વિશ્વ માટે આફતસમાન છે. જો વાઈરસ આવી રીતે ફેલાતો જાય તો તેના વિવિધ ખતરનાક મ્યુટન્ટ કે વેરિએન્ટ્સ સર્જાય તેનું જોખમ છે. સૌપહેલા ભારતમાં દેખાયેલો ‘ડબલ મ્યુટન્ટ’ વાઈરસ અમેરિકા અને યુકે સહિત ઘણા દેશમાં પણ જોવાં મળ્યો છે. ભારતની આ બીજી લહેરની વિશ્વ પર વધુ મહત્ત્વપૂર્ણ અસર એ થશે કે બાકીના વિશ્વ માટે વેક્સિનનો સપ્લાય ખોરવાઈ જશે. વિશ્વની ફાર્મસી બની ગયેલા ભારતમાં કેસીસના ઉછાળા સાથે ભારત સરકારને વેક્સિન્સની નિકાસ પર અંકુશ મૂકવા પડ્યા છે. ત્રણ મહિનામાં વિશ્વને ૬૪ મિલિયન ડોઝ પૂરા પાડનારા ભારતે એપ્રિલ મહિનાના પ્રથમ હિસ્સામાં માત્ર ૧.૨ મિલિયન ડોઝની જ નિકાસ કરી છે. આની સીધી અસર બ્રિટન, યુરોપિયન યુનિયન તેમજ વેક્સિન માટે ભારત પર મીંટ માડી રહેલા ગરીબ આફ્રિકન દેશોને પણ થઈ છે.
વિશ્વભરમાં રસીકરણ પૂરઝડપે ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૧.૨૯ બિલિયનથી વધુ ડોઝ અપાઈ ગયા છે. પરંતુ, અસમાનતાનો મુદ્દો રહ્યો જ છે. અપાયેલા ડોઝમાંથી ૫૮ ટકા ડોઝ તો અમેરિકા (૨૩૦ મિલિયન), ચીન (૨૨૦ મિલિયન) અને ભારતમાં (૧૪૦ મિલિયન) જ અપાયા છે. આમ છતાં રસીકરણ ઓછું થયું છે. ભારત સરકારે વિશ્વમાંથી અન્ય વેક્સિન્સની આયાતના દ્વાર પણ ખોલી નાખ્યા છે પરંતુ, આ તો પાણી વહી ગયા પછી પાળ બાંધવાની કવાયત જ ગણવી જોઈએ કારણકે વિલંબે ભારે નુકસાન કરી નાખ્યું હતું.
કોરોના મહામારીના કપરા સમયમાં ભારતને વેક્સિન માટે કાચી સામગ્રી નહિ આપવાના નિર્ણયમાં પીછેહઠ કરીને યુએસ પ્રમુખ બાઈડને સમજદારી દાખવી છે. ખેર, દેર આયે દુરસ્ત આયે. તેમને પણ સમજાયું છે કે કોરોના મહામારીમાં અમેરિકામાં લોકો અને હોસ્પિટલો ઝઝૂમી રહી હતી ત્યારે ભારતે જ અમેરિકાને દવાઓનો પૂરવઠો મોકલી મદદ કરી હતી. હકીકત એ છે કે પ્રતિબંધ લાદવાના નિર્ણયનો ઉગ્ર વૈશ્વિક વિરોધ થયા પછી જ બાઈડનને ડહાપણ લાદ્યું છે.
સમગ્ર વિશ્વ હવે ભારતની વહારે ચડ્યું છે. યુએસ, યુકે, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુએઈ સહિતના દેશોએ ઓક્સિજન પ્લાન્ટ્સ, ક્રાયોજેનિક ટેન્કર્સ અને તબીબી ઉપકરણો સહિત તત્કાળ સહાયનો ધોધ વહાવ્યો છે. કોરોના મહામારીમાં ભારતે ગરીબ અને તવંગર, બધા દેશોને સધિયારો આપ્યો છે. આજે વિશ્વ તેનું ઋણ વાળી રહ્યું છે. નરેન્દ્ર મોદીની સરકારે તત્કાળ ઓક્સિજન પ્લાન્ટ્સની આયાત તેમજ સ્થાપના અને વેક્સિનેશન વધારવાના સંનિષ્ઠ પ્રયાસો શરુ કરી દીધા છે તે સારી વાત છે પરંતુ, આમાં વિલંબ થયો તે પણ હકીકત છે અને હજુ વધુ પગલાં ભરવાની આવશ્યકતા છે. એક બાબત તો સત્ય છે કે લોકડાઉન રામબાણ ઈલાજ નથી. પ્રજામાં સમજણ અને જાગરુકતા પ્રગટે તે મહત્ત્વનું છે.વેક્સિનેશનની સાથોસાથ માસ્ક પહેરવો, સામાજિક અંતર જાળવવું, ભીડભાડ કરવી નહિ જેવાં સોનેરી સૂત્રોનો અમલ જ દેશવાસીઓને બચાવશે. મૂળ તકલીફ એ છે કે રાજનેતાઓ અને તેમના સમર્થકો હજુ કોઈ બોધપાઠ શીક્યા હોય તેમ લાગતું નથી.