યુકેના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન આજકાલ ભારે વિવાદના વમળોમાં ભેરવાયા છે અને તેમની હાલત ‘ મા મને કોઠીમાંથી કાઢ’ જેવી થઈ છે. કેમરનની ગણના અત્યાર સુધી નિષ્ફળ વડા પ્રધાન તરીકે થઈ છે પરંતુ, તેઓ બેઆબરુ થયા નથી. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં આમ કહી શકાય તેમ નથી. વહીવટ હેઠળ મૂકાયેલી ફાઈનાન્સ કંપની ગ્રીનસિલ કેપિટલના કારણે તેના એડવાઈઝર રહેલા કેમરનની ભૂમિકા સામે પ્રશ્નાર્થ મૂકાયો છે અથવા કહો તો સ્પષ્ટપણે આંગળી ચીંધાઈ છે કે તેમણે કંપનીને લોન અપાવવા પોતાના અગાઉના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.
કેમરન એક સમયે દેશના લોકપ્રિય નેતા હતા પરંતુ, બ્રેક્ઝિટ રેફરન્ડમ આપવાના નિર્ણયમાં ભારે ગોથું ખાઈ ગયા અને નવા વમળમાં ફસાઈ ગયા. દસ્તાવેજો તો એટલે સુધી કહે છે કે કેમરન હોદ્દા પર હતા ત્યારે ભાંખોડિયા ભરતા ગ્રીનસિલ બિઝનેસ અને તેના ઓસ્ટ્રેલિયન માલિક લેક્સ ગ્રીનસિલને ભારે મદદ કરી હતી. આ તો સર્વાસામાન્ય પરિસ્થિતિ છે કારણકે દરેક વડા પ્રધાન કે કેબિનેટ મિનિસ્ટર્સ બિઝનેસમેન્સ કે ઉદ્યોગપતિઓની આળપંપાળ કરતા હોય છે. આમાં, હેરોલ્ડ વિલ્સન કે આયર્ન લેડી માર્ગારેટ થેચરનો પણ સમાવેશ થાય છે. જોકે, તેઓ પોતાના લાભ ખાતર આમ કરતા હોવાનું કદી બહાર આવ્યું નથી.
કેમરનની વાત અલગ એટલા માટે ગણાય છે કે તેમને ગ્રીનસિલમાં ૬૦ મિલિયન ડોલરનો સ્ટોક મળવાનો હતો એવી તેમણે મિત્રો સમક્ષ બડાશો હાંકી હોવાનું કહેવાયું છે. વડા પ્રધાનપદ છોડ્યા પછી તેઓ ગ્રીનસિલમાં કર્મચારી કે એડવાઈઝર તરીકે જોડાયા હતા. લેક્સ ગ્રીનસિલ સાથે કંપની માટે નાણાભંડોળ મેળવવા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે કેમ્પિંગમાં પણ જોડાયા હતા.
ખાટલે મોટી ખોડ છે કે કેમરન પોતાના લોબીઈંગ ઓપરેશનની જાહેરમાં ચર્ચા સુદ્ધાં કરવા તૈયાર નથી. જેનો અર્થ એ થઈ શકે કે હવે તેમને કોઈ જાતનો ભય નથી. તેઓ જાહેર જીવનમાં નથી કે લોકો પાસે મત માગવા જવાનું નથી. હવે લોકોના અભિપ્રાયો તેમને ખાસ નુકસાન પહોંચાડી શકવાના નથી. આ સંજોગોમાં લોકો તેમના વિશે શું વિચારતા હશે તેની તમા કેમરન ન રાખે તે સ્વાભાવિક છે. હવે તેમણે ખુલાસો કર્યો છે કે તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન તરીકે નહિ પરંતુ, ખાનગી કંપનીના કર્મચારી તરીકે લોબીઈંગ કર્યું હતું. કેવી રીતે શક્ય બને? શું કોઈ કંપનીનો એડવાઈઝર દેશના ચાન્સેલરને મોટા પાયે કોવિડ લોન ફાળવવા ટેક્સ્ટ મેસેજીસ કે ફોન કરી શકે? આ તો સારું છે કે ચાન્સેલર રિશિ સુનાકે તેના પર કોઈ આપ્યું નહિ અને માત્ર કાયદા અનુસાર આગળ વધવા ટ્રેઝરીને સ્પષ્ટ સૂચના આપી કરદાતાના કરોડો પાઉન્ડ બચાવ્યા છે.
એક આડવાત પણ કરીએ તો, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં પહેલી વખત કોઈ શસ્ત્રસોદામાં લાંચ કે કટકી લેવાઈ હોવાનો આક્ષેપ બહાર આવ્યો છે. ફ્રાન્સના રાફેલ લડાયક વિમાનોના સોદામાં ભારતીય વચેટિયાને ભેટ અપાયા સાથે ભ્રષ્ટાચારની આશંકા ફ્રેન્ચ મીડિયા ગ્રૂપ મીડિયાપાર્ટે વ્યક્ત કરી છે. સ્વાભાવિક રીતે જ જેના શાસનમાં ભ્રષ્ટાચારના ભોરિંગે સતત ફૂંફાડા માર્યા હતા તે કોંગ્રેસ પાર્ટીએ વડા પ્રધાન મોદી પાસે તેનો તત્કાળ ઉત્તર માગ્યો છે. જોકે, ભારત સરકારનો ખુલાસો એવો છે કે આ ફ્રાન્સમાં કોર્પોરેટ દુશ્મનીનું પરિણામ હોઈ શકે છે. જોકે, કેમરન કરતા આ મુદ્દો તદ્દન અલગ એટલા માટે છે કે મોદી સામે કદી આંગળી ચીંધાઈ નથી.
પૂર્વ વડા પ્રધાને જાહેર જીવનના માપદંડોનું વધુ ધોવાણ કર્યું છે. એક પતન હજારો પતનને આમંત્રણ આપે છે. કંપનીઓ તો રાજકીય નેતાઓના સંપર્કોનો લાભ લેવા માટે જ તેમની સેવાઓ ભાડે લે છે, તેમને કામે રાખે છે કારણકે આ તેમનો બિઝનેસ આગળ વધારવાની યુક્તિપ્રયુક્તિઓ છે. સમજવાનું તો રાજકીય નેતાઓએ છે કે પોતાની નૈતિકતા કેવી રીતે જાળવી રાખવી. રોમન સમ્રાટ જુલિયસ સીઝરના સમયમાં એક કહેવત પડી હતી કે ‘સીઝર્સ વાઈફ શુડ બી અબાવ સસ્પિશિયન’ એટલે સીઝરની પત્ની શંકાથી પર રહેવી જોઈએ. આ નૈતિકતાને દર્શાવતી કહેવતને આપણે વર્તમાનકાળમાં જોઈએ તો સ્પષ્ટ થાય છે કે તેનો કોઈ અર્થ રહ્યો નથી.