દર વખતે નાટ્યાત્મક વાણી-વર્તનના કારણે અખબારી માધ્યમોમાં ચમકતા રહેતા લાલુ પ્રસાદ યાદવ આ વખતે જુદા જ કારણસર સમાચારમાં છે. ભારતની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ તેમના નિવાસસ્થાન સહિત આઠ સ્થળોએ પાડેલા દરોડા દર્શાવે છે કે રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના અધ્યક્ષ બે દસકા બાદ ફરી એક વખત કાનૂની સકંજામાં સપડાતા જોવા મળી રહ્યા છે. ૮૦૦ કરોડના ચારા કૌભાંડમાં સંડોવણી ખુલ્લી પડ્યા બાદ લાલુ પ્રસાદને મુખ્ય પ્રધાન પદની ગાદી ગુમાવવું પડી હતી. જેલમાં જવું પડ્યું હતું, અને ગોટાળામાં દોષિત ઠરતા સજા પણ થઇ હતી. ચૂંટણી લડવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો એ તો લટકામાં. હવે લાલુ પ્રસાદ સામે (યુપીએ સરકારમાં) રેલવે પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન આઇઆરસીટીસી હસ્તકની હોટેલોના વેચાણમાં નાણાંકીય ગોબાચારી કરવા બદલ તપાસ શરૂ થઇ હતી. પ્રાથમિક તબક્કે આક્ષેપમાં તથ્ય જણાતાં સીબીઆઇએ લાલુ પ્રસાદ, તેમના પરિવારજનો અને પરિચિતોને ત્યાં દરોડા પાડીને સાથે તમામ સામે વિશ્વાસઘાત, છેતરપિંડીનું કાવતરું ઘડવા સહિતના ફોજદારી ગુના નોંધ્યા છે.
૧૯૯૭માં ચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ એકલા જ ફસાયા હતા, પરંતુ આ વખતે તેમના પોતાના ઉપરાંત તેમના પત્ની રાબડી દેવી, પુત્ર અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ તેમજ પુત્રી મીસા પણ ફસાયા છે. તેમનો બીજો એક પુત્ર તેજપ્રતાપ પેટ્રોલ પંપની ગેરકાયદે ફાળવણીના કેસમાં તો પુત્રી મીસા ભારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને ઇન્કમ ટેક્સ વિભાગની તપાસનો સામનો કરી રહ્યા છે. સીબીઆઇના આ દરોડાને ભારત સરકાર કાનૂની કાર્યવાહી ગણાવી રહી છે તો લાલુ પ્રસાદ ભાજપ પોતાની સામે રાજકીય બદલાની ભાવનાથી કાર્યવાહી કરી રહ્યો હોવાના આરોપ કરે છે.
જોકે હવે મામલો લાલુની સંભવિત ધરપકડ કે રાજકીય બદલાની ભાવના પૂરતો સીમિત નથી. જો નવા કૌભાંડમાં સપડાયેલા લાલુ પ્રસાદ અને તેના પરિવારજનોને જેલના સળિયા ગણવા પડ્યા તો રાજદનું ભવિષ્ય શું થશે? બિહાર સરકારમાં તેના સહયોગી જનતા દળ (યુ) સાથે તેનું અંતર છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યું છે. આ સંજોગોમાં નવી આફતનો સામનો લાલુ પ્રસાદે એકલા હાથે જ કરવો પડશે. સીબીઆઇ કાર્યવાહી દરમિયાન અગાઉ બહાર આવેલી બેનામી સંપત્તિના મામલે લાલુ પ્રસાદ કે તેના પરિવારજનો હજુ સુધી કોઇ સંતોષજનક ખુલાસો કરી શક્યા નથી. જો ‘દસ્તાવેજો’ને સાચા માનવામાં આવે તો લાલુ અને તેના પરિવારજનોએ એક હજાર કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ એકત્ર કરી છે. આ સંજોગોમાં લાલુ પ્રસાદ કાં તો જાહેર કરે કે પોતાના પર જે બેનામી સંપત્તિનો આરોપ લાગી રહ્યો છે તેની સાથે પોતાને કોઇ નિસ્બત નથી. અથવા તો પછી તેઓ એ વાતે ફોડ પાડે કે તેમણે આ અધધધ સંપત્તિ એકત્ર કરી છે કઇ રીતે? અત્યારે તો એવું લાગે છે કે લાલુ પ્રસાદ પરિવાર માટે આગળ કૂવો છે અને પાછળ ખાઇ.