લંડનમાં વિસ્ફોટઃ આતંકને મૂળથી ડામવો પડશે

Tuesday 19th September 2017 13:22 EDT
 

ફરી એક વખત આતંકવાદીઓ લંડનમાં તેમનો બદઇરાદો પાર પાડવામાં આંશિક સફળ રહ્યા છે. આ હુમલામાં સદભાગ્યે કોઇ જાનહાનિ તો નથી થઇ, પરંતુ આ ષડયંત્રે લંડનના શાંત માહોલને ખરડી જરૂર નાખ્યો છે. સેન્ટ્રલ લંડન તરફ આવી રહેલી ડિસ્ટ્રીક્ટ લાઇનની ટ્યુબમાં થયેલા આ વિસ્ફોટમાં ૨૨ને વ્યક્તિને નાનીમોટી ઇજા થઇ છે. આ ઘટના પીકઅવર્સ ગણાતા સવારના એવા સમયે બની છે જ્યારે મહત્તમ લોકો કામના સ્થળે પહોંચવા ટ્યુબમાં પ્રવાસ કરતા હોય છે. બ્રિટનમાં છ માસમાં આ પાંચમો આતંકી હુમલો છે. છેલ્લા એક વર્ષથી આતંકવાદીઓએ યુરોપને નિશાન બનાવ્યું છે. બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ, સ્વીડન, રશિયામાં આતંકી હુમલામાં અનેક માર્યા ગયા છે, સેંકડો ઘાયલ થયા છે. લોખંડી સુરક્ષા બંદોબસ્ત અને અત્યાધુનિક સાધનો વડે ચાંપતી નજર છતાં કટ્ટરવાદીઓ તેમના મેલા મનસૂબા પાર પાડવામાં ફાવી જાય છે. કેમ? આ પ્રશ્ન એવો છે જેનો જવાબ શોધવા માટે બહુ લાંબુ વિચારવાની જરૂર નથી.
મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં કેટલાક વર્ષોથી ભારે હિંસા અને અરાજક્તાનો માહોલ પ્રવર્તે છે. પરિણામે આ દેશના નાગરિકો શાંતિ-સુરક્ષાની શોધમાં અન્યત્ર હિજરત કરી રહ્યા છે. આ લોકોની પહેલી પસંદ વિકસિત યુરોપીયન દેશો હોય છે કેમ કે માનવ અધિકારોના નામે આ દેશોમાં આશ્રય મેળવવાનું સરળ છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં યુરોપીયન દેશોમાં આવા શરણાર્થીની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. આવા હિજરતીના ટોળામાં ભળી જઇ આતંકવાદી તત્વો પણ સરળતાથી વિકસિત દેશોમાં ઘુસી જાય છે. પરિણામ આપણી નજર સામે છે. આવા કટ્ટરવાદી મોટા ભાગે સ્થાનિક મુસ્લિમોને ઉશ્કેરીને, સ્લીપર સેલના માધ્યમથી તેમના બદઇરાદા પાર પાડે છે. કાવતરું ઘડનારા તો પરદા પાછળ રહે છે, પણ આવા આતંકીની વાતોમાં સપડાઇને ગેરમાર્ગે દોરવાયેલા મુઠ્ઠીભર સ્થાનિક તત્વોના પાપે સમગ્ર સમુદાયને લોકો શંકાની નજરે નિહાળતા થઇ જાય છે.
વિશ્વભરમાં અશાંતિ ફેલાવવા માટે સક્રિય કટ્ટરવાદીઓની આ જ નીતિરીતિ રહી છે. પછી તે બ્રિટન હોય કે ભારત. ભારતમાં હાલ રોહિંગ્યા મુસ્લિમ સમુદાયના શરણાર્થીઓનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. રોહિંગ્યા મુસ્લિમોએ ભારતની સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થકી માગણી કરી છે કે રોહિંગ્યા શરણાર્થીઓની સ્થિતિ દયનીય છે અને તેમને મ્યાંમાર પરત મોકલવાથી ખરાબ અસર થશે. અધૂરામાં પૂરું, રોહિંગ્યા શરણાર્થીઓને સ્વદેશ મોકલવા ભારત સરકારે હાથ ધરેલી કાર્યવાહી વિશ્વ સમુદાયે વખોડી છે. પરંતુ આંખો મીંચીને માનવાધિકારના ડાકલા વગાડતા આ નેતાઓ સિક્કાની બીજી બાજુ વિશે વિચારવા તૈયાર નથી. ભારતનો તર્ક એ છે કે આ લોકોને આવવા દેવાથી દેશમાં આતંકવાદીઓના પ્રવેશનું જોખમ વધી જાય છે. ભારત સરકારે સોગંદનામા સાથે કોર્ટમાં આ વાત રજૂ કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ શરણાર્થીઓને દેશમાં રહેવા દેવાશે તો દેશની સુરક્ષા પર ખતરો વધી શકે છે. સાથોસાથ સરકારે જણાવ્યું છે કે ગેરકાયદે આવેલા નાગરિકોને આ દેશમાં રહેવાનો કોઇ અધિકાર નથી. આ અધિકાર માત્રને માત્ર દેશની નાગરિકતા ધરાવતી વ્યક્તિને જ છે. યુરોપીય દેશમાં વધતા આતંકવાદી જોખમને જોતાં ભારતનો આ તર્ક એકદમ વ્યાજબી કે યોગ્ય જણાય છે.
યુનાઇટેડ નેશન્સ અને અમેરિકા સહિત દેશોએ દબાણ વધારતાં આઇએસ, તાલિબાન, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોને પ્રતિબંધિત જાહેર કરાયા છે તે સાચું, પરંતુ આ પગલાંઓ છતાં સાચી જરૂર તો આતંકવાદને પાળતા-પોષતા દેશ સામે ગાળિયો કસવાની છે. જ્યાં સુધી પાકિસ્તાન જેવા આતંકવાદના પાલનહાર દેશ સામે આકરા પ્રતિબંધો લાદવામાં નહીં આવે ત્યાં સુધી આતંકનો સફાયો શક્ય નથી. લંડનમાં તાજેતરના આતંકી હુમલા બાદ વિશ્વ સમુદાયે એકસંપ થઇને, તમામ દ્વિપક્ષીય મતભેદોને કોરાણે મૂકીને આતંકવાદ સામે સહિયારી અને અસરકારક કામગીરી કરવી જ રહી. આમ થશે ત્યારે જ વિશ્વ સમુદાય શાંતિ-પ્રેમથી રહી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter