દેશ કોઇ પણ હોય, લશ્કરના વડા જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે તેમનો અભિપ્રાય વ્યક્ત કરે છે ત્યારે સહુ કોઇ તેને ગંભીરતાથી ધ્યાને લેતા હોય છે, સંબંધિત વિભાગો દ્વારા સત્વરે આવશ્યક આનુષાંગિક પગલાં લેવાતાં હોય છે. પરંતુ ભારતની વાત અલગ છે. અહીં આર્મી ચીફ જનરલ બિપિન રાવતે ઘૂસણખોરીના મુદ્દે એક નિવેદન કર્યું કે કેટલાક તકસાધુ રાજકારણીઓએ કાગારોળ મચાવી દીધી. લશ્કરના વડાએ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં બાંગલાદેશીઓની વધી રહેલી વ્યાપક ઘૂસણખોરી અંગે ચેતવણીનો સૂર વ્યક્ત વ્યક્ત કર્યો છે. આમ તો દેશના આ ભાગમાં બાંગલાદેશ સરહદેથી થતી ઘૂસણખોરી નવાઇની વાત નથી, પણ જનરલ રાવત જેવા ઉચ્ચ લશ્કરી અધિકારીએ આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં તેની ચર્ચા કરી છે. જનરલનું કહેવું છે કે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં, ખાસ તો સરહદી વિસ્તારોમાં વસ્તીના ધાર્મિક સંતુલનને બદલવાના બદઇરાદા સાથે બાંગલાદેશમાંથી ઘૂસણખોરી થઇ રહી છે. આ કાવતરું પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ દ્વારા ચીનની મદદથી પાર પડાઇ રહ્યું હોવાની ચોંકાવનારી અને ચિંતાજનક બાબતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. જોકે આ બધી વાતોની સાથેસાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અસમમાં જે ઝડપે ભાજપનો વિકાસ થયો છે તેનાથી વધુ ઝડપે ઓલ ઇંડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એઆઇયુડીએફ)નો વિકાસ થઇ રહ્યો છે. અને આ માટે તેમણે બાંગલાદેશ સરહદેથી થતી વ્યાપક ઘૂસણખોરીને જવાબદારી ગણાવી હતી.
આર્મી જનરલના આ નિવેદન સામે અમુક વર્ગ અને રાજકીય વર્તુળોએ હોબાળો મચાવ્યો છે. વાતને આડા પાટે ચઢતી જોઇને સેનાએ સ્પષ્ટતા પણ કરી છે કે આર્મી ચીફના નિવેદનને રાજકારણ કે ધર્મ સાથે ન જોડવું જોઇએ. દેશના બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો - ભાજપ અને કોંગ્રેસે પણ આ નિવેદનમાં કોઇ રાજકીય ઉદ્દેશ ન હોવાનું કહીને લશ્કરી વડાનો બચાવ કર્યો છે. પરંતુ સાંભળે કોણ?
લશ્કરી વડા જેવો હોદ્દો ધરાવતા જનરલ રાવત કોઇ રાજકીય પક્ષ સંબંધિત નિવેદન કરવાનું ટાળી શક્યા હોત તેમાં બેમત નથી, પરંતુ તેમની વાતમાં વજૂદ તો છે જ તે વાતનો ઇન્કાર પણ ભાગ્યે જ કોઇ કરશે. ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં બાંગલાદેશી ઘૂસણખોરોને આશ્રય આપીને તેમની મતબેન્કના સહારે રાજકીય રોટલાં શેકતાં પક્ષો અને નેતાઓની યાદી લાંબી છે, અને આમાં એઆઇયુડીએફ ટોચ પર છે. ખરેખર તો જનરલ રાવતના નિવેદનને રાજકીય રંગ આપવાથી અળગા રહીને દેશના વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા વિસ્તારમાં પલટાઇ રહેલાં વસ્તીનાં સમીકરણો પર વિશેષ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે.
જનરલ રાવતનું કહેવું છે કે જે કાંઇ થઇ ગયું છે તેમાં સુધારાનો કોઇ અવકાશ નથી, પરંતુ આખી સમસ્યાને વધુ ગંભીર બનતી અટકાવવા પર ધ્યાન આપી શકાય તેમ છે. ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ઘૂસણખોરીના મુદ્દે સંસદથી માંડીને સડક સુધી ધમાસાણ થઇ ચૂક્યું છે. અને પાકિસ્તાન તથા ચીન આવી ઘૂસણખોરીને ઉત્તેજન આપવાનો કોઇ મોકો ચૂકતું નથી તે પણ જગજાહેર છે. આ સંજોગોમાં લશ્કરી વડાએ ઉઠાવેલા ઘૂસણખોરીના મુદ્દાને રાજકીય રંગ ચઢાવવાના બદલે રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં જ ધ્યાને લેવો જોઇએ.