પહેલો સગો પડોશી... ભારતમાં ભલે આ ઉક્તિ ઘરે ઘરે જાણીતી હોય, પરંતુ બાંગ્લાદેશના શાસકો કદાચ તેનાથી અજાણ છે. જો આમ ના હોત તો તેમણે ભારત સાથેના સંબંધો આટલી હદે બગાડ્યા ના હોત. પડોશી દેશો સાથે સુદઢ સંબંધોનું મહત્ત્વ જાણતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક દસકાના શાસનકાળ દરમિયાન આ દ્વિપક્ષીય સંબંધો વધુને વધુ મજબૂત બન્યા હતા. એક સમયના ગાઢ મિત્ર દેશો વચ્ચેના સંબંધોમાં આજે એટલી હદે અંતર વધ્યું છે કે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બાંગ્લાદેશ જઇને કાર્યવાહક પ્રમુખ મોહમ્મદ યુનુસ સહિતના સત્તાધીશોને મળીને હિન્દુઓ સહિતના લઘુમતી સમુદાયના હિતોનું રક્ષણ કરવા રજૂઆત કરવી પડી છે.
બાંગ્લાદેશમાં પાંચમી ઓગસ્ટે તખ્તાપલ્ટો થયો અને પદભ્રષ્ટ પ્રમુખ શેખ હસીનાએ ભારતમાં આશ્રય લીધો તે પછી માહોલ બદલાયો છે. દેશમાં કટ્ટરવાદીઓનું જોર વધ્યું છે ને લઘુમતીઓ પર અત્યાચારો પણ વધ્યા છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશમાં તખતાપલટ થયાના પખવાડિયામાં જ લઘુમતીઓ પર હુમલાની 2000થી વધુ ઘટના નોંધાઇ હતી. કટ્ટરવાદી જમાત-એ-ઇસ્લામી અને બીએનપી કાર્યકરોના ટોળાં ખુલ્લેઆમ હિન્દુવિરોધી નારાં લગાવતાં માર્ગો પર ફરે છે. હિન્દુઓ પર ઠેર ઠેર હુમલા થઇ રહ્યા છે ને મંદિરોમાં તોડફોડ કરીને મૂર્તિઓ સળગાવાઇ રહી છે. તાજેતરના સમયમાં નાના-મોટા મંદિરો પર હુમલાની 200થી વધુ ઘટના બની છે. આમાં પણ સવિશેષ તો ઇસ્કોનને ટાર્ગેટ કરાઇ રહ્યું છે. સ્વામી પ્રભુપાદ દ્વારા કૃષ્ણભક્તિના પ્રચાર-પ્રસાર માટે સ્થપાયેલી અને વિશ્વના અનેક દેશોમાં કાર્યરત ઇસ્કોન (ISCKON - ઇન્ટનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ) ભાગ્યે જ કોઇ દેશમાં વાદવિવાદમાં સપડાઇ છે. પણ બાંગ્લાદેશમાં તેના પર પ્રતિબંધની પ્રચંડ માગ થઇ રહી છે અને તેના સાધુઓ સામે રાષ્ટ્રદ્રોહના ગુના નોંધીને જેલમાં ધકેલી દેવાયા છે.
જોવા જેવી વાત તો એ છે કે આ બધું દુનિયાભરની નજર સામે થઇ રહ્યું છે, છતાં મોહમ્મદ યુનુસ સરકાર હિન્દુઓ પરના હુમલાઓ સહિતની તમામ ઘટનાને નકારી રહી છે. તેઓ આને મીડિયાનો દુષ્પ્રચાર ગણાવે છે. હિન્દુઓને પૂરતી સુરક્ષા અપાઇ હોવાની સુફિયાણી વાતો થઇ રહી છે પણ હકીકત એ છે કે તેમને નસીબના સહારે છોડી દેવાયા છે. માત્ર ભારત જ નહીં, અમેરિકા અને બ્રિટન સહિતના દેશોએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિતના લઘુમતીઓ પર થઇ રહેલા હુમલાઓ સામે નારાજગી દર્શાવીને યુનુસ સરકારને આ મામલે પગલાં લેવા જણાવ્યું છે, પણ બધું નિરર્થક પુરવાર થઇ રહ્યું છે.
આ ઓછું હોય તેમ બાંગ્લાદેશ હવે પાકિસ્તાન નજીક સરકી રહ્યું છે, પરંતુ તેને ખબર નથી કે આ અધઃપતનનો માર્ગ છે. પાકિસ્તાનીઓ માટેના વિઝા નિયંત્રણોમાં છૂટછાટ, પાક. નાગરિકોને બાંગ્લાદેશમાં પ્રવેશવા માટે જરૂરી સિક્યુરિટી ક્લિયરન્સમાંથી મુક્તિ, ભારતના બદલે પાકિસ્તાનથી ડુંગળી-બટાકા સહિતની ચીજવસ્તુઓની આયાતનો નિર્ણય, ભારત સાથે વેપાર ઘટાડીને પાક. સાથેના વેપારને ઉત્તેજન આપવાની હિલચાલ... ભારતની પરેશાની વધારવાના બદઇરાદે બાંગ્લાદેશ આવા પગલાં લઇ તો રહ્યું છે, પરંતુ તેણે સમજવું રહ્યું કે આવા નિર્ણયો લઇને તે પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યું છે. દસકાઓથી આતંકવાદને પોષી રહેલું પાકિસ્તાન જો એટલું જ સદ્ધર - પગભર હોત તો તે ખુદ હાથમાં કટોરો લઇને દુનિયામાં ફરતું ના હોત. કટ્ટરવાદી પરિબળોને સમર્થન અને આંતરિક અસ્થિરતાનો માહોલ દેશના અર્થતંત્રને કેવું ખોખલું કરી નાંખે છે તે જોવું - જાણવું - સમજવું હોય તો બાંગ્લાદેશના શાસકોએ પાકિસ્તાનના અર્થતંત્ર પર એક નજર ફેરવવી રહી. શેખ હસીનાના શાસનકાળમાં વિકાસના પંથે આગેકૂચ કરી રહેલા દેશનું અર્થતંત્ર આજે લગભગ ખોરવાઇ જવાના આરે છે. બાંગ્લાદેશના શાસકોએ યાદ રાખવું રહ્યું કે આજે તેઓ જેની સામે શીંગડા ભરાવી રહ્યા છે તે જ ભારત દેશે તેમને પાકિસ્તાનની ચુંગાલમાંથી સ્વતંત્રતા અપાવી હતી. બાંગ્લાદેશની આજની સમૃદ્ધિમાં પડોશી ભારતનું યોગદાન નાનુસૂનું નથી. યુનુસ સરકારે દેશવાસીઓની સુખાકારી-શાંતિ-સમૃદ્ધિના જતન-સંવર્ધન માટે ઇતિહાસમાંથી બોધપાઠ લેવો જ રહ્યો.