દિલ્હીની શાસનધૂરા સંભાળતી આમ આદમી પાર્ટી (‘આપ’)ની કેજરીવાલ સરકારની રહીસહી આબરૂને વધુ એક ફટકો પડ્યો છે. સુશાસન કે કામગીરીના બદલે જુદા જુદા તિકડમ ને નિવેદનોના કારણે વધુ સમાચારોમાં રહેતી ‘આપ’ આ વખતે ચૂંટણી પંચની ઝપટે ચઢી છે. ભારતીય બંધારણમાં લાભના પદ (ઓફિસ ઓફ પ્રોફિટ) માટે સ્પષ્ટ વ્યાખ્યા છે. તેના પરિશિષ્ટ ૧૦૨ (એક) હેઠળ સાંસદ કે ધારાસભ્ય એવા કોઇ અન્ય હોદા પર ન રહી શકે જ્યાં વેતન, ભથ્થાં કે અન્ય પ્રકારના લાભ મળતા હોય. છતાં કેજરીવાલ સરકારે તેના ૨૧ ધારાસભ્યને સંસદીય સચિવ પદની લ્હાણી કરી હતી.
રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચની ભલામણ પર મત્તું મારતાં જ દિલ્હી વિધાનસભામાંથી ‘આપ’ના ૨૦ ધારાસભ્યોની બાદબાકી થઇ ગઇ છે. ૭૦ સભ્યોના ગૃહમાં ૬૭ બેઠકોની પ્રચંડ બહુમતી હોવાથી સરકારના પતનનો તો ખતરો નથી, પરંતુ અહીં વાત રાજકીય અધ:પતનની છે. આમ આદમી પાર્ટી - કોર્ટમાં કાનૂની જંગ લડીને આ ધારાસભ્યોના હોદ્દા બચાવવામાં સફળ થશે તો પણ એ વાત ખુલ્લી પડી જ ગઇ છે કે તે પણ અન્ય પક્ષોની માત્ર સત્તા અને હોદ્દાનું રાજકારણ રમે છે.
આમ આદમી પાર્ટી જે ઉચ્ચ નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો સાથે રચાઇ હતી, અને લોકોએ તેને જે અપેક્ષા સાથે ખોબલા મોઢે મત આપ્યા હતા તેનો આ ઘટનાક્રમ સાથે ક્યાંય તાલમેલ જણાતો નથી. ‘આપ’ની સ્થાપના વખતે કેજરીવાલ સાથે જોડાયેલા મોટા ભાગના સાથીદારો આજે કાં તો પક્ષ છોડી ગયા છે કાં તો તેમને ખૂણામાં ધકેલી દેવાયા છે. કેજરીવાલ મુઠ્ઠીભર વફાદારોના જોરે પક્ષ કે સરકાર ચલાવવામાં સફળ રહે તો પણ લોકનજરમાંથી તો ક્યારના ઉતરી ગયા છે.
‘આપ’ની અધોગતિ આમ તો ભારતીય રાજકારણનું કરુણ પ્રકરણ ગણાવી શકાય. આમ ભારતીય કેટલાય વર્ષોથી એક એવા રાજકીય વિકલ્પની તલાશમાં હતા જે પ્રજાનું હિત નજરમાં રાખીને નિર્ણય કરે, સુશાસન આપે. લોકો સત્તાલક્ષી રાજકારણ રમતા પક્ષોથી છૂટકારો ઝંખતા હતા. પ્રજાજનો તેમની વચ્ચે એવા નેતાઓ ઇચ્છતા હતા જેઓ વંશવાદ કે કાવાદાવાના જોરે નહીં, પણ આમ આદમીને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવીને જાહેર જીવનમાં આગળ વધ્યા હોય. દેશવાસીઓ રાજકારણમાં યુવા નેતૃત્વ ઇચ્છતા હતા કે જે નૂતન વિચાર અને અદ્યતન ટેક્નોલોજીનો સમન્વય સાધી કલ્યાણકારી યોજનાઓ સાકાર કરે. આ દરમિયાન અન્ના હઝારેના આંદોલન વેળા અરવિંદ કેજરીવાલ હીરો બનીને ઉભર્યા, અને રાજકારણ પ્રવેશની જાહેરાત કરી. હઝારેએ તેમની સાથે છેડો ફાડ્યો, છતાં લોકોનો કેજરીવાલમાં વિશ્વાસ જળવાયો. દેશમાં પ્રવર્તતા સત્તાલક્ષી રાજકીય માહોલમાં ‘આપ’ આશાનું કિરણ બનીને ઉભર્યો હતો. આમ આદમીથી માંડીને બુદ્ધિજીવી વર્ગ પણ ‘આપ’ અને તેની વિચારધારાથી અભિભૂત હતો. ચળવળકારોથી માંડીને ઉદ્યોગપતિઓ અને કર્મશીલોથી માંડીને એક્ઝિક્યુટિવ્સ ‘આપ’માં જોડાયા. દિલ્હીની પ્રજાએ ૭૦ સભ્યોના ગૃહમાં ૬૭ બેઠકોની વિક્રમજનક બહુમતી સાથે ‘આપ’ને રાજ્યની શાસનધૂરા સોંપી હતી અને છતાં પક્ષ લોકોની અપેક્ષા અનુસાર કામ કરવામાં ઊણો ઉતર્યો છે. એકહથ્થુ કામગીરી, મનઘડંત નિર્ણયોનું પરિણામ ૨૦ ધારાસભ્યોની બરતરફીમાં જોવા મળે છે.
સિદ્ધાંત અને મૂલ્યો આધારિત રાજકારણનો વિકલ્પ પૂરો પાડવાનો ‘આપ’નો વિચાર તો ક્યારનો મૃતઃપ્રાય થઇ ગયો છે. આજની ‘આપ’ તો તે મૂળભૂત વિચારોનું અચેતન માળખું માત્ર છે. કેજરીવાલ ગમે તેટલા પ્રયાસ કરે, પોતાની નીતિ-રીતિમાં, કાર્યપદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન નહીં આણે ત્યાં સુધી તેમાં ચેતનાનો સંચાર શક્ય જણાતો નથી. કેજરીવાલે લોકોની આશા-અપેક્ષાથી વિપરિત સત્તાલક્ષી રાજકારણ કરીને એક એવી સોનેરી તક વેડફી નાખી છે, જે ભારતના રાજકારણનો માહોલ બદલી નાખવા માટે સક્ષમ હતી. ૨૦ ધારાસભ્યો ગેરલાયક ઠરતાં હવે દિલ્હીમાં પેટા-ચૂંટણીઓ પણ યોજાશે. ‘આપ’ પેટા-ચૂંટણીમાં તમામ બેઠકો ફરી જીતી જશે તો પણ કેજરીવાલે યાદ રાખવું રહ્યું કે બૂંદ સે બિગડી હોજ સે નહીં સુધરતી. દિલ્હીના જ નહીં, ભારતભરના મતદારો તેમના શબ્દોને હવે શંકાની નજરે જ તોળશે એ નક્કી છે.