બહુ જાણીતી કહેવત છે કે ‘જેનો અંત સારો તેનું બધું સારું’. ભારતીય જનતા પક્ષ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર રફાલ ફાઈટર જેટ સોદાના વિવાદ મુદ્દે આટલું તો આશ્વાસન લઈ શકે તેમ છે કારણ કે સુપ્રીમ કોર્ટે ફ્રાન્સ સરકાર સાથે રફાલ સોદામાં થયેલી કથિત અનિયમિતતા મામલે સીબીઆઇ તપાસ કરવા સહિતની અપીલો એકમતે ફગાવી છે. એટલું જ નહિ, સરકારને ક્લીન ચિટ પણ આપી દેતાં સ્પષ્ટ કર્યું છે કે સોદામાં કોઈ કૌભાંડ થયું નથી. તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ સહિતના વિપક્ષે રફાલ સોદામાં કથિત ગેરરીતિના મુદ્દાને ચગાવ્યો હતું. હવે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી મોદી સરકારને ભારે રાહત મળી છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. કે. કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની બેન્ચે ભારતીય વાયુદળ માટે અત્યાધુનિક યુદ્ધવિમાનો અતિ આવશ્યક ગણાવતા કહ્યું કે કોર્ટ ૩૬ કે ૧૨૬ યુદ્ધવિમાન ખરીદવાના શાણપણ વિશે આદેશ આપી શકે નહિ. રાષ્ટ્રીય હિતમાં વિમાનની કિંમત ગુપ્ત રાખવાની સરકારની દલીલ પણ કોર્ટે સ્વીકારી છે. તત્કાલીન યુપીએ સરકારે ૨૦૦૭થી ભારતીય વાયુસેના માટે ૧૨૬ મીડિયમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી અને ૨૦૧૨માં બોલીઓ લગાવાઈ હતી છતાં, નિર્ણય તો છેક ૨૦૧૬માં મોદી સરકારે જ લીધો હતો. યુપીએના કહેવા મુજબ સોદા વખતે એક વિમાનની કિંમત રૂ. ૫૨૬ કરોડ નક્કી થઇ હતી, પણ મોદી સરકારે એક વિમાન રૂ. ૧૬૭૦ કરોડમાં ખરીદી રહ્યું છે. આ વાત તો સાચી જ છે કે યુપીએ સરકારના શાસનકાળમાં સૂચિત રફાલ સોદાથી વિપરીત બે સરકારો વચ્ચે થયેલા નવા સોદામાં વિમાનના માત્ર ખાલી ખોખાં મળવાના નથી. અત્યાધુનિક મિસાઈલ્સ સહિતના શસ્ત્રો અને ઉપકરણો તેમાં સામેલ હોય તો કિંમત વધે તે સ્વાભાવિક છે. આ સોદામાં ભારતને નાણાકીય લાભ થયો હોવાનું સરકાર કહે છે, પરંતુ પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનોને તેની જાણ થવા ન દેવાય તે રાષ્ટ્રીય હિતમાં છે તે વાત કોંગ્રેસ જેવા પક્ષો ન સમજે તે કમનસીબી જ ગણવી પડે.
સુપ્રીમ કોર્ટે ધારાશાસ્ત્રીઓ પ્રશાંત ભૂષણ, એમ. એલ. શર્મા અને વિનિત ઢાંડા, ‘આપ’ પક્ષના સંજય સિંહ, તેમજ ભાજપના જ અસંતુષ્ટ પૂર્વ પ્રધાનો યશવંત સિંહા અને અરુણ શૌરીના સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપોનો છેદ ઉડાવતા સ્પષ્ટ કર્યું છે કે રફાલ ફાઈટર જેટના સોદાની નિર્ણયપ્રક્રિયામાં કશું જ શંકાસ્પદ નથી કે કોર્ટ માટે માત્ર વ્યક્તિઓની ધારણાઓનાં આધારે હસ્તક્ષેપ કરવાને કોઈ કારણ નથી. ભારતીય એરફોર્સ માટે જરૂરી ૩૬ જેટના ૫૯,૦૦૦ કરોડ રૂપિયાના સોદામાં અનિલ અંબાણીની કંપનીને ફાયદો કરાવવા સરકારે વધુ કિંમત આપ્યાના આક્ષેપો પણ સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યા નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈ ખાનગી એકમને વેપારી લાભ કરાયાના કોઈ જ પુરાવા સાંપડ્યા નથી. તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં શાસન ગુમાવ્યા પછી ભાજપી નેતાગણના ચહેરા પરથી ઉડી ગયેલા નૂરને પાછાં લાવવાનું કાર્ય આ ચુકાદાએ કર્યું છે અને તેઓ વળતા પ્રહારની આક્રમક ભૂમિકામાં આવી ગયા છે. દેશના ચોકીદાર નરેન્દ્ર મોદીને ચોર કહેવાની ધૃષ્ટતા બદલ કોંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ મોદી માફી માગે તેવી માગણી ભાજપે કરી છે. બીજી તરફ, કોંગ્રેસે પણ કોર્ટના ચુકાદા છતાં આ મુદ્દે પીછેહઠ કરવા તૈયાર ન હોવાનો અણસાર આપ્યો છે.
આમ, રફાલ વિવાદમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે કાનૂની દૃષ્ટિએ તો આ મામલાનો અંત આવી ગયો છે. જોકે, તેમાં નવો ફણગો ફૂટ્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટને રફાલ સોદાની તમામ વિગતોનો રિપોર્ટ કેગ અને જેપીસી સમક્ષ મૂકાયો હોવાનું જણાવ્યા અંગે કોંગ્રેસ સહિત વિપક્ષ દ્વારા નવો વિવાદ સર્જાયો છે. પરિસ્થિતિની ગંભીરતા પારખી સરકારે તેના ઉત્તરનું ખોટું અર્થઘટન કરાયાનું જણાવી પારદર્શકતા સાથે ચુકાદામાં સુધારો કરવાની અરજી પણ કરી દીધી છે. હવે બીજી જાન્યુઆરીની સુનાવણીમાં કોર્ટ તે મુદ્દો હાથ ધરશે. જોકે, લોકસભાની ચૂંટણી સુધી તો આ મુદ્દો ચગતો રહેશે તેમાં કોઈ શંકા નથી. આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની ઈમેજ જ મુખ્ય મુદ્દો હશે. ભાજપ માટે ઈમાનદાર ચોકીદાર મોદી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈનો ચહેરો બનશે. બીજી તરફ, કોંગ્રેસ સહિતના વિપક્ષ મોદીને ચોર ચોકીદાર સાબિત કરવાનો પ્રયાસ કરશે.