૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. એક રીતે જોઈએ તો માનવીનો જન્મ થાય ત્યારે તેની રોવાની ભાષા સાર્વત્રિક અથવા તો યુનિવર્સલ હોય છે પરંતુ, ઉછેર અને સહવાસ થકી તેની ભાષાનો વિકાસ થાય છે. એમ કહેવાય છે કે માનવી કદી માતૃભાષાને ભૂલતો નથી. પીડા કે દુઃખ અથવા શોક કે આઘાત દર્શાવવાનો હોય ત્યારે તે માતૃભાષામાં જ વ્યક્ત થાય છે.
કવિ અરદેશર ફરામજી ખબરદારે ગાયું છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.’ ગુજરાતી પ્રજા જ્યાં પણ જાય પોતાની સંસ્કૃતિ, પરંપરા, અસ્મિતા અને ભાષાને સાથે લઈ જાય છે, તેનું સંવર્ધન કરે છે. ગુજરાતીઓ કોઈ પણ સ્થળે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે છતાં, પારસી લોકોની જેમ પોતાની ગુજરાતીતાને જાળવી પણ જાણે છે. મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોષીએ ગુજરાતી ભાષાને ‘ગાંધીગિરા’ ગણાવી છે. દરેક ભાષાની માફક ગુજરાતી ભાષાનો પણ અલગ અંદાજ અને મિજાજ છે. વિશ્વના ૨૦૩ દેશોમાંથી ૧૯૦ જેટલા દેશોમાં તમને ગુજરાતી ભાષાનો લહેંકો અવશ્ય સાંભળવા મળે. આ હિસાબે તો વિશ્વની અગત્યની ભાષાઓમાં ગુજરાતી ભાષા ૧૬મા ક્રમે આવે છે. વિજ્ઞાન કહે છે કે માનવીના દિમાગમાં એકથી વધુ ભાષાઓ શીખવાની ક્ષમતા હોય છે અને તરાશવાથી ક્ષમતા વધુ વિકસે છે. આવતી કાલનું ભવિષ્ય યુવાપેઢી આજે ઇંગ્લિશમાં શિક્ષણ મેળવે છે અને સાથોસાથ ફ્રેન્ચ, જર્મન અને મેન્ડરિન ચાઇનીઝ જેવી વૈકલ્પિક ભાષાઓના વર્ગો ભરી ફાકડું બોલવા પ્રયત્ન કરે છે તેમાં કોઈ વાંધો નથી. વાંધો કે વિરોધ માત્ર માતૃભાષાને હડસેલો મારવા સામે છે. વિશ્વ સંકોચાતું જાય છે તેની સાથે અંગ્રેજી ભાષાનું મહત્ત્વ પણ વધતું ગયું છે તેને નકારી શકાશે નહિ. આમ છતાં, દુનિયાના ૧૮૦ દેશોમાંથી માત્ર બાર દેશોમાં જ અંગ્રેજી ભાષામાં વ્યવહાર ચાલે છે. ૧૬૮ દેશો તો પોતાની માતૃભાષામાં જ વ્યવહાર કરતા હોય છે. ફ્રાન્સની વાત કરીએ તો ફ્રેન્ચ લોકોને અંગ્રેજીમાં કોઈ પૂછપરછ કરવામાં આવે તો તેઓ નાકનું ટીંચકું ચડાવી કોઈ ઉત્તર વાળતા નથી આનું કારણ તેમનો માતૃભાષા પ્રત્યે વિશેષ પ્રેમ છે.
