દસ વર્ષ બાદ બ્રિટન ફરી એક વખત ૨૨ મેના રોજ આતંકવાદી હુમલાથી ખળભળી ઉઠ્યું. એક હુમલાખોર આ વિસ્ફોટ થકી તેનો બદઇરાદો પાર પાડવામાં ભલે સફળ રહ્યો, પણ તે બ્રિટનવાસીના જુસ્સા, હિંમતને તોડી શક્યો નથી એ હકીકત છેને? લોકોનો આ અભિગમ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સક્રિય સુરક્ષા એજન્સીઓ પ્રત્યેનો ભરોસો દર્શાવે છે. આમ પ્રજાને દેશની સુરક્ષા એજન્સીઓની કાબેલિયતમાં ભરોસો હોવો આવકાર્ય છે, પરંતુ નિષ્ણાતોના મતે સુરક્ષા એજન્સીઓ આતંકી હુમલાના ખતરાને જોતાં આવશ્યક પગલાં લેવામાં ઊણી ઉતરી છે. સુરક્ષા એજન્સીઓએ માંચેસ્ટર એરિનામાં થયેલા વિસ્ફોટ સંદર્ભે કલાકોમાં જ ૧૨થી વધુ લોકોની અટકાયત કરી, અનેક લોકોની પૂછપરછ કરી અને ૫૦૦થી વધુ સ્થળે સર્ચ ઓપરેશન્સ હાથ ધર્યાના અહેવાલ છે. પરંતુ આટલી સતર્કતા, ચપળતા અગાઉ દાખવી હોત તો?
આપણી સુરક્ષા સંબંધિત શ્રેણીબદ્ધ પગલાં છતાં ૨૨ લોકોનો ભોગ લેનારા માંચેસ્ટર વિસ્ફોટની ઘટનામાંથી મળતાં સંકેતોની ગંભીરતા લેશમાત્ર ઘટી જતી નથી. અમેરિકાનું જ ઉદાહરણ જોઇએ. ૨૦૦૧માં ૧૧ સપ્ટેમ્બરે અમેરિકામાં સૌથી ગોઝારો ત્રાસવાદી હુમલો થયો. આ ઘટના પછી આતંકીઓ અમેરિકામાં એવો બીજો હુમલો કરવામાં ફાવ્યા નથી. આનું કારણ એ છે કે અમેરિકી સુરક્ષા તંત્રે ત્રાસવાદી હુમલો થઈ શકે તેવા તમામ સંભવિત કારણો ઊગતાં જ ડામી દીધા છે. આની સામે બ્રિટન ઘરઆંગણે થયેલા હુમલામાંથી કોઇ બોધપાઠ ભણ્યાનું જણાતું નથી. માન્ચેસ્ટર વિસ્ફોટ પહેલાં અને ૨૦૧૦ પછી બ્રિટનમાં છુટાછવાયા, નાનામોટા પાંચ આતંકી હુમલા થઇ ચૂક્યા છે. અમેરિકાએ તેની ધરતી પર ઇસ્લામિક આતંકવાદને ડામવા આકરાં પગલાં લેવામાં કોઇ કસર છોડ્યાનું જણાતું નથી, પરંતુ બ્રિટનમાં આવાં પગલાં લેવાયાનું જણાતું નથી. પ્રજા પ્રત્યે માનવીય અભિગમ, માનવાધિકારોનું જતન સારી બાબત છે, પરંતુ તેના ઓઠાં તળે આતંકી સાપોલિયાં તો નથી ઉછરી રહ્યાને તે પણ જોવું જોઇએને? એકલા હાથે આતંકી ષડયંત્ર પાર પાડવાનો મનસૂબો ધરાવતા લોન વુલ્ફ એટેકેરને બદઇરાદો પાર પાડતાં પૂર્વે ઝડપી લેવાનું મુશ્કેલ અવશ્ય હશે, પરંતુ ગુપ્તચર તંત્રનું નેટવર્ક મજબૂત હોય તો તે અશક્ય પણ નથી.
માંચેસ્ટરમાં વિસ્ફોટની આ ઘટના સ્પષ્ટ કરે છે કે આતંકવાદનો અજગર દુનિયાને ભરડામાં લઇ રહ્યો છે. ભારત, ઇરાક, સીરિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બીજા એશિયાઇ દેશોની સાથે યુરોપ અને ઓસ્ટ્રેલિયા પણ તેમાંથી બાકાત નથી.
અહીં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે તમામ પ્રયાસો છતાં આતંકવાદ અટકતો કેમ નથી? શા માટે નવા નવા આતંકવાદી સંગઠનો જન્મ લઇ રહ્યા છે? તેમણે નાણાં અને શસ્ત્રો કોણ પૂરાં પાડે છે? આ પ્રશ્નોના જવાબ શોધવાનું એટલું મુશ્કેલ નથી જેટલું મુશ્કેલ આતંકવાદ સામે લડનારા દેશોનું એક સંપ થવાનું છે. યુનાઇટેડ નેશન્સથી માંડીને અમેરિકા અને તમામ યુરોપીયન દેશો આતંકવાદને નાબૂદ કરવાની વાતો તો કરે છે, પણ આ માટે જરૂરી સહિયારા પ્રયાસો કરવા કોઇ આગળ આવતું નથી. કોઇ દેશ ભલેને ગમેતેટલો શક્તિશાળી કેમ ન હોય, પરંતુ તે એકલા હાથે આતંકવાદને ખતમ નથી જ કરી શકવાનો. આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અમેરિકા છે. તે પૃથ્વીના પટ પરથી આતંકવાદનો સફાયો કરવાની જોરશોરથી વાતો તો કરે છે, પરંતુ સહુને સાથે રાખીને ચાલવા માગતું નથી. ક્યારેક કોઇ સંગઠન પર પ્રતિબંધ લાદે છે તો ક્યારેક ઉઠાવી લે છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ‘બિગ બોમ્બ’ ફેંકીને એવું માની લેવાની જરૂર નથી કે આનાથી આતંકવાદી સંગઠનો હામ હારી જશે, તેમનો જુસ્સો ભાંગી પડશે. દુનિયાના તમામ શાંતિપ્રિય દેશો - આતંકવાદનો સફાયો કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે - એકસંપ થઇ વ્યૂહાત્મક રણનીતિ ઘડીને તેનો અમલ કરશે ત્યારે જ સફળતા સાંપડશે.
માંચેસ્ટરમાં થયેલો વિસ્ફોટ શાંતિપ્રિય દેશો માટે, માનવતા માટે ખતરાની ઘંટડીસમાન છે. આ આત્મઘાતી વિસ્ફોટ આપણને એ વાતનો અહેસાસ કરાવે છે કે આતંકવાદ અટકવાના બદલે તેનો પંજો ફેલાવી રહ્યો છે. દુનિયામાં તબાહી મચાવવા માટે જો આતંકવાદી સંગઠનો એક થઇ શકતા હોય તો શાંતિ ઇચ્છતા દેશો કેમ એક મંચ પર આવી નથી શકતા? આ કોઇ જટિલ રાજદ્વારી કે રાજકીય મુદ્દો તો છે નહીં કે જેનો કોઇ ઉકેલ શોધી ન શકાય. જરૂર પડ્યે યુનાઇટેડ નેશન્સે પણ પહેલ કરીને આ મુદ્દે પર સક્રિય ભૂમિકા નિભાવવી જોઇએ.