યુકેએ યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈ કે નહિ તે મુદ્દે ડેવિડ કેમરને ૨૦૧૬માં લીધેલો ઈયુ રેફરન્ડમ હજુ પણ ગળામાં ફસાયેલા હાડકા સમાન બની રહ્યો છે. આખરે બ્રેક્ઝિટ તો થયું પણ વેપારસોદા માટે ઘણી માથાકૂટ પણ થઈ. આનુ કારણ એક જ કહી શકાય કે યુરોપીય દેશો ખરેખર તો બ્રિટનની ભાવિ આર્થિક તાકાતની સંભાવનાથી ગભરાઈ રહ્યાં છે.
ફાર્મા કંપની એસ્ટ્રેઝેનેકા સાથેના વેક્સિન પુરવઠા કરારને લક્ષ બનાવી યુકે સાથે ‘વેક્સિન વોર’ આદરવામાં ઈયુની ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના’ જેવી તદ્દન છીછરી માનસિકતા જોવા મળી છે. બ્રેક્ઝિટ સમજૂતીના નોર્ત આઈરિશ પ્રોટોકોલનો સહારો લઈને બ્રિટનનો વેક્સિન પુરવઠો બંધ કરવાની ધમકી આપવી તે કોઈ પણ કાળે યોગ્ય ઠરાવી શકાય નહિ, તેને માત્ર બેજવાબદાર અને ઉતાવળીયું પગલું જ ગણાવી શકાય. જોકે, વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની સમયસૂચકતા અને આવાં પગલાંથી લાખો બ્રિટિશ વયોવૃદ્ધોને મોતનું જોખમ ઉભું થઈ શકે તેવી દલીલથી જ યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડર લેયેનની સાન ઠેકાણે લાવી શકાઈ છે. હકીકત એ છે કે બ્રિટન કોરોના વેક્સિનને મંજૂરી આપવામાં અને પોતાના નાગરિકોને તેના ડોઝ આપવામાં વિશ્વભરમાં અગ્રેસર રહ્યું છે. આનાથી વિપરીત, જર્મની અને ફ્રાન્સ સહિતના ઈયુ દેશોમાં વેક્સિનની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. જર્મની એન્જિનિઅરીંગ ક્ષેત્રમાં અગ્રેસર છે પરંતુ, ફાર્માસ્યુટિકલ્સમાં યુકેનો ડંકો વાગે છે. બ્રિટને છેક મે મહિનામાં ૧૦૦ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો જ્યારે, ઈયુએ છેક ઓગસ્ટ મહિનામાં ઓર્ડર આપ્યો હતો. એસ્ટ્રેઝેનેકાનો પ્લાન્ટ ઈયુ દેશ બેલ્જિયમમાં હોવાનો અર્થ એ થતો નથી કે ઈયુને વેક્સિનના પુરવઠામાં પ્રાથમિકતા આપી શકાય. એમ જોઈએ તો, બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વેક્સિન તૈયાર થઈ છે અને તેના બે પ્લાન્ટ બ્રિટનમાં પણ છે છતાં, બ્રિટને પોતાની પ્રાથમિકતાનો દાવો કર્યો નથી.
ઈયુ સંબંધિત અન્ય એક સમસ્યા યુકેને નડી રહી છે તે સ્કોટલેન્ડની છે. યુકે મૂળ તો ચાર દેશ- ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડનું સંયુક્ત રાજ્ય છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ કટ્ટર શત્રુ ગણાય. તેમણે તો વડા પ્રધાનની મંજૂરી ન મળે તો પણ રેફરન્ડમ યોજવાની ધમકી આપી જ દીધી છે.
બ્રેક્ઝિટ પછી યુકેમાં હવે ભંગાણ પડે તે પોસાય તેમ નથી. આમ થાય તો અર્થતંત્રનો રથ દોડવાના બદલે ખોડંગાતો ચાલે તેવી સ્થિતિ સર્જાય. એક હિલચાલ સ્કોટલેન્ડને સ્વાયત્તતા આપવા માટે ચાલી રહી છે જેમાં સંરક્ષણ, ચલણ જેવી બાબતોનો અધિકાર હોય નહિ. સ્કોટલેન્ડ આઝાદ ન હોવાં છતાં એક દેશ જેવાં અધિકારો ભોગવે જ છે અને યુકે સરકાર પાસેથી જંગી નાણાભંડોળ પણ મેળવે છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્કોટલેન્ડના રેફરન્ડમ મુદ્દે ખાંડાની ધાર પર ચાલવાનું થશે અને યુકેને એકસંપ રાખવામાં તેમણે રાજપુરુષની કૂનેહ દર્શાવવી પડશે.