યુકેની વાત કરીએ તો, ૪૦૦ જેટલી નાની સંસ્થાઓ સરકારની સહાય વિના પણ ગુજરાતી ભાષાના વર્ગો ચલાવે છે. સ્વામિનારાયણ કે સનાતન ધર્મ સંસ્થાન સહિતની સંસ્થાઓ પણ દીવામાં ઘી પૂરતાં રહેવાનું સદ્કાર્ય કરતા રહે છે. કોઈ પણ પરિવારમાં માતા જ સંસ્કારવાહિની છે. સંતાનોને ઘરમાં ગુજરાતી બોલવાનું શીખવવું તે જ સંસ્કાર આપવાનું કાર્ય છે. પંદર જેટલી ભાષાઓ જાણનાર સંત વિનોબા ભાવે કહેતા હતા કે મારી માતાએ જ મારી માતૃભાષાનો પાયો નાખ્યો, તેથી હું આટલું ભણી શક્યો, આટલી ભાષાઓ સુધી પહોંચી શક્યો. દરેક વિદ્યાર્થી ગુજરાતી વાંચતા અને બોલતા શીખશે તો આ સંસ્કૃતિનું જતન કરવામાં પાછીપાની નહિ કરે. ભાવનાત્મક જોડાણ હોય તો માનવીને લાંબા ગાળે પણ માતૃભાષા યાદ રહે છે. બધા જ સંશોધકો એક વાતે સ્પષ્ટ છે કે માતૃભાષાના સતત પરિચયમાં રહેવું જરૂરી છે, જોકે, વર્તમાન સંજોગો એવા છે કે ૧૨થી ૧૫ ટકા ગુજરાતી છોકરીઓ અંગ્રેજીભાષી છોકરાઓ સાથે લગ્ન કરે છે અને તેમના મિશ્ર સંસ્કાર સંતાનોને માતૃભાષાથી વિમુખ કરી દે છે.
જ્યારે સામાન્ય પ્રજા ભાષાનું ગૌરવ કરતી થશે ત્યારે જ માતૃભાષાનું મૂલ્ય થશે. દરેક ભાષાની પોતાની આગવી સમૃદ્ધિ, લાક્ષણિકતા, વારસો, લોકકથાઓ, કહેવતો, રૂઢિપ્રયોગો હોય છે. યુનેસ્કોના પૂર્વ ડાયરેક્ટર જનરલ કોઈચિરો માત્સુરાએ કહ્યું હતું કે, ‘આપણે માતા પાસેથી જે ભાષા શીખીએ છીએ તે આપણા આંતરિક વિચારોનો પાયો છે. દરેક માનવ સંસ્કૃતિ માટે તેની માતૃભાષા મૂલ્યવાન અને વિશિષ્ટ છે.’ લેન્ગ્વેજિસ સેન્સસ મુજબ, ભારતમાં ૧૯,૫૦૦થી વધુ ભાષા/બોલી છે. આપણા દેશમાં ૧૦,૦૦૦ કે તેથી વધુ લોકો દ્વારા બોલાતી હોય તેવી ૧૨૧ ભાષા છે. અસ્તિત્વનું જોખમ ધરાવતી ૧૯૬ ભારતીય ભાષા પુનર્જીવિત અને જોમવંતી કરવાની તાતી જરૂર છે. બંગાળી લોકોનો માતૃભાષા પ્રેમ જાણીતો છે. આપણે ગુજરાતી ભાષા પ્રત્યે આમ કરી શકીએ તો જીવન સાર્થક બની રહેશે.
એક સંશોધનનું તારણ એવું છે કે બાળકનો માતૃભાષા સાથે પરિચય સાવ કપાઈ જાય તો એ જન્મજાત ભાષા સંપૂર્ણપણે ભૂલી જાય છે. આમ, માતૃભાષાની તેની વ્યાખ્યા જ સદંતર બદલાઈ જાય છે. વતનથી દૂર જઈને વસવાનું થયાના ત્રણ-ચાર દશકા પછી લોકોનું માતૃભાષાનું શબ્દભંડોળ બહુ જ સીમિત થઈ જતું હોય છે અને ઘણા કિસ્સામાં લોકો બાળપણની ભાષા સાવ વિસરી જાય છે. આમ છતાં, સંપર્ક પુનર્જીવિત કરાય તો મૂળિયાં ચેતનવંતા બને છે. ‘ગુજરાત સમાચાર’ના જ્ઞાનયજ્ઞ થકી માતૃભાષાના મૂળિયાંને ફરી સજીવન કરવાનો સેવાયજ્ઞ આરંભાયો છે કારણકે ભાષા છે તો અસ્તિત્વ છે.