રામમંદિરના નિર્માણનો મુદ્દો ફરી ગરમી પકડી રહ્યો છે. અયોધ્યામાં ૨૫ નવેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતોની વિરાટ ધર્મસંસદ સભામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિનું નિર્માણ મુખ્યત્વે સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદિત જમીનના ટાઈટલ મુદ્દે સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯માં લઈ જવાનો નિર્ણય લેવાયો તેના કારણે થયું હોવાનો એક મત છે. સુપ્રીમ કોર્ટમાં ટાઈટલ મુદ્દે સુનાવણી ૨૯ ઓક્ટોબરથી શરૂ થવાની હતી, પરંતુ તેમ થયું નથી. રામમંદિરના નિર્માણ એટલે વિવાદિત જમીન માલિકીનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં હોવાથી સરકાર કે રામમંદિર સાથે જોડાયેલો કોઇ પણ પક્ષ રામ મંદિર ક્યારે બનશે એ કહી શકે એમ નથી. જોકે, હકીકત એ છે કે ઘણાં લાબાં સમયથી આક્રોશ ધૂંધવાઈ રહ્યો હતો તેને ન્યાયમાં આ વિલંબથી હવા મળી છે. પડદા પાછળ શાંતિમય વાટાઘાટો થઈ હતી પણ તેનું કોઈ પરિણામ નજરે ચડ્યું નથી. સંઘના વડા મોહન ભાગવતે પણ સુપ્રીમ કોર્ટ માટે રામમંદિર પ્રાધાન્ય ધરાવતું ન હોવાની ટીકા કરી છે. બીજી તરફ, ભાજપ સરકાર દ્વારા રામમંદિરના નિર્માણનું વચનનું પાલન કરાયું નથી તે મુદ્દાને પણ આગળ ધરવામાં આવ્યો છે.
રામમંદિર મુદ્દે રાજનીતિ પણ થઈ રહી છે તે હકીકત છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં વિલંબનો સહારો લઈને પાંચ રાજ્યોની વર્તમાન વિધાનસભા ચૂંટણીઓ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં રામમંદિરનો મુદ્દો ગજાવવા બધા રાજકીય પક્ષો તરફેણ અને વિરોધમાં બહાર આવી રહ્યા છે. ભાજપના પ્રમુખ અમિત શાહે તો સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી જ કોઈ વટહુકમ બહાર પાડવો કે કેમ તેનો નિર્ણય સરકાર લઈ શકે તેમ જણાવી પક્ષની દિશા અને વલણ સ્પષ્ટ કરી દીધું છે. વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ધર્મસભાથી પણ ભાજપે અંતર જાળવી રાખ્યું છે.
ભારતીય જનતા પક્ષના મુખ્ય સહયોગી રહેલી પાર્ટી શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રથી આશરે ૧૫,૦૦૦ કાર્યકરો સાથે અયોધ્યામાં આવ્યા હતા. રામમંદિરનું નિર્માણ નહિ થાય તો ૨૦૧૯માં ભાજપની સરકાર નહિ રચાય તેવો હુંકાર તેમણે કર્યો તેની પાછળ પણ આ મુદ્દો પોતાના હાથમાં લઈ લેવાનો પ્રયાસ જ સ્પષ્ટ થાય છે. બાબરી મસ્જિદના ધ્વંસમાં શિવસૈનિકોની મુખ્ય ભૂમિકા રહી હોવાની વાત પણ તેમણે દોહરાવી હતી. શિવસૈનિકોએ ‘પહલે મંદિર ફિર સરકાર’ના સૂત્રોનો સહારો લીધો હતો. આ વખતે રામમંદિરનો મુદ્દો વિવાદથી વધારે શક્તિ પ્રદર્શનનો હતો એમ કહી શકાય. ભાજપને પણ શિવસેના આ મુદ્દો હાઈજેક કરી રાજકીય માઈલેજ મેળવી જશે તેની ચિંતા છે.
ધર્મસભામાં આશરે બે લાખ જેટલા રામભક્તો ઉમટ્યા હોવાનું કહેવાય છે. ૧૯૯૨ પછી પ્રથમ વખત અયોધ્યામાં કિલ્લેબંધી જેવું વાતાવરણ સર્જાયું હતું. સંખ્યાબંધ મુસ્લિમો ધાંધલધમાલ થશે તેવા ડરથી અયોધ્યા અને ફૈઝાબાદથી અન્યત્ર ચાલી ગયાનો પણ અહેવાલ છે. હવે તો તેઓ પરત પણ આવી ગયા છે તે સારી વાત છે. જોકે, કોઈ ધાંધલધમાલ થઈ નહિ તે માટે બધા જ અભિનંદનને પાત્ર છે. ધર્મસભામાં સંઘના વરિષ્ટ પદાધિકારી કૃષ્ણા ગોપાલે તો ‘રામજન્મભૂમિ મુદ્દે યુવાનો કોઈ પણ હદ સુધી જઈ શકે છે’ અને ‘હિન્દુઓને અયોધ્યા, કાશી મથુરામાં મંદિરો જોઈએ’ની માગણી કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના એક અગ્રણીએ અયોધ્યામાં વિવાદિત સ્થળે જમીનના વિભાજન કે ફાળવણીની કોઈ ફોર્મ્યુલા નહિ સ્વીકારાય અને તમામ ભૂમિ રામમંદિર માટે જોઈશેની જાહેરાત કરી વાતાવરણને ગરમ બનાવી દીધું હતું. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના વલી રહેમાનીએ વિવાદ એક મસ્જિદ આપી દેવાનો નહિ, પરંતુ સિદ્ધાંતનો હોવાનું જણાવી ધર્મસભામાં જાહેર કરાયેલી માંગણીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
એક બાબત ઉલ્લેખનીય એ રહી હતી કે ધર્મસભામાં જ ચિત્રકૂટ ધામના મહારાજ સ્વામી રામ ભદ્રાચાર્યે મહત્ત્વના નિવેદનમાં કહ્યું હતું કે, મોદી સરકાર ૧૧મી ડિસેમ્બર પછી રામમંદિર સંદર્ભે ચોક્કસ નિર્ણયની જાહેરાત કરશે. આ તારીખ એટલા માટે મહત્ત્વની ગણાય કે વિધાનસભાઓની ચૂંટણીનું પરિણામ આવી જવાનું હોવાથી સરકારને આચારસંહિતાનો બાધ લાગશે નહિ.
નાગપુરમાં આ જ દિવસે આયોજિત હુંકારસભામાં ભાગવતે રામમંદિરના નિર્માણ માટે મોદી સરકાર પર દબાણ લાવવાનો માર્ગ અખત્યાર કરવાનો અનુરોધ કર્યો હતો. તેમની એક વાત સાચી જ હતી કે હિન્દુઓ હંમેશાં કાયદાપાલનમાં માનવા સાથે ધીરજ ધરતા રહ્યા છે. આ ધીરજ હવે ખૂટી રહી છે. શાસન માટે કાયદો આવશ્યક હોવાં છતાં સમાજ માત્ર કાયદાથી નથી ચાલતો. સમાજમાં આસ્થાનું પરિબળ પણ મહત્ત્વ ધરાવે છે.