ભારતના નેતાઓની એક ખાસિયત ઉડીને આંખે વળગે તેવી છે કે ભલે તેઓ કંઇ કરે કે નહીં, પરંતુ દેખાડો જરૂર કરતા રહે છે. જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે ચિંતિત હોવાનું દેખાડવા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. આપણે મહિલા અનામત ખરડાની જ વાત કરીએ. છેલ્લા પાંચ દસકાથી સંસદથી લઇને સડક સુધી તે ચર્ચામાં રહ્યો છે. એક દસકો કોંગ્રેસ સરકારે રાજ કર્યું. અનેક વખત વખત મહિલા અનામતનો મુદ્દો સંસદના બન્ને ગૃહોમાં ગાજ્યો, પરંતુ ખરડો ક્યારેય કાયદો બન્યો નહીં. હવે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવીને મહિલા અનામત ખરડાની યાદ અપાવી છે. જો સોનિયા ગાંધીએ ધાર્યું હોત તો કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં જ તેને મંજૂર કરાવી શકતા હતા. લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે પણ મહિલા અનામત ખરડો પસાર કરાવવાની વાતો જોરશોરથી કરી હતી. આજે મોદી સરકાર રચાયાને સાડા ત્રણ વર્ષ પૂરા થવાની તૈયારીમાં છે, પરંતુ ખરડો ગૃહમાં મંજૂર થવાના કોઇ અણસાર નથી. કારણ સ્પષ્ટ છે, અને સહુ કોઇ જાણે છે. મહિલા અનામત મુદ્દે રાજકીય પક્ષો - નેતાઓ જાહેરમાં ભલે કંઇ પણ કહે, પરંતુ એકાદ-બે પક્ષને બાદ કરતાં ભાગ્યે જ કોઇ પક્ષને આ ખરડો પસાર કરાવવામાં રસ છે. ના તો જે પક્ષોનું સુકાન પુરુષોના હાથમાં છે તેમને અને ના તો જે પક્ષોનું સુકાન માયાવતી કે મમતા બેનરજી જેવા મહિલા નેતાઓના હાથમાં છે તેમને.
સંસદીય રાજકારણના અભ્યાસુઓ જાણે છે કે મહિલા અનામત ખરડાને મંજૂર કરાવવાનું કામ અઘરું નથી. ભાજપ-કોંગ્રેસ અને અનામત સમર્થક પક્ષો એકસંપ થઇને ગણતરીની મિનિટોમાં આ ખરડો ગૃહમાં મંજૂર કરાવી શકે છે. પરંતુ ખાટલે મોટી ખોડ આ માટે જરૂરી ઇચ્છાશક્તિની છે. સાંસદોના વેતન-ભથ્થા અને સુવિધાઓ સંબંધિત ખરડા ગણતરીની મિનિટોમાં મંજૂર થઇ જ જાય છેને?! લોકસભામાં ૫૪૩ સાંસદોમાં માત્ર ૬૧ મહિલા છે. મતલબ કે માત્ર ૧૧ ટકા. અડધી વસ્તીને સમાન હક દેવાના નારા અને દાવા વચ્ચે આ નાનકડો આંકડો ઘણું કહી જાય છે. જાહેરમાં હંમેશા મહિલા અનામત ખરડાનું સમર્થન કરતાં ભારતના રાજકીય પક્ષોએ એક પહેલ સ્વેચ્છાએ કરવા જેવી છે. ખરડો મંજૂર થાય કે ન થાય, તેમણે મહિલા ઉમેદવારો માટે ૩૩ ટકા ટિકિટ ફાળવવાનું શરૂ કરી દેવું જોઇએ. કોઇ પક્ષે અત્યાર સુધી આવું ‘ક્રાંતિકારી’ પગલું ભર્યું નથી. કેમ? સવાલો તો ઘણા છે, પણ જવાબ આપનારું કોઇ નથી.