અમેરિકાના આખાબોલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું અત્યાર સુધીનું પહેલું સહિષ્ણુ કહી શકાય તેવું પ્રવચન આપ્યું છે. પ્રમુખપદની ચૂંટણી માટે દાવેદારી નોંધાવવાથી માંડીને પ્રમુખપદે ચૂંટાઇ ગયા પછી પણ - જ્યારે જ્યારે તેમણે બોલવા માટે મોં ખોલ્યું છે ત્યારે ત્યારે વિવાદનો વંટોળ ઉડાડ્યો છે. જોકે પહેલી માર્ચે તેમનું નવું જ સ્વરૂપ જોવા મળ્યું છે. સંસદના સંયુક્ત સત્રને સંબોધતા ટ્રમ્પે પ્રવર્તમાન ઇમિગ્રેશન નીતિના સ્થાને કેનેડા અને ઓસ્ટ્રેલિયાની જેમ મેરિટ આધારિત ઇમિગ્રેશન પદ્ધતિ દેશમાં લાગુ કરવાનો વિચાર રજૂ કર્યો છે. તેમના નિવેદને ભારતીયો સહિત વિશ્વભરના ઇમિગ્રન્ટ્સમાં રાહતની લાગણી ફેલાવી છે. આની સાથોસાથ ટ્રમ્પે કેન્સાસમાં ભારતીય એન્જિનિયરની હત્યાની નિંદા પણ કરી છે. હા, એ વાત અલગ છે કે તેમની વાત ધિક્કાર અને દ્વેષપૂર્ણ માનસિક્તા ધરાવતા લોકોએ કાને ધરી નથી, અને ભારતીયો પર હુમલાની વધુ ઘટના પોલીસ ચોપડે ચડી રહી છે. આ ઘટનાના બે જ દિવસ બાદ સાઉથ કેરોલિનાના લેન્કેસ્ટરમાં વડોદરાના વતની હરનીશ જાનીની ગોળીને હત્યા કરાઇ છે. આ પછી શીખ યુવાન પર ગોળીબાર થયો.
૪૦ દિવસના કાર્યકાળમાં ટ્રમ્પ સતત વિરોધીના નિશાન પર રહ્યા છે. આમાં પણ સૌથી વધુ વિરોધ તેમની ઇમિગ્રેશન પોલિસીનો થયો છે. કલમના એક જ ઝાટકે તેમણે સાત દેશના નાગરિકો માટે યુએસના દરવાજા બંધ કરી દીધા હતા. જો સ્થાનિક કોર્ટે દરમિયાનગીરી ન કરી હોત તો સેંકડો લોકોને એરપોર્ટ પરથી જ સ્વદેશ પરત ફરવું પડ્યું હોત. હવે તેમણે આ આદેશમાં સુધારો કરીને છ દેશના નાગરિકો માટે દેશના દરવાજા બંધ કર્યા છે. આવી એક ઘા ને બે કટકાની નીતિરીતિમાં માનનાર ટ્રમ્પે ઘોષણા કરી છે કે આપણે અમેરિકામાં મેરિટ આધારિત ઇમિગ્રેશન પદ્ધતિ લાગુ કરશું. આનાથી ભારત જેવા દેશોમાંથી આવનારા હાઇટેક પ્રોફેશનલ્સને સંભવતઃ ફાયદો થશે.
ટ્રમ્પના ભાષણને ઘણું ઉદાર ગણાવાઇ રહ્યું છે કેમ કે તેમણે પોતાની પ્રચલિત આક્રમક શૈલીથી વિપરિત સમાધાનકારી વલણ અપનાવ્યું છે. સત્તા સાથે શાણપણ આવ્યું હોય કે પછી સત્તા સંભાળવા સાથે વાસ્તવિક્તાનું ભાન થયું હોય, પણ ટ્રમ્પનું કહેવું છે કે જે લોકો આપણા દેશમાં આવવા ઇચ્છે છે તેઓ આર્થિક રીતે પોતાનો જીવનનિર્વાહ ચલાવવા સક્ષમ હોય તે જરૂરી છે. ટ્રમ્પના મતે, અકુશળ લોકોને દેશમાં આવવા દેવાની વર્તમાન પ્રણાલીને બંધ કરીને તેના સ્થાને મેરિટ આધારિત ઇમિગ્રેશન પ્રણાલીથી ઘણા લાભ થશે. આથી અમેરિકી ભંડોળ બચશે, કર્મચારીના વેતન વધશે તેમજ આ પદ્ધતિ રોજગારી માટે સંઘર્ષ કરી રહેલા પરિવારો માટે પણ લાભકારક બનશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય આઇટી કંપનીઓ એચ૧બી વિઝા પર મોટી સંખ્યામાં કર્મચારીને અમેરિકા મોકલે છે. હાલ એચ૧બી વિઝા ઇસ્યુ કરવાની મર્યાદા ૮૫ હજાર છે, પરંતુ ૨૦૧૫માં ૧.૭૨ લાખથી વધુ વિઝા ઇસ્યુ થયા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા મેરિટ બેઝ્ડ ઇમિગ્રેશન પદ્ધતિ અંતર્ગત દર વર્ષે ૧.૯૦ લાખ માઇગ્રેશન વિઝા આપે છે.
