ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરને સંસદીય કમિટી સમક્ષ પોતાની નિર્દોષતા પૂરવાર કરવાનો ઘણો પ્રયાસ કર્યો છે પરંતુ, તેમાં તો સફળ થયા નથી. બ્રિટિશરો જે શાલીન મૂલ્યો માટે જાણીતા છે તેનાથી વિરુદ્ધ પોતાના બચાવ માટે આરોપીના પિંજરામાં ઉભા રહેવું કોઈ પણ નેતા માટે શોભાસ્પદ ગણાય નહિ. કેમરન વિપક્ષમાં હતા ત્યારે તેમણે લોબિઈંગનો જોરશોરથી વિરોધ કર્યો હતો અને સત્તા મેળવ્યા પછી જે કાયદો ઘડાયો તેમાં તીક્ષ્ણ નહોરની બાદબાકી હતી. આ બાદબાકીનો જ તેમણે ભરપૂર લાભ ઉઠાવ્યો છે.
રાજકારણમાં પ્રવેશનો મૂળ હેતુ કે ઉદ્દેશ બદલાઈ ગયો છે. એક સમય એવો હતો કે લોકો સેવા કરવા માટે રાજકારણમાં આવતા હતા પરંતુ, હવે હાલત અને હાલાત એવાં બદલાયાં છે કે લોકો માલમલીદા ખાવા માટે રાજકારણનો હાથ પકડી રહ્યા છે. કોઈ બિઝનેસ કે ઉદ્યોગને વિના રોકટોક નાણા કમાવવાનો માર્ગ કરી આપવો તેમાં પ્રજા કે દેશની સેવા ક્યાં આવે છે તે સમજાતું નથી. શાસનદોર સંભાળવા માટે ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવાની દુહાઈઓ આપવામાં આવે છે અને સત્તા હાંસલ થયા પછી બધુ બદલાઈ જાય છે કારણકે ‘હાથીના દાંત ચાવવાના અને દેખાડવાના અલગ’ હોય છે. આજે ભ્રષ્ટાચાર સાર્વત્રિક બની ગયો છે. તેની હાજરી ‘અત્ર, તત્ર, સર્વત્ર’ વરતાય છે. રાજકારણને ઉમદા વ્યવસાય તરીકે અપનાવવા યુવા વર્ગ આગળ આવતો નથી તેવી ફરિયાદો થતી રહે છે પરંતુ, આની પાછળનું કારણ જ એ છે કે કોલસાની દલાલીમાં હાથ તો અવશ્ય કાળા થતા હોય છે.
આ માત્ર કેમરનની વાત રહી નથી કારણકે ‘હમામમેં સબ નંગે હૈ’. કેમરન સત્તા પર હતા ત્યારે તેમના ચાન્સેલર ઓસ્બોર્ન, નાયબ વડા પ્રધાન નિક ક્લેગ અને ચીફ સેક્રેટરી ડેની એલેકઝાન્ડરે દેશને પેટે પાટા બાંધવા જરુરી ગણાવ્યા હતા અને કરકસરનો યુગ શરુ થયો હતો. આ મહાનુભાવો પાછળથી મોટા મોટા હોદ્દા પર ગોઠવાઈ ગયા હતા. એલેકઝાન્ડર ચીનની નવી સ્થપાયેલી એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્કના વાઈસ પ્રેસિડેન્ટ અને કોર્પોરેટ એફેર્સ ડાયરેક્ટર બનવાની ખ્વાહિશ ધરાવતા હતા અને ચક્કરો ચાલી ગયા. વડા પ્રધાન કેમરનના ઈશારે બિઝનેસ એપોઈન્ટમેન્ટ કમિટીએ વેઈટિંગ પીરિયડ સસ્પેન્ડ કરી નાખ્યો. આ વેપારી રાજકારણનું જ ઉદાહરણ છે. નિક ક્લેગ ફેસબૂકના વાઈસ પ્રેસિડેન્ટ ફોર ગ્લોબલ એફેર્સના હોદ્દા પર તગડો પગાર મેળવે છે જ્યારે ઓસ્બોર્ન ઈન્વેસ્ટમેન્ટ બેન્કના પાર્ટનર બની ગયા છે.
કેમરનની ફરિયાદ છે કે પૂર્વ વડા પ્રધાનોએ હોદ્દો છોડ્યા પછી શું કરવું જોઈએ તેનો કોઈ રોડમેપ નથી. વાત સાચી છે પરંતુ, તેનો અર્થ એવો હરગિજ નથી કે વ્યક્તિએ મૂલ્યો કે નીતિમત્તા ભૂલી જવા જોઈએ. વડા પ્રધાન જેવા પદ પર પહોંચેલી વ્યક્તિ પાસે પ્રજા કેવી આશા રાખતી હોય તેનાથી શું કેમરન અજાણ છે? સાથીદારો કે મળતિયાઓને મલાઈદાર નાણાકીય કોન્ટ્રાક્ટ્સ અપાવી દેવા કે લોર્ડ્સમાં સ્થાન અપાવવું જેવી રમતોથી વર્તમાન કે પૂર્વ વડા પ્રધાનો અળગા રહે તે જ વણલખ્યો રોડમેપ છે.