ભારતની સર્વોચ્ચ અદાલતે ક્રિકેટના મેદાનમાં ઉતર્યા વગર જ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને ક્લીન બોલ્ડ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ક્રિકેટ બોર્ડના સંચાલનને ચેતનવંતુ બનાવવા માટે પ્રધાનો તથા ૭૦થી વધુ વયના હોદ્દેદારોને જાકારો આપવા અને જસ્ટિસ (નિવૃત્ત) લોધા સમિતિની ભલામણોને લાગુ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે જસ્ટિસ લોધા સમિતિની જે ભલામણો સ્વીકારી છે તે અનુસાર હવે કોઈ પ્રધાનને બીસીસીઆઈમાં હોદ્દો નહીં મળે, કોઈ હોદ્દેદાર તેના સ્થાનિક એસોસિયેશનમાં કોઈ હોદ્દો સંભાળી નહીં શકે અથવા તો તેણે બીસીસીઆઈથી દૂર રહેવું પડશે. તેમજ દરેક રાજ્ય દીઠ એક જ ક્રિકેટ એસોસિએશનને મતાધિકાર વગેરેનો સમાવેશ થાય છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ લાંબા અરસાથી રાજકારણનો અખાડો બની ગયું હતું. એક સ્વાયત્ત સંસ્થાના નામે બોર્ડ તેની મનમાની કરતું રહ્યું હતું અને દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓ ‘મેરા ભારત મહાન’ કહીને આ રમતને પોતાની માની લેતા હતા. જ્યારે વાસ્તવિક્તા એ હતી કે તેમની લાગણી કે માગણીઓને કોઈ પ્રતિસાદ આપનારું કે સાંભળનારું જ નહોતું. આથી ઘણા સમયથી એવી લાગણી પ્રવર્તતી હતી કે બોર્ડ ઉપર લગામ રાખવાની જરૂર છે. આ કામ લોધા સમિતિએ કરી દેખાડ્યું અને હવે તેમની ભલામણો પર સુપ્રીમ કોર્ટે મંજૂરીની મહોર મારી છે. કોર્ટે આ મામલામાં દરમિયાનગીરી કરીને ભારતીય રમતપ્રેમીઓને એટલી તો હૈયાધારણ આપી જ છે કે કોઈ તો તેમને સાંભળનારું છે. બોર્ડને આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ) હેઠળ લાવવું કે નહીં તેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે સંસદ પર છોડ્યો છે.
અલબત્ત, સુપ્રીમ કોર્ટના આ આદેશથી ગુજરાતના ક્રિકેટ બોર્ડને થોડુંક નુકસાન અવશ્ય થવાનું છે. રાજ્યમાં એક સાથે ત્રણ ક્રિકેટ એસોસિયેશન કાર્યરત છે - જેમાં ગુજરાત, બરોડા અને સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. હવે બીસીસીઆઈમાં મતદાન કરવાની વેળા આવશે ત્યારે - રોટેશન મુજબ - આ ત્રણમાંથી એકનો જ વારો આવશે. બાકીના બે એસોસિયેશને તેમના વારાની રાહ જોવી પડશે. સાદા શબ્દોમાં કહીએ તો અત્યાર સુધી આ ક્રિકેટ એસોસિયેશનો પોતાના મતાધિકારના જોરે બીસીસીઆઇનું નાક દબાવીને નાણાકીય ભંડોળથી માંડીને આંતરરાષ્ટ્રીય મેચ માટેની માગણી મંજૂર કરાવતા હતા. હવે તેમને આ માટે પોતાનો (મતાધિકારનો) વારો આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.