પરંતુ મિલિયન ડોલર પ્રશ્ન એ છે કે શું યુએસને આવી ઇમિગ્રેશન નીતિ પરવડે? ઓસ્ટ્રેલિયા અને કેનેડાની સરખામણીએ અમેરિકા વિશાળ છે, તેની જરૂરત વૈવિધ્યપૂર્ણ છે. ભારતથી અમેરિકા રોજગાર માટે જનારાઓમાં મોટા ભાગના એન્જિનિયરો, ડોક્ટરો કે જે તે ક્ષેત્રના નિષ્ણાતો હોય છે. પ્રમુખ ટ્રમ્પનું ભાષણ મુખ્યત્વે ઇમિગ્રેશન નીતિ કેન્દ્રીત હતું, જેના પરથી મનાય છે કે તેમના અભિગમમાં કંઈક અંશે બદલાવ આવ્યો છે. કેટલાક રાજદ્વારી વિશ્લેષકો નિષ્ણાતો તેમના આ ભાષણને તેઓ નરમ પડયાનો સંકેત માની રહ્યા છે. તો ભારતીય નિષ્ણાતોના મતે ટ્રમ્પના આ અભિગમથી ભારતીય સોફ્ટવેર કે અન્ય ઉદ્યોગો પર વિપરીત અસર નહીં પડે. અલબત્ત, કોઇએ એ ન ભૂલવું જોઇએ કે ચૂંટણી પ્રચારઝૂંબેશની જેમ જ તેમણે એ મુદ્દો પણ ભારપૂર્વક રજૂ કર્યો છે કે મોટી સંખ્યામાં અમેરિકનો બેરોજગાર છે અને આનું કારણ દુનિયાભરમાંથી આવતા વસાહતીઓ છે. એવો ટોણો પણ માર્યો છે કે અમેરિકાએ પોતાની રોજગારીની વિદેશોમાં નિકાસ કરી છે. તેમણે હુંકાર પણ કર્યો છે કે મને દુનિયાની પરવા નથી, હું અમેરિકાનો પ્રમુખ છું અને મારા માટે અમેરિકા અગ્રસ્થાને છે. તેઓ કંઇક એવું આયોજન કરી રહ્યા છે કે અમેરિકી કંપનીઓ તેનો કાચો માલ અમેરિકામાંથી ખરીદે... વગેરે વગેરે.
આ જ સંબોધનમાં તેમણે નવી ઇમિગ્રેશન પોલિસીની વાત કરી છે, પરંતુ સુરક્ષાનું શું? જે ભારતીયો કૌશલ્યના જોરે અમેરિકાની જરૂરિયાતો અને ભારતીય સોફ્ટવેર ઉદ્યોગને નવી ઊંચાઈએ લઇ જઇ રહ્યા છે તેમની સુરક્ષાની ગેરન્ટી કોણ આપશે? અમેરિકામાં હાલ સર્જાયેલા નફરતના માહોલથી ભારતીયોમાં અસલામતી પ્રવર્તે છે. ટ્રમ્પે કહે છે કે કોઇ પણ પ્રકારની નફરતને અમે વખોડીએ છીએ. કેન્સાસ શૂટિંગ કે યહૂદી સેન્ટર્સને ટાર્ગેટ બનાવવા અયોગ્ય છે.
પરંતુ આ જ પ્રમુખે કેન્સાસ ઘટનાના થોડાક દિવસ તો એક શબ્દ પણ બોલવાનું ટાળ્યું હતું. ટ્રમ્પનું મૌન ભારત જ નહીં, સમગ્ર દુનિયા માટે અસહ્ય હતું. અમેરિકાના રાજદ્વારીઓએ પણ તેમને આ ઘટના અંગે પ્રત્યાઘાત આપવા અપીલ કરી હતી, પણ વ્હાઈટ હાઉસને આ ઘટના અંગે નિવેદન આપતાં છ દિવસ લાગ્યા છે. દુનિયાભરમાં બહુમતી વર્ગ માને છે કે યુએસમાં આજે જે કંઇ વંશીય હિંસા અને નફરતની ઘટનાઓ જોવા મળે છે એના મૂળમાં ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વેળા વાવેલા ઘૃણા, દ્વેષના બીજ છે. ટ્રમ્પે સમજવું રહ્યું કે માનવ-માનવ વચ્ચે વેરઝેર વધારવાનું પાપ એવું છે જે સાત વાર ગંગાસ્નાન કર્યે પણ ધોવાતું નથી. આ માટે તેમણે અને તેમના તંત્રે નિષ્ઠાપૂર્વકના પ્રયાસ જ કરવા પડશે, લોકોનો - સવિશેષ તો ભારતીય સમુદાયનો - વિશ્વાસ જીતવો પડશે.