બ્રિટિશ અખબારી માધ્યમોમાં અત્યારે બ્રેકઝિટનો મુદ્દો છવાયો છે તો ભારતીય માધ્યમોમાં રેક્ઝિટનો મુદ્દો ચર્ચાના ચોતરે ચઢ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)ના ગવર્નર રઘુરામ રાજન્ ભારતની સર્વોચ્ચ નાણાકીય સંસ્થાનનો હોદ્દો છોડી રહ્યાના સમાચારો અખબારોમાં છવાયા છે. બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ મુદ્દે બ્રેક્ઝિટ શબ્દ હોઠે ચઢ્યો છે તે જ સંદર્ભે (આરબીઆઇમાંથી) રાજનની એક્ઝિટ માટે રેક્ઝિટ શબ્દ ચાલ્યો છે. રાજનને બીજી ટર્મ માટે એક્સટેન્શન મળે છે કે કેમ તે વિષયે છેલ્લા થોડાક દિવસોમાં દેશભરમાં ચર્ચાનો જે જુવાળ ઉઠ્યો છે તેવું ભૂતકાળમાં ભાગ્યે જ કોઇ આરબીઆઇ ગવર્નર માટે બન્યું હશે. રાજનને એક્સટેન્શન મળે છે કે નહીં તે જાણવા સહુ કોઇ સરકાર સામે મીટ માંડીને બેઠા હતા. પરંતુ સરકાર કંઇ કહે તે પૂર્વે રાજને જ સ્પષ્ટ કરી દીધું છે કે ગવર્નર પદની બીજી મુદત માટે તેમની ઇચ્છા નથી.
રિઝર્વ બેન્કના ગવર્નર કોણ બને, કેટલી મુદત માટે બને વગેરે નિર્ણયો ભારત સરકારની મુન્સુફી પર નિર્ભર હોય છે તે સાચું, પણ આ કિસ્સામાં રાજનનો નકાર થોડામાં ઘણું કહી જાય છે. રાજનને કાર્યકાળ પૂરો થતાં પૂર્વે જે પ્રકારે રાજકીય વિવાદમાં ઘસડવામાં આવ્યા છે તેને કોઇ પણ પ્રકારે વાજબી ઠેરવી શકાય તેમ નથી. ભાજપના સાંસદ સુબ્રમણ્યન્ સ્વામીએ રાજન સામે કરેલી બેફામ નિવેદનબાજીથી માત્ર રાજને જ નહીં, તમામ આર્થિક વિશ્લેષકોએ આઘાતની લાગણી અનુભવી હશે તેમાં બેમત નથી.
સ્વામીએ જે પ્રકારે બેફામ થઇને રાજનની કાર્યક્ષમતા સામે સવાલ ઉઠાવ્યા છે તેને ભારતીય રાજકારણનું વરવું ઉદાહરણ ગણી શકાય. સ્વામી ભલે પોતાની જાતને વધુ ઊંચા દરજ્જાના અર્થશાસ્ત્રી આંકતા હોય, પરંતુ રાજનના આરબીઆઇ ગવર્નર તરીકેના કાર્યકાળમાં અનેક ઉલ્લેખનીય કામગીરી જોવા મળી છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. રાજને ભારતીય અર્થતંત્રને બરબાદ કરી નાખ્યું છે તેવા સ્વામીના નિવેદન સાથે તો ભાગ્યે જ કોઇ સહમત થશે.
રાજને ભારતીય અર્થતંત્રને જાળવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ફુગાવા પર નિયંત્રણ રાખવાની સાથોસાથ અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરવામાં તેમનું નોંધનીય પ્રદાન છે. તેમના ત્રણ વર્ષના કાર્યકાળમાં ભારતના વિકાસદરમાં નોંધાયેલી વૃદ્ધિના આ વાતનો મજબૂત પુરાવો છે. જેમ કે, ૨૦૧૨-૧૩માં વિકાસદર ૫.૬ ટકા હતો, જે પછીના વર્ષે ૨૦૧૩-૧૪માં ૬.૬ થયો, ૨૦૧૪-૧૫માં ૭.૨ ટકા થયો અને ૨૦૧૫-૧૬માં આ આંક વધીને ૭.૬ ટકા નોંધાયો છે.
