મ્યાંમારમાં લશ્કરી સત્તાપલટો અને કટોકટી

Tuesday 09th February 2021 15:29 EST
 
 

દુનિયામાં લોકશાહીના છોડને ઉછેરી વટવૃક્ષ બનાવવાનું કાર્ય જરા પણ સહેલું નથી. ભારતની પડોશના રાષ્ટ્ર મ્યાંમાર અથવા બર્મા કે બ્રહ્મદેશમાં લોકશાહીની કૂંપળોને કચડી નાખી સેનાએ સત્તા પોતાના હસ્તક લઈ લીધી છે. વિશ્વભરમાં આ સૈન્ય બળવાની ભારે ટીકા થઈ છે કારણકે પાંચ દાયકા લાંબા લશ્કરી શાસન પછી ૨૦૧૦માં જ લોકશાહીની સ્થાપના થઇ શકી હતી. એક દાયકામાં જ સૈન્ય દ્વારા સત્તાપલટો થતાં મ્યાંમારમાં ફરી અશાંતિની જવાળાઓ ભભૂકતી થાય તેવી આશંકા અસ્થાને નથી. મ્યાંમારના સન્માનીય અને લોકશાહીવાદી નેતા આંગ સાન સૂ ચી, રાષ્ટ્રપતિ વિન મિન્ટ સહિત નેતાઓની ધરપકડના પગલે દેશમાં એક વર્ષની કટોકટી પણ લાદી દેવાઈ છે.
આંગ સાન સૂ ચી અને નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (NLD) પાર્ટી વર્ષ ૨૦૧૫માં મ્યાંમારના સૌથી સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન બાદ સત્તામાં આવ્યાં હતાં. સૂ ચી સરકાર સામે રોહિંગ્યા મુસ્લિમોના નરસંહારના આરોપો છતાં,ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રીય ચૂંટણીમાં આંગ સાન સૂ ચી ની NLD પાર્ટીને ૮૦ ટકા મત મળ્યાં તે વિવાદનું કારણ બની ગયું છે. સંસદનું નવું સત્ર મળે તેના ગણતરીના કલાકો પહેલા જ સૂ ચી તેમજ અન્ય રાજનેતાઓની ધરપકડ કરાઈ હતી.
કોઈ પણ દેશ હોય, એક વખત લશ્કરી જનરલો સત્તા હાંસલ કરે પછી તેમની સ્થિતિ ‘લોહી ચાખેલા વાઘ’ જેવી થઈ જાય છે. દેશમાં લોકશાહી શાસન સ્થપાય તે પછી પણ તેમના હાથ સળવળતા રહે છે. ભારતથી અલગ પડેલા પાકિસ્તાનનું ઉદાહરણ આપણી નજર સમક્ષ છે. મ્યાંમારમાં વિશિષ્ઠ રાજકીય ખેલ ખેલાય છે. દેશના બંધારણ અનુસાર સેના રાજકીય પક્ષની ભૂમિકા પણ ભજવે છે અને સંસદની ચોથા ભાગની બેઠકો તેની પાસે રહે છે. એટલું જ નહિ, દેશના સૌથી શક્તિશાળી મંત્રાલયોને નિયંત્રિત કરવાની સત્તા પણ સેના ધરાવે છે. સૂ ચીની તરફેણમાં ધરખમ મતદાન પછી સેના સમર્થિત વિપક્ષી પાર્ટીએ લશ્કરી જનરલોના ઈશારે ચૂંટણીમાં ભારે ગેરરીતિઓ આચરાઈ હોવાના આક્ષેપોનું નાટક કર્યું અને સેનાએ સત્તાપલટો કરી નાખ્યો.
અહીં પ્રશ્ન એ થાય છે કે સંસદમાં લશ્કરનો દબદબો જરા પણ ઘટવાનો ન હતો છતાં, બળવો કેમ કરાયો? કોઈ પણ પક્ષની સરકાર આવે સેનાની મરજી વિના ત્યાં કોઈ કામગીરી થઈ શકતી નથી કારણકે મહત્ત્વના મંત્રાલયો પર સેનાનો કબજો રહે છે. આ બળવા પાછળ સેનાના રાજકીય રીતે પ્રભાવશાળી જનરલ મિન ઓન્ગ હાઇંગનો હાથ છે. તેઓ જુલાઇમાં નિવૃત્ત થવાના હતાં પરંતુ, સત્તાપલટા સાથે તેમનો દબદબો વધી ગયો છે.
મ્યાંમાર સાથે ભારત અને ભારતીયોનો સંબંધ વિશિષ્ટ છે. મ્યાંમારમાં ૧૦ લાખ જેટલા ભારતીયો વસે છે અને તેમાંથી અડધોઅડધ તો ગુજરાતી છે. ગુજરાતીઓએ ઈસ્ટ આફ્રિકામાં સ્થળાંતર કરવા ઉપરાંત, ત્યારના બ્રહ્મદેશ તરફ પણ નજર દોડાવી હતી. ભારતે મ્યાંમારમાં લોકશાહીના ભાવિ અને કાયદાના શાસન વિશે ચિંતા વ્યક્ત કરી છે તે યોગ્ય જ છે. અટકાયતમાં રખાયેલા આંગ સાન સૂ ચી અને અન્ય લોકશાહીવાદી નેતાઓ સાથે નૈતિક એકતા દર્શાવવી આવશ્યક છે. મ્યાંમાર તેમજ કોઈ પણ દેશમાં રાજકીય સ્થિરતા, આંતરિક સુરક્ષા અને ટકાઉ વિકાસ હાંસલ કરવા માટે લોકશાહી મોડેલ જ યોગ્ય ગણાવી શકાય. આથી જ ભારતે મ્યાંમારને આર્થિક સહાય અને ક્ષમતાનિર્માણ પ્રોજેક્ટમાં ભારે મદદ આપી લોકશાહીની જાળવણીને મહત્ત્વ આપ્યું છે. ભારત માટે મ્યાંમાર અત્યારે ચિંતાનો વિષય બની શકે તેમ છે કારણકે લશ્કરી જનરલો ચીનના હાથમાં પ્યાદા બની જાય તેવી શક્યતા વધુ છે. મ્યાંમારમાં લશ્કરી જનરલો તો રહેવાના જ છે તે સમજી તેમને ભારતની ચિંતાની સમજ આપવી અને ધીરે ધીરે લોકશાહીની પુનઃસ્થાપના તરફ આગળ વધવાની પ્રેરણા આપવી જરુરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter