ભારતના પ્રજાજનો માટે અચ્છે દિનનું આગમન ક્યારે થશે એ તો સમય જ કહેશે, પરંતુ નરેન્દ્ર મોદી સરકાર માટે અત્યારે જ અચ્છે દિન આવી ગયા હોય તેવું લાગે છે. તાજેતરમાં વર્લ્ડ બેન્કે જારી કરેલા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ લિસ્ટમાં ભારતની ૩૦ ક્રમની છલાંગ, પછી પ્યૂના નામે જાણીતા અમેરિકી સંસ્થાન પીઇડબ્લ્યુના સર્વેમાં સર્વોચ્ચ સ્થાન મેળવતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને હવે મૂડીઝ દ્વારા ભારતના રેટિંગમાં સુધારો. આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે મોદી સરકારે લાગુ કરેલા નોટબંધી, જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સીસ) સહિતના સુધારાત્મક આર્થિક નિર્ણયોને બિરદાવ્યા છે. એટલું જ નહીં, ૧૩ વર્ષના લાંબા અરસા બાદ ભારતનું રેટિંગ પણ સુધાર્યું છે. દેશમાં આર્થિક સુધારાઓને ધ્યાનમાં લઇને મૂડીઝ ઇન્વેસ્ટર્સ સમિટે ભારતનું રેટિંગ્સ BAA3થી વધારીને BAA2 કર્યું છે. સાથે સાથે જ ભારતનું રેટિંગ આઉટલુક વધારીને સકારાત્મક કર્યું છે. ઉલ્લેખનીય છે કે કોઇ પણ દેશને વૈશ્વિક નાણાં સંસ્થાનો દ્વારા મળતાં ધિરાણોમાં તેમજ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)માં આ રેટિંગ નિર્ણાયક ભૂમિકા ભજવતું હોય છે. આ પૂર્વે મૂડીઝે ૨૦૦૪માં ભારતનું રેટિંગ વધારીને BAA3 કર્યું હતું. જ્યારે ૨૦૧૫માં રેટિંગ્સ આઉટલૂક ‘પોઝિટિવ’થી ‘સ્ટેબલ’ કર્યું હતું.
મૂડીઝે નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયો બદલ મોદી સરકારની જોરશોરથી પીઠ થાબડી છે. એજન્સીનું કહેવું છે કે સરકારના આ પગલાંથી ભ્રષ્ટાચાર ઓછો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને કર વસૂલાત તથા વહીવટી માળખું વધુ અસરકારક બનશે. જીએસટી જેવા આર્થિક સુધારા વિવિધ રાજ્યો વચ્ચેના વ્યાપાર અવરોધો દૂર કરીને ઉત્પાદક્તા વધારશે. સાથે સાથે જ તેણે બેન્કોનો હજારો કરોડનો બેડ લોનનો પ્રશ્ન ઉકેલવા માટે લેવાયેલા પગલાં, નોટબંધી, બાયોમેટ્રિક સિસ્ટમ માટે ‘આધાર’ કાર્ડ યોજનાનું વિસ્તરણ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સબસિડીની રકમ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવા જેવા પગલાં અર્થતંત્રમાં રહેલાં છીંડા પૂરવાનું કામ કરશે. મૂડીઝનું કહેવું છે કે આમાંથી મોટા ભાગના પગલાંની અસર દેખાતા સમય લાગશે. જોકે જીએસટી અને નોટબંધી જેવા પગલાંની અસર આગામી થોડાક સમયમાં જ દેખાવા લાગશે.
આર્થિક સુધારાઓના મુદ્દે છેલ્લા લાંબા સમયથી વિપક્ષની આકરી ટીકાનો સામનો કરી રહેલી મોદી સરકાર માટે મૂડીઝનો નિર્ણય જાણે ક્રિસમસ ગિફ્ટ બનીને આવ્યો છે. ભારતીય બજારોમાં પણ મૂડીઝના નિર્ણયની હકારાત્મક અસર જોવા મળી છે. ભારતીય શેરબજારમાં તેજીના આખલાએ પૂરપાટ દોટ મૂકી છે. તો ફોરેન કરન્સી બજારમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો છે. નાણાંપ્રધાન અરુણ જેટલીનો પ્રતિભાવ હતો કે ભારતના આર્થિક સુધારાઓ અંગે જે લોકોના મનમાં આશંકા છે તેમણે હવે પોતાના અભિપ્રાય પર પુનર્વિચાર કરવો જોઇએ.
પરંતુ મિ. ફાઇનાન્સ મિનિસ્ટરે એ ન ભૂલવું જોઇએ કે મૂડીઝે નિવેદનમાં જણાવ્યું છે કે તેણે રેટિંગ્સ અપગ્રેડ કરવાનો નિર્ણય એવી આશા સાથે લીધો છે કે આર્થિક અને માળખાગત સુધારણાની દિશામાં આગેકૂચ ચાલુ રહેશે, અને પરિણામસ્વરૂપ ભવિષ્યમાં ભારતમાં ઊંચા વૃદ્ધિદરની સંભાવના વધશે. સરકારી યોજનાઓ માટે વધુ મજબૂત અને સ્થિર આર્થિક આધાર તૈયાર થશે. જેનાથી મધ્યમ ગાળામાં સરકારી દેવાનો બોજ ઘટાડવામાં મદદ મળશે. રેટિંગ એજન્સીએ ચેતવણી પણ ઉચ્ચારી છે કે દેવાંનો વધુ પડતો બોજ હજુ પણ દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બની રહ્યો છે. કોંગ્રેસનું માનવું છે કે મોદીજી અને મૂડીઝ દેશનો મૂડ સમજવામાં નિષ્ફળ રહ્યા છે. પરંતુ કોંગ્રેસે એ ન ભૂલવું જોઇએ કે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સીઓ મૂડના આધારે નહીં, પણ આંકડાઓ, આર્થિક આયોજનો અને ભાવિ વિકાસની રૂપરેખાના આધારે જે તે દેશનું રેટિંગ નક્કી કરતી હોય છે. અને આ રેટિંગની વિશ્વભરમાં નોંધ લેવાતી હોય છે. આર્થિક સુધારાઓ મુદ્દે તેમને તલમાં કંઇક તેલ જણાયું હશે, અને તેથી જ ભારતનું રેટિંગ સુધાર્યું હશે.