પંજાબને અજગરભરડો લેનાર ડ્રગ્સના દૂષણ પર બનેલી હિન્દી ફિલ્મ ‘ઉડતા પંજાબ’ની તરફેણમાં અને વિરુદ્ધમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ, નિવેદનબાજીનો જુવાળ ઉઠ્યો હતો. જોકે મહિનાથી ઉઠેલો વિવાદનો વંટોળ મુંબઇ હાઇ કોર્ટના ચુકાદાથી શમી જશે તેવું લાગે છે. કોર્ટે માત્ર એક કટ સાથે ફિલ્મ રિલીઝ કરવા મંજૂરી આપી છે. એટલું જ નહીં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ને દાદીમાની જેમ નહીં વર્તવાની સલાહ પણ આપી છે. કોર્ટે કળાની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હવાલો આપીને ફિલ્મને એકાદ અપવાદ સિવાય લગભગ યથાવત્ રાખવાનો આદેશ આપતાં ફિલ્મ નિર્માતા જ નહીં, સમગ્ર હિન્દી ફિલ્મ ઉદ્યોગ ખુશ છે. સેન્સર બોર્ડના નામે જાણીતા સીબીએફસીએ પહેલાં તો ફિલ્મમાં ૮૯ કટ સૂચવ્યા હતા! પછી અપીલ થતાં રિવાઇઝીંગ કમિટીએ ૧૩ કટ સૂચવ્યા હતા. ફિલ્મમાંથી પંજાબનો ઉલ્લેખ પણ કાઢવાનો હતો. બોર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાનીના મતે પંજાબમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની હોવાથી નિર્માતાએ આમ આદમી પાર્ટી પાસેથી નાણાં લઇને આ ફિલ્મ બનાવી છે. (જેથી રાજ્યની અકાલી દળ-ભાજપ યુતિ સરકારને સરકારને ભીંસમાં લઇ શકાય.) જ્યારે નિર્માતા અનુરાગ કશ્યપનું કહેવું છે કે તેણે તો રાજ્યમાં પ્રવર્તતા દૂષણને ફિલ્મ થકી વાચા આપવાનો પ્રયાસ કર્યો છે.
સાચુંખોટું ઇશ્વર જાણે, પણ જો સેન્સર બોર્ડના આદેશનો ધરાર અમલ થયો હોત તો ફિલ્મમાં બચ્યું શું હોત એ સવાલ છે.
‘ઉડતા પંજાબ’માં છ ડઝનથી વધુ કટ મારનારા સેન્સર બોર્ડના તમામ વાંધા ફગાવી દઇને કોર્ટે માત્ર એક જ કટને માન્ય રાખ્યો છે તેના કરતાં પણ વિશેષ મહત્ત્વ તો કોર્ટના ચુકાદામાં થયેલી ટિપ્પણીનું છે. હાઇ કોર્ટની બે સભ્યોની બેન્ચે ચુકાદામાં સેન્સર બોર્ડને ઠપકારતા કહ્યું છે કે દાદીમાની જેમ કામ ન કરો. સમય મુજબ ફેરફાર કરો. કળાના મામલે સીબી-એફસીએ વધુ સંવેદનશીલ બનવાની જરૂર નથી... રચનાત્મકતાનું સમર્થન કરતાં કોર્ટે નોંધ્યું હતું કે સીબીએફસીએ રચનાત્મક લોકોને અટકાવવા ન જોઇએ કેમ કે તેનાથી તેઓ નિરાશ થશે. કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે કાયદામાં ક્યાંય સેન્સર નામનો શબ્દ છે જ નહીં. તમારું કામ ફિલ્મોને પ્રમાણિત કરવાનું છે, સેન્સર કરવાનું નહીં. ચુકાદામાં એવી પણ નોંધ છે કે ખુલ્લી હવામાં જીવી રહેલી નવી પેઢીના મુક્ત અભિવ્યક્તિના વિચારો પ્રમાણે હાલના સર્જકો પણ એવી જ ફિલ્મો બનાવે છે. સર્જકોની સર્જનશીલતા પર સેન્સરના નામે તરાપ મારવાની કોઇ જરૂર નથી. ટીવી પર કોઇ કાર્યક્રમ જોવા કે નહીં તે નક્કી કરવા લોકો રિમોટનો ઉપયોગ કરે છે. ફિલ્મોની બાબતમાં પણ આ રિમોટ લોકોને આપી દો. ચુકાદામાં એમ પણ કહેવાયું છે કે ફિલ્મમાં પંજાબ નામના ઉપયોગથી દેશનું સાર્વભૌમત્વ જોખમાઇ જવાનું નથી. કોઇ ફિલ્મમાં સાંસદ કે ચૂંટણી જેવા શબ્દોનો પ્રયોગ પ્રવર્તમાન રાજકીય સ્થિતિ દર્શાવવા માટે થતો હોય તો કશું ખોટું પણ નથી.
સિનેમા, સંગીત, ચિત્ર, સાહિત્ય આ બધાં કળા સ્વરૂપોમાં સરકાર કે સંગઠન કે જ્ઞાતિ-જાતિના લોકોનો દુરાગ્રહ ચાલી શકે નહીં. ઇન્ટરનેટના યુગમાં લોકોને જે જોવું કે સાંભળવું હોય તે અનસેન્સર્ડ વર્ઝનમાં માણવા મળી જ જાય છે. જ્યારે દેશ બદલાઇ રહ્યો છે ત્યારે સેન્સર બોર્ડ અને તેના જેવી માનસિકતા ધરાવતા લોકોએ પણ બદલાવું જ રહ્યું.