આર્થિક વિકાસના પંથે હરણફાળ ભરી રહેલો ભારત દેશ પણ પહેલી જુલાઇએ જીએસટીના અમલીકરણ સાથે જ વિશ્વના એવા દેશોની હરોળમાં આવી ગયો છે જ્યાં માત્ર એક જ સેલ્સટેક્સની પ્રથા અમલી છે. જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ)નો અર્થ સમજાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેને ‘ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ’ તરીકે ઓળખાવે છે તો એક આર્થિક નિષ્ણાતે ટીવી ટોક-શોમાં ટીપ્પણી કરતાં કહ્યું હતુંઃ ‘ગયે સારે ટેક્સ’. એક અહેવાલ પ્રમાણે ભારતમાં ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓ અને સેવાઓ પર જુદા જુદા નામ હેઠળ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ૧૫-૧૭ ટેક્સ લાગુ હતા. હવે માત્ર એક જ ટેક્સ હશે જીએસટી. સરકારથી માંડીને નિષ્ણાતો આને ભારતમાં કરક્રાંતિ ગણાવી રહ્યા છે. અને તેમની વાત ખોટી પણ નથી. દેશના અર્થતંત્રમાં સ્વાતંત્ર્ય બાદનો સૌથી મોટો સુધારો છે. વિશ્વની ટોચની ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ માને છે કે જીએસટીનો અમલ ભારતના આર્થિક વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે. ભારતીય અર્થતંત્રમાં તે ચેતનાનો સંચાર કરશે. પ્રારંભે ચાર-છ મહિના આર્થિક વિકાસ ધીમો પડી શકે છે, પણ પછી બધું થાળે પડી જશે એટલે વિકાસની ગાડી પૂરપાટ દોડવા લાગશે.
અડધી રાતે સંસદભવનમાં શાનદાર સમારંભ સાથે જીએસટીના લોન્ચિંગની ઘટનાને દેશની આઝાદી વેળા સેન્ટ્રલ હોલમાં થયેલી સ્વતંત્રતાની ઉદ્ઘોષણા સાથે સરખાવાઇ રહી છે. જોકે, આ બંને ઘટનાઓ વચ્ચે બહુ મોટો ફરક છે. ૧૯૪૭ની એ રાતે દેશભરમાં આઝાદીના જશ્નનો માહોલ હતો. મોટાં શહેરોથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો આઝાદીને વધાવવા હરખભેર નાચી ઉઠ્યા હતા. જ્યારે જીએસટીના અમલે જનમાનસમાં આશંકા, ગભરાટ અને બેચેની ફેલાવ્યા છે. વેપારીઓ, ઉદ્યોગકારો, સર્વિસ પ્રોવાઇડર્સ તથા અન્ય સૌના ચહેરા પર સવાલનો ખડકલો કર્યો છે. ઘણા સેક્ટરના ઉત્પાદકોને, સેવાઓ પૂરી પાડનારાને આંદોલન કરવા પ્રેર્યા છે. દેશનો એક પણ ખૂણો બાકી નથી જ્યાં કોઇને કોઇ વેપાર-ઉદ્યોગ સંગઠને બંધનું કે બહિષ્કારનું એલાન ના આપ્યું હોય. કેટકેટલાંય વેપારી સંગઠનોએ તો જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન નહીં કરાવવાની હાકલ કરી છે. આટલા પ્રચંડ અને વ્યાપક વિરોધ માટે કોઇ તો નક્કર કારણ હોવું જ જોઇએ, પરંતુ અત્યારે સરકાર કોઇ બાંધછોડ કરવાના મૂડમાં જણાતી નથી.
વાસ્તવમાં જીએસટીનો વિરોધ કરી રહેલા વેપારીઓ, ઉદ્યોગકારો તથા આમ આદમીએ એ સમજવાની જરૂર છે કે આ જીએસટીનો પ્રારંભ છે. ભારતીય બંધારણમાં અત્યાર સુધીમાં એકસોથી વધુ સુધારા થઇ ચૂક્યા છે. જો બંધારણમાં આટલી હદે સુધારા થઇ શકતા હોય તો જીએસટીની જોગવાઇઓનું પણ સમયાંતરે મૂલ્યાંકન કરીને સુધારાવધારા કરી જ શકાશેને? અનેક પ્રકારના પરોક્ષ વેરાને બદલે માત્ર એક જ વેરો લાગુ પડશે તેના કારણે સરળીકરણ સહિતના અનેક ફાયદા અપેક્ષિત છે. સહુએ સમજવું રહ્યું કે જીએસટી એ કોઇ નવો વેરો નથી, પરંતુ અગાઉના વિવિધ વેરાઓનું એકીકૃત સ્વરૂપ છે. આજે વિશ્વના એકસોથી વધુ દેશોમાં આ પ્રથા અમલી છે એ જ દર્શાવે છે કે આ જોગવાઇ કેટલી ઉપકારક છે, લાભકારક છે.