લગભગ ૧૮ વર્ષ અગાઉ ફેબ્રુઆરી ૨૦૦૨ના ગોધરાકાંડના પગલે ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો માટે વડા પ્રધાન અને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના સભ્યો કોઈ રીતે જવાબદાર નહિ હોવાની ક્લીનચિટ જસ્ટિસ નાણાવટી - જસ્ટિસ મહેતા તપાસ પંચે આપી છે. પંચના આ બીજા અને આખરી અહેવાલમાં સ્પષ્ટ કરાયું છે કે ગોધરાકાંડ પછીના રમખાણો પૂર્વ આયોજિત નહિ પરંતુ, તે હિંસાચારની પ્રતિક્રિયા હતા. જોકે, તેમાં પોલીસ અધિકારીઓની બિનકાર્યક્ષમતા, ધાર્મિક નેતાઓ દ્વારા નિરક્ષર અને ગરીબ લોકોની ઉશ્કેરણી તેમજ મીડિયાની ભૂમિકા સામે પણ આંગળી ચીંધાઇ છે.
ઉલ્લેખનીય છે કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના ગોઝારા દિવસે ગોધરા સ્ટેશનથી થોડે દૂર સાબરમતી એક્સપ્રેસના કોચમાં અયોધ્યાથી પરત ફરતા ૫૮ કારસેવકોને જીવતા સળગાવી દેવાની હિંસક અને ઘૃણાસ્પદ ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. મોદી સરકારે આ સાબરમતી એક્સપ્રેસના અગ્નિકાંડ તેમજ તેના પગલે ફાટી નીકળેલી હિંસાની તપાસ માટે નાણાવટી કમિશનની રચના કરી હતી.
કમિશને તોફાનો દરમિયાન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, તેમના કેબિનેટ સાથીઓ અને વરિષ્ઠ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરી હતી. જોકે, સપ્ટેમ્બર ૨૦૦૮માં પ્રથમ અહેવાલમાં જ કમિશને ગોધરાકાંડ પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાનું તારણ દર્શાવવા સાથે મુખ્ય પ્રધાન મોદીને ક્લિનચિટ આપી હતી.
મુખ્ય પ્રધાન મોદી વિરુદ્ધ આક્ષેપ કરાયો હતો કે તેઓ કોઈને જાણ કર્યા વિના ગોધરા ગયા હતા અને તેમનો હેતુ પુરાવાનો નાશ કરવાનો હતો. હકીકત એ છે કે કોઈ પણ મુખ્ય પ્રધાન આટલી મોટી ઘટના પછી સ્થળ પર જાતતપાસ માટે જાય તે સ્વાભાવિક છે, બીજો આરોપ મોદીની સૂચનાથી જ ગોધરા રેલવે સ્ટેશન પર જ તમામ ૫૯ કારસેવકોના પોસ્ટ મોર્ટમ કરાયા વિશે હતો. આ બાબતે પણ કમિશને સ્પષ્ટ કર્યું છે કે પોસ્ટમોર્ટમનો આદેશ અધિકારીઓ દ્વારા અપાયો હતો.
એ બાબત પણ નોંધવા જેવી છે કે ગુજરાત સરકારે ગોધરાકાંડ અને તેના પછીની ઘટનાઓની તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ કમિશનની સમયસર રચના કરી હોવાં છતાં, મુખ્ય પ્રધાન મોદી અને ભાજપ સરકારને ભીંસમાં લેવા તત્કાલીન યુપીએ સરકારના રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા જસ્ટિસ યુ. સી. બેનરજીની અધ્યક્ષતા હેઠળ કમિશનને તપાસ સોંપવામાં આવી હતી. બેનરજી કમિશને તેના પ્રાથમિક અહેવાલમાં સત્વરે જ ટ્રેનના એસ-૬ કોચમાં લાગેલી આગ ‘અકસ્માત’ હોવાનું જણાવવા સાથે બહારના તત્વો દ્વારા આગ લગાવાની કે થવાની સંભાવનાને નકારી કાઢી હતી. જોકે, ગુજરાત હાઈ કોર્ટે નાણાવટી પંચ રમખાણોના દરેક પાસાની તપાસ કરી રહ્યું હોવાનું જણાવી બેનરજી સમિતિની રચના ‘ગેરકાયદે’ અને ‘ગેરબંધારણીય’ ઠરાવવા સાથે તેનો અહેવાલ પણ અમાન્ય ઠરાવ્યો હતો.
કમિશને તત્કાલીન સરકારના પ્રધાનોએ તોફાનો અને હુમલાઓને ઉશ્કેરણી કે પ્રેરણા આપી હોય તેવા કોઇ પુરાવાઓ ન હોવાનું જણાવી સ્વ. હરેન પંડ્યા, સ્વ. અશોક ભટ્ટ તેમજ ગોરધન ઝડફિયા સામેના આક્ષેપોને બિનપાયાદાર અને તથ્યહીન ગણાવ્યા છે.
ગોઝારા ગોધરાકાંડ પછીના રમખાણો આયોજીત ન હતા અને સરકારે તેને રોકવા માટે તમામ પગલાંઓ લીધાં હોવાં છતાં પોલીસ દળ કાર્યક્ષમ ન હોવાનું તારણ પણ તપાસ પંચે આપ્યું છે. આ જ પ્રમાણે મીડિયાએ પણ આવી ઘટનાઓ સંદર્ભે રિપોર્ટિંગ કરવામાં સ્વનિયંત્રણ રાખવું જોઈએ તેવું સૂચન પણ અસ્થાને નથી.
સામાન્યપણે ગુજરાતની પ્રજા વેપારી માનસની અને શાંતિપ્રિય ગણાય છે પરંતુ, એક્શન (આઘાત) અને રીએક્શન (પ્રત્યાઘાત) પણ માનવીય અને સામાન્ય છે તેની નોંધ લેતા રિપોર્ટના આરંભમાં જ ગુજરાતમાં ૨૦૦ વર્ષના રમખાણોના ઈતિહાસનું વિસ્તૃત આલેખન પણ કર્યું છે. વાસ્તવમાં નાણાવટી - મહેતા કમિશને આખરી રિપોર્ટ નવેમ્બર ૨૦૧૪માં જ સુપરત કરી દીધો હતો પરંતુ, પાંચ વર્ષ પછી તેને જાહેર કરવાનું કારણ સમજી શકાતું નથી. કારણ જે પણ હોય, આપણે તો દેર આયે દુરસ્ત આયે તેમ જ કહી શકીએ.