જમ્મુ અને કાશ્મીરના પંપોરમાં સેનાના કાફલા પર થયેલા આતંકી હુમલામાં વધુ ત્રણ જવાનો શહીદ થયા છે. રાજ્યમાં આ વર્ષે થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં ૮૭ જવાનો શહીદ થઇ ચૂક્યા છે. આમાંથી ૭૧ તો માત્ર કાશ્મીર ખીણમાં શહીદ થયા છે. શહીદોમાં છ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ૨૦૦૮ પછી એક જ વર્ષમાં સુરક્ષા દળોની શહીદીનો આ સૌથી મોટો આંકડો છે. ગયા સપ્ટેમ્બરમાં ઉરીમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલામાં જ ૧૯ જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને અનેક આતંકી કેમ્પોનો સફાયો કર્યો હતો. આ લશ્કરી કાર્યવાહી બાદ સુરક્ષા દળો પર આતંકી હુમલા વધી ગયા છે, તો ભારતીય જવાનો પણ સામી છાતીએ તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. જવાનો પોતાના જીવનનું બલિદાન આપીનેય કાશ્મીરીઓના જાનમાલનું રક્ષણ કરી રહ્યા છે, પરંતુ રાજ્યના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીને આ વાતની કદર હોય તેમ લાગતું નથી. જો આવું ન હોત તો તેમણે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર મરાયેલા ખાલિદ મુઝફ્ફર વાનીના પરિવારનું નામ સરકારી વળતરના લાભાર્થીઓની યાદીમાં ઉમેર્યું ન હોત. ગયા જુલાઇમાં ભારતીય સેનાએ ગોળીએ દીધેલા હિઝબુલ મુજાહિદ્દીનના કુખ્યાત ત્રાસવાદી બુરહાન વાનીનો ભાઇ ખાલિદ પણ ત્રાસવાદી જ હતો. મહેબૂબા મુફ્તીએ ખાલિદના પરિવારજનો માટે ૪ લાખ રૂપિયાની સહાય જાહેર કરીને એક પ્રકારે ત્રાસવાદીઓને થાબડભાણાં જ કર્યા છે. મુખ્ય પ્રધાનનું આ પગલું તેમની - અલગતાવાદી - માનસિકતા છતી કરે છે.
સુરક્ષા દળો સાથેની અથડામણમાં બુરહાન ઠાર મરાયા બાદ અલગતાવાદીઓએ કાશ્મીર માથે લીધું હતું. લગભગ અઢી મહિના રાજ્યમાં ઠેર ઠેર પથ્થરમારો અને આગજની સાથે વિરોધ પ્રદર્શનનો દૌર ચાલ્યો હતો. ૯૬થી વધુનો ભોગ લેનાર આ હિંસક પ્રદર્શન વેળા સુરક્ષા દળોએ તોફાનીઓને નાથવા પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો. જેમાં વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી મહિલાઓ અને બાળકો ઇજાગ્રસ્ત થયાં. કેટલાકે આંખો ગુમાવી હતી. આથી માગ ઉઠી કે સરકારે ઇજાગ્રસ્તોની સારવાર કરાવીને તેમને વળતર આપવું જોઇએ. રાજ્યની પીડીપી-ભાજપની યુતિ સરકારે નરમ વલણ અપનાવ્યું. નિવેદન કર્યું કે આતંકવાદી અલગ છે, અને આતંકવાદીઓના પરિવાર અલગ છે. ક્ષણિક આવેગ-ઉશ્કેરાટમાં આવી જઇને સુરક્ષા દળોનો વિરોધ કરનારા આતંકવાદી નથી. આ સાથે જ છાને ખૂણે ગણગણાટ થવા લાગ્યો હતો કે સુરક્ષા દળોની કાર્યવાહીમાં માર્યો ગયેલો ખાલિદ આતંકવાદી નહોતો, એ તો વિરોધ કરતા દેખાવકારોમાંનો એક હતો.
પાઘડીનો વળ હવે છેડે આવ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા કે ઇજા પામેલા લોકોને વળતર આપવા માટે તૈયાર થયેલી સરકારી યાદીમાં ખાલિદ વાનીના પરિવારનું પણ નામ છે. હદ તો એ છે કે સુરક્ષા દળોનું સ્પષ્ટ કહેવું છે કે ખાલિદ માત્ર દેખાવકાર નહોતો, તે આતંકવાદીઓનો સમર્થક અને મદદકર્તા હતો. ખાલિદ આતંકીઓને માલસામાન પહોંચાડવા પ્રયાસ કરી રહ્યો ત્યારે જ સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર મરાયો હતો.
ભારતીય સેના જે વ્યક્તિને આતંકવાદી ઠરાવતી હોય તે અભિપ્રાયની વિરુદ્ધ જઇને આતંકીના પરિવારને મદદ પહોંચાડવી તેને તો વરવો રાજકીય સ્વાર્થ જ ગણવો રહ્યો. જ્યારે સેના કહેતી હોય કે ખાલિદ વાની આતંકી હતો એટલે તે આતંકી હતો જ. સેનાની વાતમાં અવિશ્વાસને કોઇ સ્થાન જ નથી. બુરહાનના ત્રાસવાદી ભાઇના પરિવાર માટે સહાય જાહેર કરીને મહેબૂબા શું સાબિત કરવા માગે છે? ત્રાસવાદીના પરિવાર માટે તેને વ્યક્તિગત ભલે ગમેતેટલી હમદર્દી હોય પણ તેને સરકારી સહાય શા માટે જાહેર કરવી જોઇએ? મહેબૂબા આ સહાય જાહેર કરીને ભારતીય સેના અને તેના જવાનોનું અપમાન કરી રહ્યા છે. ખરેખર તો આતંકવાદને કોઇ પણ સંજોગોમાં માફ કરી શકાય નહીં. આતંકવાદના મુદ્દે એક નીતિ હોવી જોઇએઃ જેવા સાથે તેવા. આ મુદ્દે કોઇ સમજૂતી થઇ શકે જ નહીં.