ભારતમાં આર્થિક કૌભાંડો નવા નથી. હર્ષદ મહેતાનું શેરબજાર અંગેનું કૌભાંડ જુઓ કે તત્કાલીન ટેલિકોમ પ્રધાન ડી. રાજા અને કનીમોઝીએ ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીના ગોટાળા જુઓ. કિંગફિશરના વિજય માલ્યાએ કરોડો રૂપિયાની લોન લીધા બાદ પરત ન કરીને બેન્કોને રાતા પાણીએ રડાવી. હવે નીરવ મોદીએ ભારતીય બેન્કીંગ સેક્ટરમાં તોતિંગ કૌભાંડ આચર્યું છે. દરેક કૌભાંડ વખતે હોબાળો થયો અને તમામ રાજકીય પક્ષોએ આ ગોટાળાઓને ચૂંટણીમાં મુદ્દા બનાવી કાદવ ઉછાળ્યો. સમાંતરે શાસક પક્ષ વિપક્ષ બન્યો અને વિપક્ષ સત્તામાં આવ્યો, પણ સ્થિતિમાં કોઇ બદલાવ જણાતો નથી. (જોકે, આ વેળાએ તપાસ-ધરપકડની સક્રિયતા નોંધપાત્ર બની રહી છે) નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે આચરેલું આશરે રૂ. ૧૧,૭૦૦ કરોડનું મહાકૌભાંડ દર્શાવે છે કે સરકાર ગમે તે પક્ષની હોય, ગોટાળાબાજોને ફરક પડ્યો નથી. આ ગોટાળામાં જવેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા ટોચની હસ્તીઓ સામેલ છે. આ મહાકૌભાંડની શરૂઆત ૨૦૧૧માં યુપીએ શાસન વેળા થઇ હતી અને અંત એનડીએ શાસનમાં આવ્યો છે. ૨૦૧૪માં મોદી સરકારે દેશની શાસનધૂરા સંભાળી. બન્ને સરકારના કાર્યકાળમાં નીરવ મોદી અને તેના મળતિયાઓ આરામથી બેન્કોમાંથી અબજો રૂપિયા ઉઠાવતા રહ્યા. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી), સીબીઆઇ જેવા સાત વિભાગોની સહિયારી તપાસમાં નીરવ મોદી, તેના સાથીદારો અને બેન્ક અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. ચૂંટણી નજીક હોવાથી આ આર્થિક ગોટાળા મુદ્દે જોરશોરથી રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. કોંગ્રેસ આક્રમક છે તો ભાજપ સાચવી સાચવીને પગલાં ભરી રહી છે. કોંગ્રેસ કહે છે કે તેણે ૨૦૧૬માં જ મોદી સરકારને નીરવ મોદી સામે લેખિત ફરિયાદ આપી હતી. કોંગ્રેસે દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો એક ફોટોગ્રાફ પણ રિલીઝ કર્યો છે, જેમાં નરેન્દ્ર મોદી સાથેના ગ્રૂપફોટોમાં અન્ય બિઝનેસમેન સાથે નીરવ મોદી પણ છે. આના થોડાક જ સમય બાદ પીએનબીના મેનેજમેન્ટે આર્થિક ગેરરીતિ સંદર્ભે નીરવ મોદી સામે સીબીઆઇને ફરિયાદ આપી હતી.
