ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનું બહુમાન ધરાવતી કોંગ્રેસનું બે દિવસનું ૮૪મું મહાઅધિવેશન દેશના પાટનગરમાં સમાપ્ત થયું. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બુઝુર્ગથી માંડીને યુવા નેતાઓએ વિચારો રજૂ કર્યા. રાહુલ ગાંધી ઉપરાંત ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ચિદંમ્બરમ્ સહિતના નેતાઓના સંબોધનોમાં નિશાન એક જ હતુંઃ ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી. અધ્યક્ષીય પ્રવચનમાં રાહુલ ગાંધીએ મહાભારતનો ઉલ્લેખ કરતાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ (સંઘ પરિવાર)ની તુલના કૌરવો સાથે જ્યારે કોંગ્રેસની તુલના પાંડવો સાથે કરી. ભાજપના નેતાઓને ભ્રષ્ટ અને ઘમંડી ગણાવ્યા તો કોંગ્રેસીઓને સત્ય માટે લડનારા દર્શાવ્યા.
અધિવેશનના વિવિધ સત્રોમાં ભ્રષ્ટાચાર, નીરવ મોદી, ખેડૂતોના પ્રશ્નો અને ન્યાયતંત્ર પર મંડરાઇ રહેલા સંકટના મુદ્દે ચર્ચા થઇ. અનેક પ્રસ્તાવો પણ પસાર થયા. આ ઉપરાંત મહારાષ્ટ્રના જજ લોયા પ્રકરણમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે આકરા આક્ષેપો કરાયા. એનડીએ સરકાર સામે જમ્મુ-કાશ્મીર સમસ્યાને વધુ ગૂંચવી મારવાનો અને વડા પ્રધાન પર સળગતા પ્રશ્નો તરફથી પ્રજાનું ધ્યાન બીજે ભટકાવવાનો આરોપ પણ મૂકાયો. હાલની પેટા-ચૂંટણીમાં કોંગ્રેસનો ભલે વિજય ન થયો હોય, પરંતુ ભાજપનો પરાજય થયો છે એ વાતથી ખુશખુશ નવજોત સિદ્ધુએ રાહુલ ગાંધી આવતા વર્ષે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે તેવી વાત કરીને સંમેલનમાં ઉત્સાહનો સંચાર કર્યો. રાહુલે ભારતીયોને પૂછ્યું કે દેશ જૂઠી આશાઓ પર જીવશે કે પછી સત્યનો સામનો કરનારા લોકોને સાથ આપશે. તેમણે યુપીએ સરકારની નિષ્ફળતાઓને પણ સ્વીકારી અને કહ્યું કે અમારાથી ભૂલો થઇ, જેનાથી જનતાએ અમને જાકારો આપ્યો. અમે લાયક યુવાઓને આગળ લાવશું. વગેરે વગેરે...
અધિવેશનમાં વાતો તો ઘણી થઇ, પરંતુ હવે શું? રાહુલ સહિતની નેતાગીરીએ જોશભેર પ્રવચન દ્વારા કાર્યકરોમાં ચેતનાનો સંચાર કર્યો છે, તેમનામાં જુસ્સો ભરવાનું કામ કર્યું છે, પરંતુ સાચો પડકાર તો હવે છે. રાહુલે બોલેલા શબ્દો પાળી બતાવવા પડશે, અને આ કામ - કમસે કમ કોંગ્રેસમાં તો - આસાન નથી જ જણાતું. રાહુલે સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે કે હવે કોંગ્રેસનું ભવિષ્ય યુવા પેઢી જ છે. યુવા નેતાઓએ તો આ શબ્દો વધાવી લીધા હતા, પણ નિરાશ થયેલા વડીલ નેતાઓ તેને વગર વિરોધે કામ કરવા દેશે કે કેમ તે લાખ રૂપિયાનો સવાલ છે. કોંગ્રેસમાં જૂથબંધીએ માઝા મૂકી છે - પછી વાત પ્રાદેશિક એકમની હોય કે કેન્દ્રીય એકમની. બધાના પોતપોતાના જૂથ છે. મહા અધિવેશનમાં રાહુલને પક્ષની નવી કાર્યસમિતિ ચૂંટવાનો અધિકાર આપતો પ્રસ્તાવ તો એક અવાજે પસાર થયો, પરંતુ રાહુલની પહેલી અગ્નિપરીક્ષા અહીં જ થવાની છે. સમિતિમાં સ્થાન પામેલ નેતાઓ કેટલું અને કેવું કામ કરે છે એ તો સમય કહેશે જ, પરંતુ સ્થાન ન મેળવી શકેલા નેતા નડતરરૂપ બનશે એ નક્કી છે.
રાહુલ અને કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર કર્ણાટકમાં સરકાર ટકાવવાનો, અને પછી હિન્દી રાજ્યોમાં ચૂંટણી જીતવાનું લક્ષ્ય પાર પાડવાનું હશે. આવતા વર્ષે આવશે સામાન્ય ચૂંટણીમાં ભાજપને પછડાટ આપવાનો પડકાર. રાહુલ કે તેમની ટીમને એકેય લક્ષ્ય ચૂકવાનું પરવડે તેમ નથી. રાહુલે પક્ષમાં ચેતનાનો સંચાર તો કર્યો છે, પણ સબળ અને સફળ નેતૃત્વ થકી પક્ષને વિજયપંથે દોરી જવાનું અતિ મુશ્કેલ કામ તો તેમણે જ પાર પાડવું પડશે. રાહુલના પ્રવચનમાં પણ કેટલાક પાયાના વિરોધાભાસો, અઘટિત આક્ષેપો જોતાં તેમણે વધુ પરિપક્વ, જાગૃત બનવાની સ્પષ્ટ જરૂર જણાય છે.