આખરે રાહુલભક્તોની ઈચ્છા ફળી રહી છે. ૧૩૨ વર્ષની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસના તારણહાર બનીને સત્તાસ્થાને બેસાડવાની જવાબદારીથી અત્યાર સુધી દૂર ભાગી રહેલા નેહરુ-ગાંધી વંશના ૪૭ વર્ષીય યુવરાજ રાહુલ ગાંધી ટુંક સમયમાં જ કોંગ્રેસ પાર્ટીનું વડપણ સંભાળી લેશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પક્ષપ્રમુખની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડી દીધું છે અને જેની કોઈ શક્યતા નથી તેવો અન્ય ઉમેદવાર સ્પર્ધામાં બહાર ન આવે અને મતદાન કરાવવું ન પડે તો પાંચ ડિસેમ્બરે ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષપદે નિર્વિરોધ તાજપોશી થઈ જશે. આમ, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ૯ ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાય તે અગાઉ કોંગ્રેસને નવા પ્રમુખ મળી જશે. ભાજપ માટે ગઢ બની રહેલા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી રાહુલ ગાંધી માટે લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે તેમાં જરા પણ શંકા નથી. રાહુલ પાર્ટીના તારણહાર બની રહેશે કે કેમ તેની કશ્મકશ કોંગીજનો પણ અનુભવી રહ્યા છે.
આમ તો રાજકારણ નેહરુ-ગાંધી વંશને ગળથૂથીમાં મળ્યું છે તેમ કહી શકાય. મોતીલાલ નેહરુ, જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધી- આ વંશના છ સભ્યોનો કોંગ્રેસમાં દબદબો રહ્યો છે ૪૨ વર્ષ સુધી પાર્ટીનું અધ્યક્ષપદ આ વંશને હસ્તક રહ્યું છે અને હજી પણ રહેશે તેમાં કોઈ શંકા નથી. પક્ષપ્રમુખની ચૂંટણીનું ફારસ પણ ચૂંટણીપંચે આપેલી ૩૧ ડિસેમ્બરની આખરી મહેતલને કારણે જ યોજાઈ રહ્યું છે.
પક્ષમાં અને પક્ષની બહાર રાહુલ ગાંધીની પોતાની વિચારધારા કે એજન્ડા નથી. આમ તો ઘણા લાંબા સમયથી પાર્ટીના પ્રમુખપદે રાહુલ ગાંધીને બેસાડવા કોંગ્રેસીઓ હાથ જોડીને વિનંતી કરતા રહ્યા હતા પરંતુ વર્તમાન અધ્યક્ષા સોનિયા ગાંધી અને ખુદ રાહુલ ગાંધી આ માટે તૈયાર ન હતા. રાહુલ ન હોય તો પ્રિયંકા ગાંધીને પણ પ્રમુખસ્થાન આપવા માગણીઓ થતી રહી છે. જોકે, ઈન્દિરા ગાંધી જેવી સ્ટાઈલ ધરાવતાં પ્રિયંકા શરુઆતથી જ કોઈ હોદ્દો ધરાવવાનો નન્નો ભણી રહ્યાં છે. ઘણા સમયથી સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હોઈ મને કમને પણ રાહુલ ગાંધી આ કાંટાળો તાજ પહેરવા તૈયાર થયા હોય તેમાં નવાઈ નથી.
તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી પણ રાજકારણમાં આવવા તૈયાર ન હતા પરંતુ, દબાણ હેઠળ પણ રાજકારણમાં પ્રવેશ પછી તેમણે પાઠ સુપેરે ભણી લીધા હતા અને અમુક અંશે સારા વડા પ્રધાન પણ ગણાયા હતા. રાજીવ ગાંધીની હત્યા પછી સોનિયા ગાંધીએ પાર્ટીને દોરવણી આપી અને ૧૯ વર્ષ સુધી પ્રમુખપદ સંભાળ્યું છે. જોકે, તેમના વિદેશી હોવાના કારણે વડા પ્રધાન પદની ગરિમા ન જોખમાય અને સાર્વત્રિક વિરોધ ન સર્જાય તે માટે તેમણે અર્થશાસ્ત્રી મનમોહનસિંહની આ પદ માટે વરણી કરી વાહવાહી મેળવી હતી. જોકે, પક્ષમાં આંતરિક લોકશાહી સ્થાપવાની રુડી તક તેમણે ગુમાવી દીધી. આનું પરિણામ કોંગ્રેસને જ ભોગવવું પડ્યું છે. હવે રાહુલ ગાંધીનો સમય આવ્યો છે, જેઓ અત્યાર સુધી નેહરુ-ગાંધી વંશના હોવા છતાં જવાબદારીઓથી ભાગતા રહ્યા છે.
રાહુલ ગાંધીના વડપણ હેઠળ કોંગ્રેસે ગુજરાતની ચૂંટણીઓમાં ઝંપલાવ્યું છે. પરિણામ ગમે તે આવે પરંતુ, તેમનો મેકઓવર અવશ્ય થયો છે. એક સમયે વિવાદી અને હાસ્યાસ્પદ નિવેદનો આપવા તેમજ મેદાનેજંગ છોડી વિદેશમાં રજા માણવા જવા માટે પંકાયેલા રાહુલ આક્રમકતા દર્શાવી રહ્યા છે અને ચોતરફ પ્રચારસભાઓ ગજાવી રહ્યા છે. જોકે, રાજકારણમાં વિજય અને પરાજય બંને માટેની તૈયારી હોવી જોઈએ. રાહુલ ગાંધી હજુ બિનઅનુભવી છે પરંતુ, જો પાર્ટીને આગળ લઈ જવાની ધગશ બતાવશે તો પાર્ટીમાં માર્ગદર્શકોની અછત નથી. કોંગ્રેસમાં પણ સારા નેતા તરીકે આગળ આવી તેવા યુવાન નેતાઓ છે. તેમનો સાથ અને સહકાર રાહુલ ગાંધી લઈ શકે છે.