ભારતના રાજકીય માહોલ પર નજર ફેરવશો તો તમને બધું ઊંધુંચત્તું જ થતું જોવા મળશે. મતલબ કે રાજકીય પક્ષો કે નેતાઓ દ્વારા જે કંઇ બોલવામાં આવતું હોય એ બિલકુલ કરવામાં જ આવતું નથી, અને જે કંઇ કરવામાં આવે છે તેની ક્યારેય ચર્ચા પણ થતી નથી. ભારતીય રાજકારણમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, લાલબહાદુર શાસ્ત્રી જેવા નેતાઓના સપનાઓની, સાદગીની વાતો તો ગાઇવગાડીને થાય છે, પરંતુ આચરણમાં ભાગ્યે જ ક્યાંય તેનો અમલ થતો જોવા મળશે. આવું જ કંઇક આમ આદમી માટે જોવા મળે છે. જ્યારે પણ કોઇ મુદ્દે ચર્ચા - અલબત્ત રાજકીય જ તો - છેડાય છે ત્યારે તેના કેન્દ્રમાં આમ આદમી જ હોય છે, પરંતુ વાસ્તવિક રાજકારણમાં આમ આદમી ક્યાંય શોધ્યો મળતો નથી. ચૂંટણીવેળા મતદાન કરનારાઓની કતાર સિવાય ભાગ્યે જ ક્યાંય આમ આદમી નજરે પડશે. ભારતીય રાજકારણમાં સામાન્ય માનવીનું કેટલું મહત્ત્વ છે તે સમજવા માટે ગયા મહિને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી શ્રેષ્ઠ ઉદાહરણ પુરવાર થઇ શકે તેમ છે.
સંસદના ઉપલા ગૃહમાં કુલ ૫૭ સાંસદો ચૂંટાયા છે, જેમની ચરિત્રથી માંડીને આર્થિક સદ્ધરતાના લેખાજોખા કરતાં જાણવા મળ્યું છે કે તેમની સરેરાશ સંપતિ લગભગ ૩૬ કરોડ રૂપિયા છે. સાથે સાથે જ આ ૫૭માંથી ૧૩ની સામે ગુનાહિત કેસો પણ નોંધાયેલા છે. આવું કંઇ પહેલી વખત નથી થયું કે સાંસદોની યાદીમાંથી આમ આદમી ‘લાપત્તા’ હોય. ભારતીય રાજકારણનો એ શિરસ્તો બની ચૂક્યો છે કે દરેક રાજકીય પક્ષમાં ધનાઢય કે વગદાર લોકોને જ મહત્ત્વ મળી રહ્યું છે. ચૂંટણી લડવાની ટિકિટ કોને મળે છે? તો કહે... રાજનેતાઓના દીકરા-દીકરીઓને, પત્નીઓને, સાળાઓને કે ભત્રીજાઓને અથવા તો પછી ઉદ્યોગપતિઓને કે પછી ટોચના અધિકારીઓને! ચૂંટણી જીત્યા બાદ આ જનપ્રતિનિધિ ક્યારેક દિલ્હીના વૈભવી વિસ્તાર એવા લુટિયન્સ ઝોનમાં ક્યારેક બંગલો માટે ધમાચકડી મચાવતા જોવા મળે છે તો ક્યારેક વેતન-ભથ્થા વધારવાની માગણી કરતા. સંસદમાં આમ આદમીના મુદ્દા પર ક્યારેય પણ ચર્ચા થાય છે ત્યારે આ ‘ખાસ’ લોકો સંસદમાં હાજર જ હોતા નથી. આનાથી ઉલ્ટું, આ મહાનુભાવો આમ આદમીના ટેક્સથી ચાલતી સંસદની કેન્ટીનમાં મેળાવડો માંડીને બેઠેલા જોવા મળશે. સંસદની એક ટર્મ પૂરી થતાં સુધીમાં તો આ કહેવાતા લોકપ્રતિનિધિઓની સંપત્તિ ૧૦થી ૧૫ ગણી વધી જાય છે, પરંતુ કોઇ ‘હાઇકમાન્ડ’ તેમને એ પૂછવાનું જરૂરી નથી સમજતું કે તમારી સંપત્તિમાં આટલો વધારો થવાનું કારણ શું છે.
આ બધાનો મતલબ શું? એ જ ને કે ભારતીય રાજકારણની ‘પરંપરા’ને તોડવાનું આસાન નથી. વડા પ્રધાન પદની ખુરશી પર ખેડૂતનો દીકરો બેસી જાય કે પછી ચાય વેચનારનો, રાજકારણનું સંચાલન કરનારી જમાત પોતાનું અલગ જ તંત્ર જમાવી ચૂકી છે. એવું નથી કે ધનિક લોકોને રાજકારણમાં આવવાનો અધિકાર નથી. લોકશાહી શાસનપ્રણાલિ અમીર-ગરીબ વચ્ચે કોઇ પણ પ્રકારનો ભેદભાવ કરતી નથી, પરંતુ જ્યારે આ દેશના ૮૦ ટકા સંસદસભ્યો કરોડપતિ હોય ત્યારે સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે ગરીબોની સાંભળનારું છે કોણ? ઉમેદવાર સામે ગંભીર આરોપો હોવા છતાં આવા લોકોને ટિકિટ કેમ આપવામાં આવે છે?
જો રાજકીય પક્ષો સમય વર્તીને તેની નીતિરીતિ નહીં બદલે, આચાર-વિચારમાં સમાનતા નહીં આણે તો એ દિવસો દૂર નથી જ્યારે સંસદમાં આમ આદમી માટે, ગરીબ માટે બેઠકો અનામત રાખવાની માગ સાથે આંદોલનના મંડાણ થશે.