સૌથી નાની વયે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના ચીફ ઇકોનોમિસ્ટ રહી ચૂકેલા રાજન્ દુનિયાના સૌથી પ્રભાવશાળી અર્થશાસ્ત્રીઓમાંના એક ગણાય છે. દેશ હોય કે વિદેશ, જે સેમિનારમાં રાજન્ વક્તા હોય છે ત્યાં દિગ્ગજો તેમને સાંભળવા ઉમટે છે. તેમના શબ્દોને, અભિપ્રાયને દુનિયાભરના અર્થશાસ્ત્રીઓથી માંડીને નીતિનિર્ધારકો અને નાણા પ્રધાનો કાન દઇને સાંભળે છે, તેની નોંધ લે છે. સમગ્ર વિશ્વને આર્થિક કટોકટીમાં ધકેલી દેનાર ૨૦૦૮ની સબપ્રાઇમ કટોકટીની સૌથી પહેલી આશંકા તેમણે જ વ્યક્ત કરી હતી તે આખી દુનિયા જાણે છે.
કોઇ દેશની સેન્ટ્રલ બેન્કના ગવર્નરને ‘રોક સ્ટાર’ કે ‘જેમ્સ બોન્ડ’ જેવા ઉપનામ મળ્યાનું ભાગ્યે જ ક્યાંય સાંભળ્યું હશે, પરંતુ આરબીઆઇ ગવર્નર રાજન્ આ બન્ને ઉપનામથી પણ જાણીતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર દેખાવ માટે ઇન્ટરનેશનલ મીડિયા તેમને રોક સ્ટાર તરીકે ઓળખાવે છે તો ભારતીય મીડિયા તેમને નીડરતા અને સ્પષ્ટવક્તા જેવા ગુણો માટે જેમ્સ બોન્ડના નામે સંબોધે છે. ભારતમાં રાજન્ જેવા નીડર અને આખાબોલા આરબીઆઇ ગવર્નર ભાગ્યે જ થયા છે. આથી જ જ્યારે તેઓ કહે છે કે ‘મારું નામ રાજન્ છે, અને મારે જે કરવું હોય છે તે જ કરું છું’ ત્યારે તેઓ ખરેખર જેમ્સ બોન્ડ જ લાગે છે. આર્થિકથી માંડીને રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર તેમનો અભિપ્રાય સ્પષ્ટ હોય છે.
રાજનની પૂર્વે ૨૨ અર્થશાસ્ત્રી ભારતીય રિઝર્વ બેન્કનું ગવર્નર પદ સંભાળી ચૂક્યા છે. આમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પણ સામેલ છે. દરેક ગવર્નરની કાર્યપદ્ધતિ અલગ અલગ હોય છે તે સ્વામીએ ન ભૂલવું જોઇએ. રાજન્ સાથે સ્વામીને વ્યક્તિગત મતભેદો હોય શકે છે, પરંતુ જાહેરમાં તેમની ટીકા કરવાનો અભિગમ તો ગવર્નર પદની ગરિમાને બટ્ટો લગાડવા જેવો છે. સ્વામીએ તો રાજનને કોંગ્રેસના એજન્ટ સુદ્ધાં ગણાવ્યા છે. હવે સ્વામીએ એ સ્પષ્ટ કરવું જોઇએ કે રાજને એવું તે શું કરી નાખ્યું કે રાજનમાં તેમને કોંગ્રેસી એજન્ટ દેખાઇ રહ્યા છે.
સ્વામી અત્યારે ભાજપના સાંસદ હોવાથી રાજન્ પરના તેમના હુમલાના મૂળમાં રાજકારણ હોવાની શંકા આર્થિક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જોકે હકીકત તો એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા પ્રધાન અરુણ જેટલી બન્ને રાજનની કામગીરી ખુશ હતા. વડા પ્રધાન મોદી અને રાજન્ વચ્ચે સમયાંતરે બેઠકો યોજાતી હોવાના પણ અહેવાલ છે. આ સંજોગોમાં રાજને ચોક્કસપણે ઊંડા મનોમંથન અને સરકાર સાથે મંત્રણા બાદ જ બીજી મુદત માટે કાર્યભાર સંભાળવાનો ઇન્કાર કર્યો હશે. સંભવ છે કે નવા ક્ષેત્રો સર કરવાનું તેઓ વિચારતા હશે, પરંતુ આ વાતને અંગત નિર્ણય માનવાની સાથોસાથ દબાણની રાજનીતિ સાથે જોડીને પણ મૂલવવામાં આવશે તે નિઃશંક છે.