મોદી સરકારના સુધારા રંગ લાવે છે

Wednesday 14th November 2018 06:05 EST
 

વિક્રમ સંવતનાં વિદાય લેનારાં વર્ષમાં કેન્દ્રીય રિઝર્વ બેંક અને નાણા મંત્રાલય વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં સુધારાના ગૌરવપૂર્ણ સમાચાર જાણવા મળ્યાં છે. વર્તમાન યુગ વેપારનો છે તેમજ સરળતાથી કરાતો સારો વેપાર સમૃદ્ધિ તાણી લાવે છે. કોઈ પણ અર્થતંત્રમાં સરળ વેપારનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના દેશો ભારત સાથે વેપાર કરવા તલપાપડ રહે છે. ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ એટલે કે વેપાર કરવાની સરળતાના રેન્કીંગમાં ભારતે બીજા વર્ષે પણ મોટી છલાંગ લગાવી છે. વિશ્વ બેન્ક તરફથી જાહેર કરાયેલીી યાદીમાં વધુ ૨૩ પોઈન્ટ આગળ સરકી ભારતે ૭૭મું સ્થાન મેળવ્યુ છે. વિશ્વ બેન્કે ગયા વર્ષે કારોબારમાં સરળતા રેન્કીંગમાં ભારતને ૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૦મા સ્થાન પર પહોંચાડ્યું હતું. ગત બે વર્ષોમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ઈન્ડેક્સની રેન્કિંગમાં સુધારો કરનારા ટોપ ૧૦ દેશોમાં ભારત સામેલ છે. જ્યારે દક્ષિણ એશિયન દેશોમાં ભારતનો ક્રમ પ્રથમ છે. આમ, બે વર્ષના ગાળામાં ભારતના રેન્કીંગમાં કુલ ૫૩ પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો છે.
જીએસટી અને નોટબંધી જેવા આર્થિક સુધારાઓ તેમજ ક્રુડ ઓઈલની ઊંચી કિંમતો સામે વિપક્ષનાં આક્રમણનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકાર માટે વિશ્વબેન્કનો અહેવાલ રાહત લઈને આવ્યો છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આર્થિક સુધારાની અસરો હવે દેખાવા લાગી છે. મોદી સરકારે ૨૦૧૪માં સત્તા પ્રાપ્ત કર્યા પછી ૧૯૦ દેશોની યાદીમાં ભારત ૧૪૨મા ક્રમે હતુ, જે હવે ૭૭મા ક્રમે છે. મહત્ત્વની વાત તો એ છે કે ગળાંકાપ રાજકીય સ્પર્ધાના માહોલમાં પણ વડા પ્રધાને આગામી દિવસોમાં ભારતનો સમાવેશ ટોપ ૫૦ દેશોની યાદીમાં થાય તેવું લક્ષ્ય આપ્યુ છે. વિશ્વ બેન્કના પ્રમુખ જિમ યેંગ કિમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીતમાં વ્યાપાર સુગમતા ક્રમાંકમાં ભારતની ઐતિહાસિક હરણફાળ માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.
વિશ્વ બેન્ક દ્વારા કરાતું ક્રમાંકન ૧૦ માપદંડો પર આધાર રાખે છે. અલગ-અલગ દેશોમાં વ્યાપારની સુગમતાના આધાર પર આ ઈન્ડેક્સ તૈયાર થાય છે. સરકારી રેગ્યુલેશન કે નિયંત્રણોની સ્થિતિ મુખ્ય આધાર ગણવામાં આવે છે. આ ઉપરાંત, અન્ય કેટલાક પરિબળોમાં, કન્સ્ટ્રક્શન પરમિટ, રજિસ્ટ્રેશન, વેપાર શરૂ કરવો, વીજળી કનેક્શન મેળવવું, વેપાર કરવા આવશ્યક મૂડી માટે લોન મેળવવી, ટેક્સની ચુકવણી કરવી, સીમાપારનો વેપાર સહિતના માપદંડો મુખ્ય હોય છે.
વિશ્વ બેન્કે આ સકારાત્મક હરણફાળનું શ્રેય મોદી સરકારની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ નીતિને આપ્યું છે. મોદી સરકારે ત્રણ વર્ષના કાર્યકાળમાં ભારતની અર્થનીતિને વેગ આપવા જરીપુરાણા કાયદા રદ કર્યા છે, ઉદ્યોગનીતિને સરળ અને વન વિન્ડો સિસ્ટમથી ઝડપી મંજૂરીઓ મળી જાય એવી કરી છે. નાના શેરધારકોની સુરક્ષાનાં મામલે દેશ ચોથા ક્રમે પહોંચ્યો છે. જ્યારે બિઝનેસ માટે ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં ભારત ૨૯મા સ્થાને છે. વ્યવસાય માટે વીજજોડાણમાં ભારતને ૨૯મો અને ટેક્સ ભરવામાં ભારતને ૧૧૯મો ક્રમ મળ્યો છે. અગાઉ, ટેક્સ ભરવાના મામલે ભારત ૧૭૨મા ક્રમે હતું અને તેમાં ૫૩ અંકોની લાંબી છલાંગ લગાવી છે. ભારત ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય માપદંડો અપનાવી રહ્યું છે તેનું આ પરિણામ છે. વર્લ્ડ બેન્કના અહેવાલમાં મોદી સરકારની સરળ કરનીતિ, રોકાણ માટે અનુકૂળ વાતાવરણના સર્જન સહિતના પગલાં તેમ જ પારદર્શી વહીવટની પ્રશંસા કરાઈ છે.
ભારત માટે આ મોટી છલાંગ છે તેનો ઈનકાર કરી ન શકાય પરંતુ, આ યાદીમાં રવાન્ડા જેવો નાનો દેશ ૨૯મો ક્રમ ધરાવે છે, જ્યારે ન્યૂ ઝીલેન્ડ (૦૧), સિંગાપોર (૦૨), યુએસએ (૦૮), જાપાન (૩૯), ઉઝબેકિસ્તાન (૭૬) અને ઓમાન (૭૮)મા ક્રમે છે. જોકે, વિશ્વ બેન્કે સરકારની અર્થનીતિમાં હજુય કેટલીક ખામીઓ સુધારવાની જરૂર પણ દર્શાવી છે. પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનની વાત કરીએ તો મુંબઈમાં રજિસ્ટ્રેશન માટે ૮૦ દિવસ લાગે છે, જ્યારે વિકસિત દેશોમાં આ સમયગાળો માત્ર ૨૦ દિવસનો છે. ઉદ્યોગ-બિઝનેસ સ્થાપવા માટે તેમ જ ભૂમિ સંપાદન સહિતની પ્રક્રિયામાં મુશ્કેલી સાથે લાંબો સમય લાગે છે, તેમાં સુધારા આવશ્યક છે. સ્થાનિક ઉદ્યોગોને પણ વિકાસ માટે આ લાંબી પ્રક્રિયા કરવી પડે છે. કોન્ટ્રાક્ટનો અમલ કરાવવાના મુદ્દે ભારત ૧૬૪થી ૧૬૩મા ક્રમે જ પહોંચ્યું છે. જોકે, સરકારે ૨૫૦ ડિસ્ટ્રિક્ટ્સમાં કોમર્શિયલ કોર્ટ્સની સ્થાપના કરી છે. સુધારાની ગાડી ચાલી નીકળી છે અને ભારત હજુ આગળ વધશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter