રક્તરંજિત અને હિંસક પ્રજાસત્તાક દિન

Wednesday 27th January 2021 03:22 EST
 
 

ભારતના ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પર કાળી ટીલી લાગી ગઈ છે. એક તરફ પ્રજાસત્તાક દિનની પરેડનું ગૌરવ હતું તો બીજી તરફ, કૃષિ કાયદાઓ રદ કરાવવા આંદોલન ચલાવી રહેલા ખેડુતોએ રાજધાની નવી દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવાથી આગળ વધીને બળજબરીપૂર્વક ઐતિહાસિક લાલ કિલ્લા પર કબજો જમાવી લીધો હતો. હિંસા નહિ થાય અને નિશ્ચિત માર્ગો પર થઈને જ રેલી નીકળશે તેવી ખેડૂતનેતાઓ દ્વારા અપાયેલી ખાતરીનો સરેઆમ ભંગ થયો છે.
દર વર્ષે ૧૫ ઓગસ્ટે જે લાલકિલ્લા પર આઝાદીપર્વની ઉજવણી કરાય છે, ત્યાં આ વર્ષની ૨૬ જાન્યુઆરીએ ખેડૂતોએ કબજો કરી લીધો એટલું જ નહિ, રાષ્ટ્રધ્વજ લહેરાવાય છે તે સ્થળે ધાર્મિક ધ્વજ નિશાન સાહિબ અને ખેડૂત સંગઠનનો ઝંડો લહેરાવી દેવાયો હતો. ખેડૂતોએ લાલ કિલ્લા બહાર પોતાના ટ્રેક્ટરો ખડકી દીધા હતા. ગત ૬ જાન્યુઆરીએ અમેરિકામાં ટ્રમ્પ સમર્થકો દ્વારા લોકશાહીના સ્થાનક કેપિટલ હિલ પર હુમલો થયો તે જ રીતે ભારતીય લોકશાહીમાં ગૌરવવંતુ સ્થાન ધરાવતા લાલ કિલ્લા પર હિંસક ખેડૂત આંદોલનકારીઓનો હુમલો થયો છે. હિંસક બનેલી ભીડે તહેનાત પોલીસ કર્મચારીઓ પર લાઠી-દંડાથી હુમલા કરવાની ઘટનામાં ૪૦થી વધુ જવાન ઈજાગ્રસ્ત થયા તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે?
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના વિવાદ મુદ્દે એક સમિતિનું ગઠન કર્યું છે તેને નહિ માનવાના મનસ્વી વલણ સાથે ખેડૂતનેતાઓ કાયદાઓ રદ કરવાનો દુરાગ્રહ સેવી રહ્યા છે તે યોગ્ય ન ગણાય. આંદોલન હિંસક બન્યું છે ત્યારે આ નેતાઓ હવે રાજકીય પક્ષો પર આરોપો લગાવી રહ્યા છે. પ્રદર્શનમાં અસામાજિક તત્વો ઘૂસી આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. રાજધાની દિલ્હીમાં અફવાઓનું બજાર ગરમ ન થઈ જાય તે હેતુસર સત્તાવાળાઓને ઈન્ટરનેટ બંધ કરી દેવાની પણ ફરજ પડી હતી.
કોઈ પણ સમસ્યા કે વિરોધ હોય ત્યારે આંદોલન કરી શકાય તેના પર કોઈ પાબંદી હોવી ન જોઈએ. તેની શરત એટલી જ હોય કે વિરોધ શાંતિમય હોવો જોઈએ. અત્યાર સુધી શાંતિપૂર્ણ રહેલું ખેડૂત આંદોલન બહેકી ગયું છે. આંદોલન હિંસક ન બને તે માટે જ આ ટ્રેક્ટર રેલીને પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ, આશાવાદ નિષ્ફળ રહ્યો છે.
બીજી તરફ, ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ હિંસાને વખોડી કાઢી છે ત્યારે કેટલાક નેતાઓએ હિંસાની જવાબદારી સરકાર પર ઢોળી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકારે સુપ્રીમ કોર્ટની સલાહને શિરે ચડાવી થોડા સમય સુધી કૃષિ કાયદાઓનો અમલ મુલતવી રાખવાની જાહેરાત કરીને વધુ મંત્રણાને મહત્ત્વ આપ્યું ત્યારે પણ ખેડૂતનેતાઓએ મમત પકડી રાખી હતી. જોકે, આંદોલને ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું ત્યારે જ સરકારે આ પગલું લીધુ તેના કરતાં વેળાસર જાહેરાત કરી હોત તો આટલે સુધી આંદોલન ખેંચાયું ન હોત.
સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકારે આંદોલનમાં ખાલિસ્તાનવાદીઓ અને શીખ ફોર જસ્ટિસ સંસ્થાના કાર્યકરોની હાજરી હોવાનું જણાવ્યું હતું. આ વાત સાચી હોય તો ખેડૂત નેતાઓએ આંદોલન મોકૂફ રાખવાનું અને ગાંધીચીંધ્યા માર્ગે વાટાઘાટોમાં આગળ વધવાનું શાણપણ દાખવવું જોઈએ. સરકારે પણ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં સાચો રસ દર્શાવવો જોઈએ તો જ લોકશાહી સાર્થક બની શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter