ભારતમાં શાસક - વિપક્ષ માટે બળાંબળના પારખા કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિશને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જાહેર કરી દીધી છે. જો શાસક તથા વિપક્ષ વચ્ચે સર્વસંમતિ નહીં સધાય તો ૧૭ જુલાઇએ મતદાન નક્કી છે. પ્રવર્તમાન રાજકીય માહોલ જોતાં તો સર્વસંમત ઉમેદવાર પસંદ થવાની શક્યતા બહુ જૂજ જણાય છે. છેલ્લી ઘડીએ એવા કોઇ મહાનુભવનું નામ ઉપસે કે જેના માટે શાસક અને વિપક્ષ બંને બાંધછોડ કરવા થાય તો જ આ ચૂંટણી ટળે તેવી શક્યતા છે. અત્યારે તો શાસક અને વિપક્ષમાં ઉમેદવારની પસંદગી માટે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. હાલ દેશમાં સર્વોચ્ચ પદની ચૂંટણી માટે આવશ્યક મતોનાં મૂલ્યની રીતે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનું પલ્લું નમતું જણાય છે. આથી કોઇ સર્વસંમત ઉમેદવારના નામે કોંગ્રેસ સમક્ષ ઝૂકવાનું તેની પાસે કોઇ કારણ નથી. આમ છતાં ભાજપે સર્વસંમત ઉમેદવારની પસંદગી માટે વિરોધ પક્ષ સાથે ચર્ચા કરવા રાજનાથ સિંહના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિ રચી છે. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ કેવો અભિગમ અપનાવે છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો માત્ર પોતાની ટંગડી ઊંચી રાખવા માટે કોઇ ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારે અને તેને પરાજયનો સામનો કરવો પડે તેના કરતાં શાસક પક્ષ સાથે ચર્ચા કરીને ઉમેદવારના નામ માટે સર્વસંમતિ સાધશે તો તેમની પણ આબરૂ રહી જશે.
જોકે કોંગ્રેસે અત્યારે તો મગનું નામ મરી પાડવાના બદલે તમામ વિરોધ પક્ષ વતી એક ઉમેદવારને ચૂંટણીમાં ઉતારવા માટે તૈયારી શરૂ કરી છે. કોંગ્રેસે વિરોધ પક્ષનો સર્વસંમત ઉમેદવાર નક્કી કરવા ૧૦ સભ્યોની સમિતિ રચી છે. કોંગ્રેસની આ પહેલ ભાવિ રાજકીય ચિત્રનો તાગ મેળવવાનો પણ પ્રયાસ પણ ગણી શકાય. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રચાનારા વિપક્ષી મોરચા પરથી કોંગ્રેસ સહિતનો વિરોધ પક્ષ એ વાતનો અંદાજ મેળવવા માગે છે કે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી વેળા ભાજપ સામે કેવી મજબૂત મોરચાબંધી શક્ય બનશે. આ જ કારણસર કોંગ્રેસ - ચૂંટણીમાં પરાજયનું સંપૂર્ણ જોખમ હોવા છતાં પણ - વિપક્ષી એકતા માટેનો દાણો ચાંપી જોવા તૈયાર થઇ છે. અત્યારે તો શાસક - વિપક્ષમાંથી કોઇએ પણ પોતાના ઉમેદવારની પસંદગી અંગે કોઇ સંકેત આપ્યો નથી, પરંતુ આગામી સપ્તાહ દરમિયાન ચિત્ર સ્પષ્ટ થઇ જવાની શક્યતા છે. ઉમેદવાર કોઇ પણ હોય, પરંતુ ચૂંટણીમાં બન્ને પક્ષકારોના બળાબળનાં પારખાં થઇ જવાના તે નક્કી.