ભારત સરકારે ગળું ખોંખારીને દાવો કર્યો છે કે દોષી ગમે તેટલો મોટો હશે, પણ તે કાયદાની ચૂંગાલમાંથી છટકી શકશે નહીં. સરકારના આ દાવા સામે આપણે શંકા ભલે ન કરીએ, પણ હકીકત એ છે કે ભારતમાં કૌભાંડો અટકતાં નથી અને કૌભાંડીઓને કોઇ અટકાવતું નથી. દેશની બેન્કોનું નવ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને વિજય માલ્યા બ્રિટનમાં મોજ કરે છે. આઇપીએલમાં કૌભાંડ આચરનારા લલિત મોદી પણ વિદેશમાં આંટા ફેરા કરે છે અને તેને હજુ આંચ આવી નથી. આ ભાગેડુ કૌભાંડીઓની યાદીમાં હવે નીરવ મોદી અને તેમના પરિવારજનોનું નામ ઉમેરાયા છે. સરકાર ભલે દોષિતોને દંડવાની વાત કરે, પણ તપાસ એજન્સીઓની કામગીરી જોતાં આવું શક્ય બનશે કે કેમ તે લાખ રૂપિયાનો સવાલ છે. પંજાબ નેશનલ બેન્ક દ્વારા નીરવ મોદી સામે ૨૯ જાન્યુઆરીએ ફરિયાદ થઇ હતી, પરંતુ નીરવ મોદીએ તેના લગભગ એક મહિના પહેલાં એટલે કે પહેલી જાન્યુઆરીએ જ ભારત છોડી દીધું હતું. નીરવ મોદીની પાછળ પાછળ તેમના પરિવારજનો પણ પછીના બે-ત્રણ દિવસમાં રફુચક્કર થઇ ગયા છે. ત્યાં સુધી ભારતમાં કોઇનેય ગંધ આવી નહીં. અહીં સવાલ એ છે કે આટલા મોટા ગોટાળા બાદ પણ આરોપીઓ વિદેશ પહોંચી કઇ રીતે જાય છે? માલ્યા અને લલિત મોદીના કેસ જોતાં નીરવ મોદીને ભારત લાવીને અબજો રૂપિયાની વસૂલાત કરવાનું કામ બહુ અઘરું જણાઇ રહ્યું છે.
આ સંજોગોમાં કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદે પહેલાં તો દેશવાસીઓને એ જણાવવું જોઇએ કે આ આર્થિક કૌભાંડમાં ચવાઇ ગયેલા અબજો રૂપિયા પાછા આવશે કઇ રીતે? ગુનેગારો ક્યારે જેલના સળિયા પાછળ જોવા મળશે? આમ આદમીની પરસેવાની કમાણીના નાણાં ધનકુબેરોને લ્હાણી કરતાં રહેવાનું કેટલું યોગ્ય છે? છેલ્લા કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા છે કે સરકાર જાહેર ક્ષેત્રની બેન્કોને વધુ સ્વાયત્તતા આપવા માટે તબક્કાવાર પગલાં રહી છે. આજના આર્થિક ઉદારીકરણના યુગમાં સરકારી બેન્કોને વધુ સ્વાયત્તતા આપવામાં, સ્વનિર્ભર બનાવવામાં કશું ખોટું નથી. આ પગલું આવકાર્ય જ છે, પરંતુ કંઇક એવું જડબેસલાક તંત્ર તો ગોઠવો કે લોકોનો બેન્કીંગ સેક્ટર પરનો ભરોસો ટકી રહે. આવા ગોટાળાથી તો લોકોનો બેન્કીંગ સિસ્ટમ પરનો ભરોસો જ ઉઠી જશે.
શહીદોના નામે શરમજનક રાજકારણ
ભારતીય સૈન્ય તેની બેજોડ બહાદુરી અને શિસ્ત માટે જગવિખ્યાત છે. કારણ કે ગમે તેવા કટોકટીના સમયે પણ તેણે કોઇ પણ પ્રકારે બંધારણીય મર્યાદાઓ ઓળંગી નથી. એ તેના સ્વભાવમાં જ નથી. સરહદે લડતો સૈનિક દુશ્મનોની ગોળીઓ ઝીલતાં યાદ નથી કરતો કે, તેનો ધર્મ કયો છે? જાતિ કઇ છે? કયા પ્રદેશમાંથી આવે છે? કે તેની કઇ માતૃભાષા છે? ‘જય હિંદ’ના નારા સાથે તે મોતને વહોરે છે અને તિરંગામાં લપેટાઇને વતન આવે છે, પણ આ જ દેશના કેટલાક વરવી માનસિકતા ધરાવતા રાજકારણીઓ સૈન્યને કોમી રંગ ચઢાવવા મથે છે. મુઠ્ઠીભર મતોની લાલચમાં નેતાઓ શહીદોના નામે જ રાજકારણ થવા લાગશે. આતંકવાદને પોષતા પાકિસ્તાનને પાઠ ભણાવવા થયેલી સર્જીકલ સ્ટ્રાઇકની વાત હોય કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બીજા મુદ્દા, આ બધાને રાજકીય રંગ ચઢાવવામાં આવી રહ્યો છે. અફસોસજનક હોવા છતાં આ બધું ખુલ્લેઆમ થવા લાગ્યું છે.
