લિયો વરાડકરઃ ભારતવંશીઓનું સફળતાનું પ્રતીક

Tuesday 06th June 2017 13:31 EDT
 

આયર્લેન્ડમાં ભારતીય પિતા - આઇરિશ માતાના પુત્ર લિયો વરાડકરે વડા પ્રધાન પદ સંભાળ્યું છે. તેમના પિતા મુંબઇથી ડોક્ટર થઇને આયર્લેન્ડ જઇ ઠરીઠામ થયા હતા. લિયો વર્ષોથી ફાઈન ગેઇલ નામના મુખ્ય પક્ષ સાથે સંકળાયેલા હતા. ૨૦૦૭માં બીજા એક પક્ષ બર્ટી અહરના નેતા બન્યા. ત્રણ - ત્રણ વખત ચૂંટણી જીત્યા અને હવે વડા પ્રધાન બન્યા. ૨૦૧૫માં આયર્લેન્ડ સંસદમાં ઐતિહાસિક ઠરાવ થયો. આયર્લેન્ડ કેથલિક રાષ્ટ્ર છે અને પ્રજા રૂઢિચુસ્ત છે. દેશમાં સજાતીય સંબંધો પર પ્રતિબંધ ધરાવતો કાયદો ૧૩૨ વર્ષથી હતો. હોમોસેક્સ્યુઅલ સંબંધો ફોજદારી ગુનો - ક્રિમિનલ ઓફેન્સ ગણાતા હતા. ૧૯૯૩માં તેમાં સુધારાવધારા કરાયા. આજે આયર્લેન્ડમાં હોમો-સેક્સ્યુઅલ, લેસ્બિયન સંબંધો ક્રિમિનલ ઓફેન્સ નથી. ૨૦૧૫માં આયર્લેન્ડ સંસદે બીજું ઐતિહાસિક પગલું ભર્યું. દેશમાં ગે મેરેજને માન્યતા આપી. આ મુદ્દે જનમત ઉભો કરવામાં ૩૬ વર્ષના લિયોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ત્યારે તેઓ ફિનાબે સરકારમાં પ્રધાન હતા. લિયોએ તે સમયે અંતરેચ્છા વ્યક્ત કરી હતી કે ગે હોવા છતાં વડા પ્રધાન બનવા આતુર છે. આજે માત્ર ૩૮ વર્ષની વયે સપનું સાકાર થયું છે.
લિયો વડા પ્રધાન બન્યા છે એમાં તેમની બુદ્ધિપ્રતિભા, મૂલ્યપરસ્તી, પ્રભાવશાળી વ્યક્તિત્વ વગેરેએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આયર્લેન્ડ નવા યુગમાં જોશભેર કદમ માંડવા થનગને છે ત્યારે બહુમતી સંસદસભ્યોએ દેશનું સુકાન તેને સોંપ્યું છે. લિયો સ્પષ્ટ વક્તા છે, સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે ને વાકચાતુર્ય વખણાય છે. સોશ્યલ મીડિયાના ઉપયોગમાં તેઓ માહેર છે. આયર્લેન્ડની પ્રજાએ એક ભારતીય વંશજને વડા પ્રધાન પદે ચૂંટ્યા છે તે ઐતિહાસિક સીમાચિહન ગણી શકાય. નજીકના ભૂતકાળમાં જ પોર્ટુગલનું વડા પ્રધાન પદ સંભાળનાર એન્ટોનીયો કોસ્ટા પણ મુંબઈમાં જન્મેલા ભારતવંશી છે. તેઓ ગોવાનીઝ પિતાના સંતાન છે. પોર્ટુગલ, આયર્લેન્ડ જેવા યુરોપના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા દેશોના સર્વોચ્ચ સ્થાને એક ભારતવંશીની વરણી સહુ માટે ગૌરવની ઘડી છે. એક બીજી બાબત પણ ધ્યાનાકર્ષક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સામાજિક પરિવર્તનના ઊંડા અભ્યાસુ ગીડિયન રેચમને એક લેખમાં સરસ વાત કરી હતી. તેમણે લખ્યું હતું કે ભારત અને ચીન મહાન સંસ્કૃતિ ધરાવતા રાષ્ટ્રો છે. દુનિયાભરમાં ફેલાયેલા ભારતીય ડાયસ્પોરાની સંખ્યા લગભગ ૨.૫ કરોડ છે. આ સમુદાય અનેક લાક્ષણિક્તા ધરાવે છે, તેણે મૂલ્યો, પરંપરાના જતનથી એક છાપ ઉભી કરી છે. આ અર્થમાં યુરોપ પ્રવાસ વેળા વડા પ્રધાન મોદીએ જે પ્રકારે જર્મન, સ્પેન, રશિયા, ફ્રાન્સના પ્રમુખ, વડા પ્રધાન કે ચાન્સેલર જેવા નેતાઓ સાથે વિચારવિનિમય કરી નોંધપાત્ર નામના મેળવી તે પ્રશંસનીય છે. આ સંદર્ભે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની ટીપ્પણની નોંધનીય છે. તેમણે કહ્યું હતું કે નેહરુ અને ઇંદિરા ગાંધી પછી નરેન્દ્ર મોદી પણ વિશ્વભરમાં છવાયા છે. આ અર્થમાં આપણે કહી શકીએ કે દેશ હોય કે વિદેશ, સિદ્ધિના શિખરે પહોંચવામાં ભારતીયોને કોઇ અવરોધો નડતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter