બ્રિટિશ રોયલ ફેમિલી અને વિશેષતઃ ક્વીન એલિઝાબેથ અને યુકેના તમામ પ્રજાજનોને પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાએ ભારે આઘાત આપ્યો જ્યારે ૯ એપ્રિલે તેઓ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મેરિસને યોગ્ય શ્રદ્ધાંજલિ અર્પી છે કે પ્રિન્સ ફિલિપ એવી પેઢીનું પ્રતીક હતા જેમને આપણે ફરી કદી જોઈ શકીશું નહિ.
સોહામણું વ્યક્તિત્વ ધરાવતા પ્રિન્સ ફિલિપ આધુનિક વિચારો ધરાવતા હતા જેમણે કોન્સોર્ટ અથવા તો રાજવી જીવનસાથીની ભૂમિકાને બદલી નાખી હતી. બ્રિટિશ રાજઘરાનાઓનાં ઈતિહાસમાં દરેક વ્યક્તિઓમાં જોવા ન મળતી મક્કમતા સાથે પ્રિન્સ ફિલિપ કર્તવ્ય, નિષ્ઠા, સ્વયંશિસ્ત અને સખત મહેનતમાં માનતા હતા. તેઓ એરિસ્ટોક્રેટ હોવા સાથે મેરિટોક્રેટ પણ હતા. તેઓ શેમાં માનતા ન હતા તે કહેવું જરા મુશ્કેલ બની શકે. તેઓ સંશોધન અને તાલીમ, સાયન્સ અને ટેકનોલોજીમાં પણ માનતા હતા. આજે પર્યાવરણની સુરક્ષા માટે અભિયાનો છેડાય છે પરંતુ, પ્રિન્સ ફિલિપ પર્યાવરણની સુરક્ષાના દૃઢાગ્રહી હતા. તેઓ બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીના વિકાસમાં પણ માનતા હતા.
સદીઓથી જનરેશન ગેપ અને વૃદ્ધ અને યુવાન પેઢી વચ્ચે સંઘર્ષની વાતો ચાલતી આવે છે ત્યારે ડ્યૂક ઓફ એડિનબરાએ હંમેશાં યુવાશક્તિની તાકાતમાં માનવાનું અને તેના વિકાસનું કાર્ય છોડ્યું ન હતું. પ્રિન્સ ફિલિપને તેમની અતિ સફળ એવોર્ડ્સ સ્કીમ માટે પણ યાદ કરવા આવશ્યક છે. જે લોકોને કદી શિક્ષણની સુવિધા મળવાનું શક્ય ન હતું તેમના માટે પ્રિન્સ ફિલિપે વ્યવસ્થા કરી હતી. ત્રણ મિલિયનથી વધુ યુવાનોએ આ ડ્યૂક ઓફ એડિનબરા એવોર્ડ્સ સ્કીમનો લાભ મેળવ્યો હતો અને આ યુવાનોના જીવન સામાજિક બહિષ્કાર અને આપરાધિક જીવનથી અલગ ફાંટે આગળ વધ્યા હતા. આજે આ એવોર્ડ્સ ૧૪૪ દેશમાં ફેલાયા છે.
સામાન્યપણે પ્રિન્સને ઘણી વખત આઉટસાઈડર અથવા તો ગ્રીક સાહસિક ગણાવાતા હતા જેમના ભાગ્યમાં પ્રિન્સેસ એલિઝાબેથ જેવું ‘પતાસું’ આવી ગયું હતું. બ્રિટિશ દરબારીઓ માટે પ્રિન્સ ફિલિપ ‘પેનીલેસ વ્યક્તિ હતા જે પ્રિન્સેસના પતિ બનવા માટે અયોગ્ય હતા.’વાસ્તવિકતા એ છે કે ૧૩ વર્ષીય પ્રિન્સેસ એલિઝાબેથ આ સોહામણા અને સૌજન્યપૂર્ણ રીતભાત ધરાવતા ફિલિપ પર ઓળધોળ થઈ ગઈ હતી. આ પછીનો ઈતિહાસ જાણીતો છે પરંતુ, પ્રિન્સેસ બ્રિટિશ તાજ ધારણ કરી ક્વીન બન્યાં તે પછી પ્રિન્સ ફિલિપ તેમનું સન્માન જાળવી જીવનભર તેમનાથી બે કદમ પાછળ જ ચાલતા રહ્યા. વિશ્વની અતિ શક્તિશાળી મહિલાના સહાયક પતિ બનવું એટલે શું તે પ્રિન્સ ફિલિપે દુનિયાને દેખાડ્યું હતું. તેમણે વર્તમાન નેતાઓ કે શાસકોની માફક કાવાદાવા ન કર્યા કે સત્તાનું વધુ એક કેન્દ્ર ઉભું ન કર્યું.
આજે ટેબ્લોઈડ્સમાં ભદ્ર અને શાહી ફરજંદોના છાનગપતિયાની ચર્ચાઓ થતી રહે છે ત્યારે પ્રિન્સેસ અને ક્વીન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ સમગ્ર લગ્નજીવનમાં એકબીજોને વફાદાર રહ્યાં હતાં. તેઓ કોઈ પ્લેબોય પ્રિન્સ ન હતા. પ્રિન્સેસ સાથે લગ્ન કરવા ફિલિપે બ્રિટિશ રાણીની પડદા પાછળની ગૌણ ભૂમિકા પણ સ્વીકારી લીધી અને જીવનભર નિભાવી હતી. તેઓ પોતે આઉટસાઈડર ગણાયા હોવાથી શાહી પરિવારમાં લગ્ન કરતા અન્ય આઉટસાઈડર્સની યાતનાથી સુપેરે પરિચિત હતા. તેઓ બધાની વાત શાંતિથી સાંભળતા અને મડાગાંઠનો ઉકેલ લાવવાનો પ્રયાસ પણ કરતા. તેમનું વ્યક્તિત્વ જ એવું હતું કે તેમના ખભે માથુ ગોઠવીને રડી લેનારા કે હળવા થવાનું પરિવારના સભ્યોને ફાવતું હતું.
પ્રિન્સ ફિલિપ પ્રતિભાસંપન્ન માનવી હતા અને તેમની વનલાઈનર અથવા હાજરજવાબી ટીપ્પણીઓથી વધુ પ્રખ્યાત બની રહ્યા હતા. તેઓ માત્ર સામેની વ્યક્તિ પર જ નહિ પોતાની જાત પર પણ હસવાનું ચૂકતા નહિ. પ્રિન્સ ફિલિપ આડંબર કે દંભમાં જરા પણ માનતા ન હતા આથી, પોતાની અંતિમક્રિયા શાહી રીતરસમો અનુસાર નહિ પણ પોતાના આયોજન મુજબ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. થોડા વર્ષો અગાઉ તો પ્રિન્સ ફિલિપ એ બાબતે રમૂજ પણ કરતા કે તેમની અંતિમક્રિયાના આયોજન સાથે સંકળાયેલા ઘણા લોકોતે પહેલા જ દુનિયા છોડી ગયા. તેઓ વક્રોક્તિઓથી ભારેખમ વાતાવરણને પણ હળવું બનાવી જાણતા હતા. તેમની વ્યંગોક્તિઓને અખબારોના મથાળામાં સ્થાન મળતું હતું. તેમણે એક વખત પોતાના માટે ‘કોઈ ચોક્કસ લાયકાત કે વિશિષ્ટતા વિનાના નામોશ બાલ્કન પ્રિન્સ’ તરીકેનું વર્ણન કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ‘હં કદી યુનિવર્સિટી નહિ ગયેલા નકામા મૂર્ખોમાંનો એક છું..... અને તેનાથી મને ઘણું નુકસાન થયું છે.’
પ્રિન્સ ફિલિપે ક્વીનના સાથ અને સહયોગથી બેવડી ભૂમિકા ભજવી પરંતુ, બ્રિટિશ તાજના વારસદાર પ્રિન્સ ચાર્લ્સ આમ કરી શકશે કે કેમ તે સવાલ છે. ક્વીને ગાદી સંભાળી તેની સરખામણીએ વર્તમાન સમય તદ્દન અલગ છે, મૂલ્યો અલગ છે, સમસ્યાઓ પણ વધી છે. જોકે, પિતા ફિલિપ પાસેથી તેમને પર્યાવરણ, વાઈલ્ડલાઈફ અને વંચિતોની સારસંભાળ જેવા ઉત્તમ ઉદ્દેશ્યો સહિત ઘણું શીખવા મળ્યું છે. ખુદ ક્વીને પતિ પ્રિન્સ ફિલિપને તેમની ‘તાકાત અને સ્થિરતા’ ગણાવ્યા હતા. લગભગ ૭૪ વર્ષ સુધી જીવનસાથી બની રહેલી વ્યક્તિને ગુમાવવાના દુઃખથી ક્વીનના જીવનમાં શૂન્યાવકાશ સર્જાયો છે.