ઓલ ઇંડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અસઉદ્દીન ઓવૈસીએ જમ્મુ-કાશ્મીરમાં સુંજવાન આર્મી કેમ્પ પરના આતંકી હુમલામાં શહીદ જવાનો સંદર્ભે એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું કે આ આતંકી હુમલામાં પાંચ મુસ્લિમ (જવાનો) પણ શહીદ થયા. તેમણે કહ્યું કે મુસલમાનોને પાકિસ્તાની સમજનારા લોકોએ આમાંથી બોધપાઠ લેવો જોઇએ. હંમેશા વિવાદાસ્પદ નિવેદનોથી સમાચારોમાં ચમકતા ઓવૈસી આવું બોલ્યાં ત્યારે એ ભૂલી ગયા કે મુસ્લિમોએ આ દેશ માટે કંઇ પહેલી વખત પોતાના જીવનનું બલિદાન નથી આપ્યું. સ્વાતંત્ર્ય વેળા ૩૨ વર્ષના અશફાક-ઉલ્લા-ખાનની શહાદતને લોકો આજે પણ યાદ કરે છે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વેળા શહીદ થયેલા અબ્દુલ હમીદને તો તેમના શૌર્ય માટે પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા. હજારો મુસ્લિમોએ હસતાં હસતાં માભોમની રક્ષા કાજે પોતાના જાનની બાજી લગાવી દેવામાં ગર્વની લાગણી અનુભવી છે. ઓવૈસી અને તેના જેવા નેતાઓ સૈનિકોની શહીદીને રાજકારણ સાથે જોડીને શું મેળવવા માંગે છે?
મુસ્લિમ સમુદાયના હમદર્દ બનવા હવાતિયા મારતા ઓવૈસીને કદાચ ખુદને ખબર નહીં હોય કે પોતે શું બોલે છે. ઓવૈસી જેવા નેતાઓએ સમજવું રહ્યું કે દેશના મુસલમાન પણ બીજા ધર્મના લોકોની જેમ આ દેશને પોતાનો સમજે છે. ઔવેસી જેવા નેતાઓ તેમને ભડકાવવાની કોશિષ તો કરે છે પરંતુ સફળ થતા નથી. જો સફળ થતા હોત તો ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા વિશાળ અને મુસ્લિમ બિરાદરોની નોંધપાત્ર વસ્તી ધરાવતા રાજ્યોમાં ઓવૈસીના પક્ષને સમ ખાવા પૂરતી એકાદ બેઠક પણ મળી ગઇ હોત. શહીદ જવાનોની કોમના મુદ્દે બેહૂદુ નિવેદન કરનાર ઓવૈસીએ ઇંડિયન આર્મીએ જડબાતોડ જવાબ આપતાં યોગ્ય જ કહ્યું છે કે અમારે ત્યાં શહીદોની કોમ જોવામાં આવતી નથી. શહીદનો કોઇ ધર્મ હોતો નથી. દેશ માટે જાન આપનારા લોકોને ધર્મ-સંપ્રદાયના ચશ્માથી જોવાનું ઓવૈસી જેવા નેતાઓનું વલણ તેમની હલ્કી માનસિક્તા દર્શાવે છે. આવા નેતાઓને ભારતીયોએ ભૂતકાળમાં પણ ગંભીરતાથી નથી લીધા અને ભવિષ્યમાં પણ નહીં જ લે તેમાં બેમત નથી.