ડો. ટોની સેવેલના વડપણ હેઠળના રેસ કમિશનના અહેવાલે નવી ચર્ચા અને વિવાદ જગાવ્યા છે. સેવેલના રિપોર્ટમાં ‘નથી નથી, છે છે’ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. એક તરફ રિપોર્ટ એમ કહે છે કે વંશીય લઘુમતીઓઓ સામે વ્યવસ્થિત રંગ - જાતિભેદ આચરાતો નથી. તો સવાલ એ પૂછી શકાય કે શું પ્રછન્ન અથવા છાનોછપનો રંગભેદ આચરાય છે જે સત્તાવાળાને નજરમાં ના આવતો હોય. રેસ કમિશનનો રિપોર્ટ એમ કહેતો હોય કે સંસ્થાગત અથવા તો માળખાકીય રંગભેદ અસ્તિત્વ ધરાવતો નથી ત્યારે એ ધ્યાન દોરવું જરુરી બને કે બ્રિટિશ પોલીસ દળમાં અધિકારીઓ કે કર્મચારીઓની ભરતીમાં વંશીય લઘુમતી સમુદાય તરફ ભેદભાવની નીતિ સ્પષ્ટપણે જોવાં મળે છે. ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસનું કહેવું છે કે યુકેમાં લેબર માર્કેટ અને વ્યાપક સમાજમાં સંસ્થાકીય અને માળખાકીય રેસિઝમનું અસ્તિત્વ છે એ તો હકીકત છે.
બેરોજગારી અને ઈમિગ્રેશન જેવા પરિબળો વચ્ચે સહસંબંધના કારણે પણ રંગભેદી ભેદભાવ જોવા મળે છે. કેટલાક અભ્યાસો અનુસાર બ્રેક્ઝિટના કારણે રેસિસ્ટ ઘટનાઓ વધી હતી કારણકે સ્થાનિક લોકોનો રોષ વિદેશીઓ અને કહેવાતા વિદેશીઓ તરફ વધ્યો હતો. યુકેમાં રેસિઝમના કારણે રમખાણો અને રંગભેદપ્રેરિત હત્યાનો સિલસિલો પણ જોવા મળ્યો છે.
બ્રિટનમાં રંગભેદી વલણોનું પ્રમાણ અને લક્ષ્યો સમયાંતરે બદલાતા રહ્યાં છે. રંગભેદનો ઈતિહાસ બ્રિટિશ સામ્રાજ્યને બનાવતા તેના પુરાણા સંસ્થાનો અને નાગરિકોમાંથી ઉદભવ્યો છે જેમાંના મોટા ભાગના લોકો ખાસ કરીને દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી યુકેમાં સ્થાયી થયા હતા. ૨૦૧૪ અને ૨૦૧૫માં પ્રકાશિત અભ્યાસોના દાવા અનુસાર યુકેમાં રેસિઝમ વધી રહ્યું હતું અને મતદાન લેવાયેલા લોકોમાંથી એક તૃતીઆંશથી વધુ લોકોએ તેઓ રંગભેદી પૂર્વગ્રહનો શિકાર બન્યા હોવાનું જણાવ્યું હતું. આમ છતાં, ૨૦૧૯ના ૧૨ પશ્ચિમી યુરોપીય દેશોના ઈયુ સર્વે ‘બીઈંગ બ્લેક ઈન ઈયુ’માં યુકેને સૌથી ઓછું રેસિસ્ટ ગણાવાયું હતું.
આ રિપોર્ટમાં BAME જેવો શબ્દપ્રયોગ ઉપયોગમાં નહિ લેવાની પણ ભલામણ કરવામાં આવી છે. તે જરા સમજાતું નથી. જો શબ્દપ્રયોગ દૂર કરવાથી રેસિઝમ દૂર થઈ જતું હોય તો તે ભલામણનો સત્વરે અમલ થવો જોઈએ. એક સમયે ભારતીય રેલવેમાં થર્ડ અથવા તો જનરલ ક્લાસ હતો જેમાં ખાસ સુવિધાઓ મળતી નહિ. લોકોને થર્ડ ક્લાસમાં મુસાફરી કરવી ન પડે તે માટે તેનું નામકરણ સેકન્ડ ક્લાસ કરી દેવાયું. BAME જેવો શબ્દપ્રયોગ ઉપયોગમાં નહિ લેવાની બાબત લગભગ આને જ મળતી આવે છે તેમ કહી શકાય.
થિન્ક ટેન્ક ધ બ્રિટિશ ફ્યુચરનો અભ્યાસ મુજબ તો બ્રિટનમાં રેસ કે જાતિ વિશે પૂરતી ચર્ચા કરવામાં આવતી નથી. બ્રિટિશરો રેસ સંબંધિત ચર્ચામાં તેમની વંશીયતા અને વયના ધોરણે વિભાજિત છે. બહુમતી BAME લોકો માને છે કે સમાજે રેસિઝમ વિશે વધુ વાત કરવી જ રહી.૫૬ ટકા અશ્વેત બ્રિટિશરો માને છે કે આ મુદ્દાની ઓછી ચર્ચા થાય છે અને ૩૧ ટકા વ્હાઈટ બ્રિટિશર પણ આમ માને છે. છે. બીજી તરફ, ૨૫ ટકા વ્હાઈટ બ્રિટિશર માને છે કે રેસના મુદ્દે ઘણી ચર્ચા થઈ છે. મોટા ભાગના અશ્વેત બ્રિટિશરો એમ માને છે કે રેસ કે જાતિ વિશે પૂરતી ચર્ચા થઈ નથી અને અન્ય જૂથો કરતાં મીડિયા દ્વારા વંશીય લઘુમતી લોકો સાથે ખરાબ વ્યવહાર કરાય છે.
વ્હાઈટ પ્રિવિલેજ કે વિશેષાધિકાર વાસ્તવમાં શું છે તે હજુ ખબર પડતી નથી કારણકે આ દેશના બહુમતી ગોરા લોકો કોઈ વિશિષ્ટ. સામંતશાહી અથવા ધનવાન બેકગ્રાઉન્ડમાંથી આવ્યા નથી. એક રીતે જોઈએ તો ટોની સેવેલનો રિપોર્ટ આપણા સમાજ તકોની સમાનતા વિશે પરિપક્વ ચર્ચા માટેનું વિશ્લેષણ પુરું પાડે છે. આ શક્ય બનશે તો બ્રિટનમાં દેખીતો રંગભેદ કે રેસિઝમ નથી તેવું તારણ સત્ય ઠરશે.